Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઇઝરાયલ અને યહૂદિયા વચ્ચે યુદ્ધ
( ૧ રા. ૧૫:૧-૮ )

1 યરોબામ રાજાને અઢારમે વર્ષે અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્ચો.

2 તેણે ત્રણ વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ મિખાયા હતું. તે ગિબયાના ઉરીએલની પુત્રી હતી. અબિયા તથા યરોબામની વચ્ચે વિગ્રહ ચાલ્યો.

3 અબિયા ચાર લાખ શૂરવીર તથા ચૂંટી કાઢેલા લડવૈયાઓનું સૈન્ય ભેગું કરીને યુદ્ધ શરૂ કર્યું. યરોબામે તેની સામે આઠ લાખ ચૂંટી કાઢેલા તથા શૂરવીર લડવૈયાઓ લઈને વ્યૂહ રચ્યો.

4 અબિયાએ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલા અમારાઈમ પર્વત પર ઊભા રહીને કહ્યું, “હે યરોબામ તથા સર્વ ઇઝરાયલ, મારું સાંભળો.

5 ઇઝરાયલના ઈશ્વર યહોવાએ દાઉદને, એટલે તેને તથા તેના પુત્રોને, ઈઝરાયલનું રાજ્ય લૂણના કરારથી સદાને માટે આપ્યું છે એ શું તમે નથી જાણતા?

6 તેમ છતાં દાઉદના પુત્ર સુલેમનના સેવક નબાટના પુત્ર યરોબામે ઊઠીને પોતાના ધણીની સામે બંડ કર્યું છે.

7 અને હલકા તથા અધમ માણસો તેની પાસે એકત્ર થયા છે, રહાબામ જુવાન ને બિનઅનુભવી હોવાથી તેમની સામે થવાને અશક્ત હતો, ત્યારે તેની સામે તેઓ લડવાને તૈયાર થયા.

8 અને હવે તમે દાઉદના પુત્રોના હાથમાં યહોવાનું રાજ્ય છે, તેની સામે થવાનો ઈરાદો રાખો છો. તમારું સૈન્ય બહું મોટું છે, ને યરોબામે જે સોનાના વાછરડા તમારે માટે દેવ તરીકે બનાવ્યા છે તે પણ તમારી પાસે છે.

9 શું તમે યહોવાના યાજકોને, એટલે હારુનપુત્રોને તથા લેવીઓને કાઢી મૂકીને અન્ય પ્રજાઓના રિવાજ પ્રમાણે પોતાને માટે યાજકો ઠરાવ્યા નથી? હરકોઈ માણસ એક જુવાન ગોધો તથા સાત ઘેટાં લઈને પોતાને પવિત્ર કરવા માટે આવે; તે પોતે, તમારા દેવો જેઓ દેવ નથી, તેમનો યાજક થાય.

10 પણ અમારા ઈશ્વર તો યહોવા છે, અમે તેમને તજી દીધા નથી. યહોવાની સેવા કરનાર અમારા યાજકો તો હારુનપુત્રો છે, તથા લેવીઓ પણ પોતપોતાના કામ પર છે.

11 તેઓ દર સવારે તથા સાંજે યહોવાની આગળ દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. અર્પિત રોટલી પણ પવિત્ર મેજ પર [તેઓ ગોઠવે છે] , અને દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષના દીવા પણ સળગાવે છે. અમે તો અમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ; પણ તમે તેને તજી દીધા છે.

12 જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે, અને તેમનાં યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ ચેતવણીનો નાદ કરવા માટે [અમારી સાથે] છે. હે ઇઝરાયલી લોકો, તમારા પિતૃઓના ઈશ્વર યહોવાની સામે ન લડો. તેમાં તમે ફતેહ પામશો નહિ.”

13 પણ યરોબામે તેઓની પાછળ છૂપું સૈન્ય રાખ્યું હતું. તેઓ યહૂદાની આગળ હતા, ને છૂપું સૈન્ય તેઓની પાછળ હતું.

14 યહૂદાએ પાછળ જોયું, તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી. ત્યારે તેઓએ યહોવાને આજીજી કરી, ને યાજકોએ રણશિંગડાં વગાડ્યાં.

15 તે વખતે યહૂદાના માણસોએ જયજયનો પોકાર કર્યો; ત્યારે ઈશ્વરે અબિયા તથા યહૂદાને સાથે યરોબામને તથા સર્વ ઇઝરાયલને હરાવ્યા.

16 એટલે યહૂદાની આગળથી ઇઝરાયલીઓ નાઠા; અને ઈશ્વરે તેઓને યહૂદાના સૈન્યનાં હાથમાં સોંપી દીધા.

17 અબિયાએ તથા તેના સૈન્યે તેઓની કતલ કરીને મોટો સંહાર કર્યો. તે વખતે ઇઝરાયલીમાંના પાંચ લાખ ચૂંટી કાઢેલા પુરુષો માર્યા ગયા.

18 એ પ્રમાણે તે સમયે ઇઝરાયલીઓ હારી ગયા, ને યહૂદાનું સૈન્ય જય પામ્યું, કેમ કે તેઓએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવા પર ભરોસો રાખ્યો હતો.

19 અબિયાએ યરોબામની પાછળ પડીને બેથેલ, યશાના ને એફ્રોન તેમના કસબાઓ સાથે તેની પાસેથી જીતી લીધાં.

20 અબુયાની કારકિર્દીમાં યરોબામ ફરીથી બળવાન થઈ શક્યો નહિ. યહોવાએ તેને શિક્ષા કરી, એટલે તે મરણ પામ્યો.

21 પણ અબિયા પ્રબળ થતો ગયો. ને ચૌદ સ્ત્રીઓ પરણ્યો, તેને બાવીસ દીકરા તથા સોળ દીકરીઓ થયાં.

22 અબિયાનાં બાકીનાં કૃત્યો, તેનાં આચરણ તથા તેનાં વચનો ઈદ્દો પ્રબોધકનાં ટીકાગ્રંથમાં લખેલાં છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan