૨ કાળવૃત્તાંત 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યહોશાફાટ યહૂદિયાની ગાદીએ 1 આસાને સ્થાને તેના પુત્ર યહોશાફાટે રાજ કર્યું, તેણે ઇઝરાયલની સામે પોતાને બળવાન કર્યો. 2 તેણે યહૂદિયાનાં કિલ્લાવાળા સર્વ નગરોમાં પલટણો રાખી, ને યહૂદિયા દેશમાં તથા ઇફ્રાઇમનાં જે નગરો એના પિતા આસાએ જીતી લીધાં હતાં, તેઓમાં થાણાં બેસાડ્યાં. 3 યહોવા યહોશાફાટની સાથે હતા, કેમ કે તે પોતાના પિતામહ દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યા હતા તે માર્ગે ચાલ્યો.તેણે બાલીમની સેવા કરી નહિ; 4 પણ પોતાના પિતૃઓના ઈશ્વરની સેવા કરી, ને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો, ને તેણે ઇઝરાયલનું અનુસરણ કર્યું નહિ. 5 એથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. યહૂદિયાના સર્વ લોકો યહોશાફાટ પાસે ભેટો લાવતા. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું અને લોકો તેને બહું માન આપતા. 6 યહોવાને માર્ગે ચાલવાને તે બહું આતુર હતો. વળી તેણે યહૂદિયામાંથી ઉચ્ચસ્થાનો તથા આશેરીમ [મૂર્તિઓ] કાઢી નાખ્યાં. 7 વળી તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે યહૂદિયાના નગરોમાં [લોકોને] બોધ કરવાને પોતાના મુખ્ય અમલદારોને, એટલે બેન-હાયિલને, ઓબાદ્યાને, ઝખાર્યાને, નથાનએલને તથા મિખાયાને મોકલ્યા. 8 વળી તેણે તેઓની સાથે શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમિરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબિયા તથા ટોબ-અદોનિયા એ લેવીઓને અને તેઓની સાથે અલિશામા તથા યહોરામ યાજકોને મોકલ્યા. 9 તેઓએ યહોવાના નિયમનું પુસ્તક પોતાની પાસે રાખીને યહૂદિયાના સર્વ નગરોમાં ફરીને લોકોને બોધ કર્યો. યહોશાફાટની મહાનતા 10 યહૂદિયાની આસપાસના દેશોનાં સર્વ રાજ્યોને યહોવાનો એટલો બધો ભય લાગ્યો કે તેઓએ યહોશાફાટની સામે યુદ્ધ કરવાની હામ ભીડી નહિ. 11 પલિસ્તીઓમાંના કેટલાક યહોશાફાટની પાસે નજરાણા તરીકે પુષ્કળ રૂપું લાવ્યાં, આરબો પણ તેને માટે સાત હજાર સાતસો ઘેટાં ને સાત હજાર સાતસો બકરા લાવ્યા. 12 યહોશાફાટ અતિશય બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લા તથા ભંડારનાં નગરો બાંધ્યાં. 13 તેણે યહૂદિયાનાં નગરોમાં યુદ્ધની પુષ્કળ સામગ્રી ભેગી કરી રાખી; અને તેની પાસે યરુશાલેમમાં પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ પણ હતા. 14 તેઓના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે તેઓની ગણતરી આ હતી:યહૂદિયામાં મુખ્ય સહસ્રાધિપતિ આદના હતો, તેની પાસે ત્રણ લાખ પરાક્રમી શૂરવીર પુરુષો હતા. 15 તેથી ઊતરતા દરજ્જાનો સરદાર યહોહાનાન હતો, તેની પાસે બે લાખ એંશી હજાર [લડવૈયા] હતા, 16 અને તેનાથી ઊતરતો ઝિખ્રીનો પુત્ર અમાસ્યા હતો, તે રાજીખુશીથી યહોવાની સેવા કરવા માટે તત્પર થયો હતો. તેની પાસે બે લાખ પરાક્રમી શૂરવીરો હતા. 17 બિન્યામીનમાં [મુખ્ય સહસ્રાધિપતિ] પરાક્રમી યોદ્ધો એલ્યાદા હતો. તેની પાસે ધનુષ્ય તથા ઢાલ સજેલા બે લાખ પુરુષો હતા. 18 તેથી ઊતરતો યહોઝાબાદ હતો, તેની પાસે યુદ્ધ કરવાને સજ્જિત થયેલા એક લાખ એંશી હજાર [પુરુષો હતા]. 19 આખા યહૂદિયામાં કિલ્લાવાળાં નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા તેઓ ઉપરાંત તેઓ પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India