૨ કાળવૃત્તાંત 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઇઝરાયલ સાથે અથડામણ ( ૧ રા. ૧૫:૧૭-૨૨ ) 1 આસાની કારકિર્દીના છત્રીસમા વર્ષમાં ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા પર ચઢાઈ કરી, અને યહૂદિયાના રાજા આસાની મદદે બીજાં કોઈને આવતાં અટકાવવા માટે રામા બાંધ્યું. 2 ત્યારે આસાએ યહોવાના મંદિરનાં તથા પોતાના મહેલનાં ભંડારોમાંથી સોનુંરૂપું લઈને દમસ્કસમાં રહેનાર અરામના રાજા બેન-હદાદ પર મોકલીને કહાવ્યું, 3 “જેમ મારા પિતા તથા તમારા પિતાની વચ્ચે સંપ હતો, તેમ મારી તથા તમારી વચ્ચે છે. જો, મેં તમારા માટે સોનુંરૂપું મોકલ્યું છે; માટે ઇઝરાયલના રાજા બાશાની સાથેનો તમારો સંપ તોડો કે, જેથી તે અહીંથી જતો રહે.” 4 બેન-હદાદે આસા રાજાનું [કહેવું] સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયલના નગરો પર ચઢાઈ કરવા મોકલ્યા. તેઓએ ઇયોન, દાન, આબેલ-માઈમ તથા નફતાલીના સર્વ ભંડારોને સર કર્યાં. 5 બાશાએ તે સાંભળ્યું, ત્યારે રામા બાંધવાનું કામ પડતું મૂકીને તે પાછો ગયો. 6 ત્યારે આસા રાજાએ યહૂદિયાના સર્વ લોકોને ભેગા કર્યાં. તેઓ રામાના પથ્થરો તથા જે લાકડાં બાશાએ બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યા હતાં તે લઈ ગયાં. અને તે વડે તેણે ગેબા તથા મિસ્પા બાંધ્યાં. પ્રબોધક હનાનીની ચીમકી 7 તે સમયે હનાની દષ્ટાએ યહૂદિયાના રાજા આસા પાસે આવીને તેને કહ્યું, “અરામના રાજા પર તેં ભરોસો રાખ્યો છે ને તેં પોતાના ઈશ્વર યહોવા પર ભરોસો રાખ્યો નથી, માટે અરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી છટકી ગયું છે. 8 કૂશીઓ તથા લુબીઓનું સૈન્ય શું મહામોટું નહોતું, તથા તેમની સાથે અતિઘણા રથો તથા ઘોડેસવારો નહોતા? તોપણ તેં યહોવા પર ભરોસો રાખ્યો હતો, માટે યહોવાએ તેઓને તારા હાથમાં સોંપ્યાં. 9 કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યાં કરે છે, જેથી જેઓનું અંત:કરણ તેમની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે. આમા તેં મૂર્ખાઈ કરી છે; કેમ કે હવેથી તારે યુદ્ધો કરવાં પડશે.” 10 તે સાંભળીને આસાએ તે દષ્ટા પર ગુસ્સે થઈને તેને જેલમાં પૂર્યો. કેમ કે તેણે જે કહ્યું હતું તેને લીધે આસા તેના પર ક્રોધાયમાન થયો હતો. તે જ સમયે આસાએ કેટલાક લોકો પર કેર વર્તાવ્યો. આસાના રાજ્યકાળનો અંત ( ૧ રા. ૧૫:૨૩-૨૪ ) 11 આસાનાં કૃત્યો, પહેલેથી તે છેલ્લે સુધી, યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે. 12 તેને પોતાની કારકિર્દીના ઓગણચાળીસમા વર્ષમાં પગમાં દરદ થયું; એ દરદ બહૂ ભારે હતું; તોપણ પોતાના દુ:ખમાં તેણે યહોવાની નહિ, પણ વૈદોની સહાય લીધી. 13 તે પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને પોતાની કારકિર્દીના એકતાળીસમા વર્ષમાં મરણ પામ્યો. 14 દાઉદનગરમાં તેણે પોતાને માટે જે કબર ખોદાવી હતી તેમાં લોકોએ તેને દાટ્યો, તેનાં કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલાં વિવિધ પ્રકારનાં સુગંધીદ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો. અને તેઓએ તેને માટે બહૂ મોટું દહન કર્યું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India