૨ કાળવૃત્તાંત 15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)આસાએ કરાવેલી ધર્મસુધારણા 1 પછી ઈશ્વરનો આત્મા ઓદેદના પુત્ર અઝાર્યા પર આવ્યો. 2 તેથી તે આસાને મળવા ગયો, ને તેન કહ્યું, “આસા, અને સર્વ યહૂદા તથા બુન્યામીન, મારું સાંભળો; જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે; જો તમે તેને શોધશો, તો તે તમને મળશે; પણ જો તમે તેમને તજી દેશો તો તે તમને તજી દેશે. 3 હવે લાંબી મુદત સુધી ઇઝરાયલીઓ ખરા ઈશ્વરને ભજતા નહોતા, તેમને બોધ કરનાર યાજક નહોતા, તથા તેમની પાસે નિયમશાસ્ત્ર પણ નહોતું. 4 પણ જ્યારે તેઓએ સંકટને સમયે પસ્તાવો કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાની શોધ કરી ત્યારે તે તેઓને મળ્યાં. 5 તે સમયે કોઈ પણ માણસને શાંતિ નહોતી, પણ દેશના સર્વ રહેવાસીઓ બહુ દુ:ખી હતા. 6 પ્રજાઓ એકબીજાની સાથે અને નગરો પણ એકબીજાની સાથે લડીને પાયમાલ થતાં હતાં, કેમ કે ઈશ્વર તેઓને જાતજાતની વિપત્તિઓરૂપે શિક્ષા કરતાં હતાં. 7 પણ તમે બળવાન થાઓ, ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે.” 8 જ્યારે આસાએ પ્રબોધક ઓદેદના સંદેશાના એ શબ્દો સાંભળ્યાં ત્યારે તેણે હિંમ્મત રાખીને યહૂદિયા તથા બિન્યામીનનાં આખા દેશમાંથી તથા જે નગરો તેણે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં જીતી લીધાં હતાં તેઓમાંથી તેણે ધિક્કારપાત્ર મૂર્તિઓ કાઢી નાખી. તેણે યહોવાના મંદિરના ચોક આગળની યહોવાની વેદી સમરાવી. 9 તેણે આખા યહૂદિયા તથા બિન્યામીનને, તેમ જ તેઓમાં એફ્રાઇમ, મનાશ્શાને શિમયોનમાંથી આવી વસેલાઓને એકત્ર કર્યાં. જ્યારે લોકોએ જોયું કે યહોવા તેમના ઈશ્વર તેની સાથે છે, ત્યારે ઇઝરાયલમાંથી ઘણા લોક તેના પક્ષમાં આવ્યાં. 10 એ પ્રમાણે તેઓ આસાની કારકિર્દીમા પંદરમાં વર્ષના ત્રીજા માસમાં યરુશાલેમમાં ભેગા થયા. 11 તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે યહોવાને સાતસો બળદો તથ સાત હજાર ઘેટાંનું બલિદાન આપ્યું. 12 વળી તેઓએ નવેસરથી કરાર કર્યા, “પોતાના ખરા અંત:કરણથી અને સંપૂર્ણ ભાવથી પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની ભક્તિ કરવી. 13 નાનો હોય કે મોટો, પુરુષ કે સ્ત્રી પણ જે કોઈ ઇઝરાયલના ઈશ્વર યહોવાની ભક્તિ ન કરે તેને મારી નાખવો.” 14 તેઓએ યહોવાની આગળ મોટે સાદે પોકારીને તથા રણશિંગડાં ને તુરાઈઓ વગાડીને સોગન ખાધા. 15 તે સોગનથી યહૂદિયાના સર્વ લોક હરખાયા, કેમ કે તેઓએ પોતાના ખરા અંત:કરણથી સોગન ખાધા હતાં, ને પોતાની સંપૂર્ણ ઇચ્છાથી યહોવાને શોધ્યાં. ને તેઓને મળ્યાં; અને તેમણે તેઓને ચારેતરફ શાંતિ આપી. 16 આસા રાજાએ પોતાની મા માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરાને માટે ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ તે મૂર્તિ કાપી નાખી, અને તેનો ભૂકો કરીને કિદ્રોન નાળા આગળ તેને બાળી નાખી. 17 પણ ઇઝરાયલમાંથી ઉચ્ચસ્થાનો કાઢી નાંખવાં નહિ. તોપણ તેની હયાતી સુધી આસાનું અંત:કરણ [યહોવા પ્રત્યે] સંપૂર્ણ હતું. 18 તે પોતાના પિતાએ અર્પણ કરેલી તથા પોતે અર્પણ કરેલી વસ્તુઓ, એટલે સોનુંરૂપું તથા પાત્રો ઈશ્વરના મંદિરમાં લાવ્યો. 19 આસાની કારકિર્દીના પાંત્રીસમાં વર્ષ સુધી બીજી એકે લડાઈ થઈ નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India