Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મિખાયા પ્રબોધકની આહાબને ચેતવણી
( ૧ રા. ૨૨:૧-૨૮ )

1 યહોશાફાટની પાસે પુષ્કળ દ્રવ્ય હતું, ને લોકો તેને બહુ માન આપતા હતા. તેણે આહાબની સાથે સગપણ કર્યું.

2 કેટલાક વર્ષ પછી તે આહાબની પાસે સમરુન ગયો. અને આહાબે તેને માટે તથા તેની સાથેના લોકને માટે પુષ્કળ ઘેટાં તથા બળદો કાપ્યાં, ને [પોતાની સાથે] રામોથ-ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવાને તેને સમજાવ્યો.

3 આહાબે યહોશાફાટને પૂછ્યું, શું તું રામોથ-ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવા મારી સાથે આવશે?” યહોશાફાટે તેને ઉત્તર આપ્યો, “હું તે જાણે તમે જ, ને મારા લોક તે જાણે તમારા જ લોક છે [એમ ગણો]. અમે તમારી સાથે યુદ્ધ કરવા આવીશું.”

4 યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવાની શી ઇચ્છા છે તે કૃપા કરીને પહેલાં પૂછી જુઓ.

5 ત્યારે ઇઝરાયલના રાજાએ ચારસો પ્રબોધકોને ભેગા કરીને તેઓને પૂછ્યું, “અમે રામોથ-ગિલ્યાદ ઉપર ચઢાઈ કરીએ કે નહિ? “તેઓએ કહ્યું, “ચઢાઈ કરો; કેમ કે ઈશ્વર તેને રાજાના હાથમાં સોંપી દેશે.”

6 પણ યહોશાફાટે પૂછ્યું, “શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અત્રે નથી કે, આપણે તેની મારફતે સલાહ પૂછીએ?”

7 આહાબે તેને કહ્યું, “હજી પણ એક માણસ છે કે જેની મારફતે આપણે યહોવાની સલાહ પૂછી શકીએ, પણ હું તેને ધિક્કારું છું; કેમ કે તે મારા વુષે કદી પણ શુભ નહિ, પણ હંમેશા અશુભ ભવિષ્ય કહે છે. તે તો યિમ્લાનો પુત્ર મિખાયા છે.” યહોશાફાટે કહ્યું “રાજાએ એમ ન બોલવું જોઈએ.”

8 પછી ઇઝરાયલના રાજાએ એક ખવાસને બોલાવીને કહ્યું, “યિમ્લાના પુત્ર મિખાયાને જલદી બોલાવી લાવ.”

9 હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ રાજપોષાક પહેરીને સમરુનના દરવાજાના નાકા પાસેના મેદાનમાં પોતપોતાના આસન પર બેઠા હતા. તેઓની આગળ સર્વ પ્રબોધકો ભવિષ્ય કહેતા હતા.

10 કનાનાના પુત્ર સિદકિયાએ પોતાને માટે લોઢાનાં શિંગ બનાવીને કહ્યું, “યહોવા કહે છે કે, અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેઓને હઠાવશે.”

11 સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, “રામોથ-ગિલ્યાદ ઉપર ચઢી જઈને વિજયી થાઓ; કેમ કે યહોવા તે તમારા હાથમાં સોંપી દેશે.”

12 જે સંદેશિયો મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, “બધાં પ્રબોધકો સર્વાનુમતે રાજાને માટે શુભ ભવિષ્ય કહે છે; માટે કૃપા કરીને તમારું કહેવું પણ તેઓમાંના એકના જેવું હોય તો સારું.”

13 મિખાયાએ તેને કહ્યું, “જીવતા યહોવાના સમ કે મારા ઈશ્વર મને જે કહેશે તે જ હું બોલીશ.”

14 જ્યારે તે રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂંછયું, “મિખાયા, અમે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ?” મિખાયાએ કહ્યું, “ચઢાઈ કરીને ફતેહ મેળવો. તેને તમારા હાથમાં સોંપવામાં આવશે.”

15 રાજાએ તેને કહ્યું, “હું તને કેટલી વાર સોગન દઉ કે તારે યહોવાને નામે સત્ય સિવાય બીજુ કંઈ જ મારી આગળ બોલવું નહિ?”

16 [મિખાયાએ] કહ્યું “મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરના ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા, અને યહોવાએ કહ્યું, ‘એમનો કોઈ ધણીધોરી નથી. તેઓ દરેક પોતપોતાને ઘેર શાંતિથી પાછા જાય.”

17 ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મે તમને નહોતું કહ્યુ કે, તે મારા સબંધી સારુ નહિ પણ માઠું ભવિષ્ય ભાખશે?”

18 મિખાયાએ કહ્યું, “તમે યહોવાનું વચન સાંભળો. મે યહોવાને તેમના રાજ્યાસન પર બેઠેલા જોયા, તથા આકાશનું બધું સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે ઊભેલું હતું.

19 યહોવાએ કહ્યું, ‘કોણ ઇઝરાયલના રાજા આહાબને ફોસલાવીને રામોથ-ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું, ને બીજાને તેમ કહ્યું.

20 પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ યહોવાએ તેને પૂછ્યું, ‘શી રીતે?’

21 પેલા આત્માએ કહ્યું, ‘ત્યાં જઈને તેના સર્વ પ્રબોધકના મુખમાં હું જુઠું બોલનાર આત્મા થઈશ.’ તેણે કહ્યું, ‘તું આહાબને ફોસલાવશે, ને વળી ફતેહ પણ પામશે; ચાલ્યો જા, ને એમ ન કર.’

22 માટે હવે, જો, યહોવાએ આ તારા પ્રબોધકોનાં મુખોમાં જુઠું બોલનાર આત્મા મૂક્યો છે. અને યહોવા તારા સબંધી અશુભ બોલ્યા છે.”

23 ત્યારે કનાનાના પુત્ર સિદકિયાએ પાસે આવીને મિખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું, “યહોવાનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો?”

24 મિખાયાએ કહ્યું, “જે દિવસે તું સંતાવાને ભીતરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે.”

25 ઇઝરાયલના રાજાએ કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના સૂબા આમોનની પાસે તથા રાજાના પુત્ર યોઆશની પાસે પાછો લઈ જાઓ.

26 અને તેમને કહો કે, રાજાનો હુકમ છે કે, આને બંદીખાનામાં રાખજો, ને હું ફતેહ પામીને પાછો આવું ત્યાં સુધી સૂકી રોટલીથી તથા પાણીથી તેનો નિર્વાહ કરજો.”

27 મિખાયાએ તેને કહ્યું, “જો તમે કદી પણ ફતેહ પામીને પાછા આવો તો યહોવા મારી મારફતે બોલ્યા નથી [એમ સમજવું].” વળી તેણે લોકોને કહ્યુ, “હે લોકો, તમે સર્વ સાંભળો છો.”


આહાબનું મૃત્યુ
( ૧ રા. ૨૨:૨૯-૩૫ )

28 પછી ઇઝરાયલના રાજાએ તથા યહૂદિયાના રાજા યહોશાફાટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરી.

29 ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ; પણ તમે તમારો રાજપોષાક પહેરી રાખો.” ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો, અને તેઓ બન્ને યુદ્ધમાં ગયા.

30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, એકલા ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈ નાના કે મોટાની સાથે લડશો નહિ.

31 રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યું કે, એ ઇઝરાયલનો રાજા છે; માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને સહાય કરી. અને ઈશ્વરે તેઓના મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યા.

32 રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પાછળ ન પડતાં પાછા ફર્યા.

33 એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાંથી [બાણ] માર્યું, ત્યારે એણે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા; કેમ કે મને કારી ઘા લાગ્યો છે.”

34 તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું. ઇઝરાયલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી ટટાર બેસાડી રાખ્યો હતો; અને આશરે સૂર્યાસ્ત થતાં તે મરણ પામ્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan