૨ કાળવૃત્તાંત 12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મિસરના લશ્કરનું આક્રમણ ( ૧ રા. ૧૪:૨૫-૨૮ ) 1 જ્યારે રહાબામનું રાજ્ય સ્થિર થયું તથા પોતે બળવાન થયો, ત્યારે તેણે તથા તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ યહોવાના નિયમનો ત્યાગ કર્યો. 2 તેઓએ યહોવા [ની આજ્ઞાઓ] નું ઉલ્લંઘન કર્યું માટે રહાબામ રાજાને પાંચમે વર્ષે મિસરનો રાજા શિશાક યરુશાલેમ ઉપર બારસો રથો તથા સાઠ હજાર સવારો લઈને ચઢી આવ્યો. 3 મિસરમાંથી તેની સાથે અસંખ્ય લુબીઓ, સુક્કીઓ તથા કૂશીઓ આવ્યા હતા. 4 યહૂદિયાના તાબાનાં કિલ્લાવાળાં નગરો સર કરતો કરતો તે યરુશાલેમ સુધી આવી પહોંચ્યો. 5 રહાબામ તથા યહૂદિયાના સરદારો, જેઓ શિશાકને લીધે યરુશાલેમમાં એકત્ર થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, “:તમે મને તજી દીધો છે, માટે મેં પણ તમને શિશાકના હાથમાં સોંપી દીધા છે, ” એમ યહોવા કહે છે. 6 ત્યારે ઇઝરાયલના સરદારોએ તથા રાજાએ દીન બનીને કહ્યું, “યહોવા ન્યાયી છે.” 7 યહોવાએ જોયું કે તેઓ દીન બની ગયા છે, ત્યારે યહોવાની વાણી શમાયાની પાસે એવી આવી, “તેઓ દીન બની ગયા છે. માટે હું તેઓનો નાશ કરીશ નહિ; પણ હું તેઓનો થોડી મુદતમાં બચાવ કરીશ, ને શિશાકની હસ્તક યરુશાલેમ પર મારો કોપ થશે નહિ. 8 તોપણ મારી સેવામાં તથા પરદેશી રાજાઓની સેવામાં કેટલો ફેર છે તેનો તેઓને અનુભવ થાય, માટે તેઓ તેના તાબેદાર તો થશે.” 9 આ પ્રમાણે મિસરનો રાજા શિશાક યરુશાલેમ પર ચઢી આવ્યો, ને યહોવાના મંદિરનાં ભંડારો તથા રાજાના મહેલના ભંડારો હરી ગયો. ને તમામ હરી ગયો: સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી તે પણ તે લઈ ગયો. 10 રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારપાળોના અમલદારોનાં હાથમાં સોંપી. 11 જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે સિપાઈઓ તે ઢાલો ધારણ કરતાં, ને પછી ચોકીદારોની ઓરડીમાં તેમને પાછી લાવતા. 12 જ્યારે તે દીન બની ગયો, ત્યારે યહોવાનો કોપ તેના પરથી ઊતર્યો; કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા. વળી યહોવાને યહૂદિયામાં પણ [કંઈક] સારી વર્તણૂક માલૂમ પડી. રહાબામના રાજ્યકાળનું ટૂંક વર્ણન 13 રહાબામ રાજાએ યરુશાલેમમાં બળવાન થઈને રાજ કર્યું. તે રાજા થયો ત્યારે તે એકતાળીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમ નગર કે, જેને યહોવાએ પોતાનું નામ રાખવા માટે ઇઝરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું હતું, ત્યાં સત્તર વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ નામાહ હતું, તે આમ્મોનેણ હતી. 14 તેણે દુષ્ટતા કરી, કેમ કે યહોવાની ભક્તિ કરવામાં તેણે મન લગાડ્યું નહિ. 15 રહાબામનાં કૃત્યો, પહેલેથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદો દષ્ટાની તવારીખમાં વંશાવળીના અનુક્રમે લખેલાં છે. રહાબામ તથા યરોબામની વચ્ચે સતત વિગ્રહ ચાલતો હતો. 16 રહાબામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં દાટવામાં આવ્યો. અને તેની જગાએ તેનો પુત્ર અબિયા રાજા થયો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India