Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 તિમોથી 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જેટલા દાસ ઝૂંસરી નીચે છે તેટલાએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, જેથી ઈશ્વરના નામની તથા ઉપદેશની નિંદા ન થાય.

2 જેઓના માલિકો વિશ્વાસી છે, એ માલિકો ભાઈઓ છે, તે કારણથી તેઓએ તેમને તુચ્છ ન ગણવા; પણ તેમની ચાકરી વિશેષ [ખંતથી] કરવી, કેમ કે જેઓને [સેવાનો] લાભ મળે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય [ભાઈઓ] છે. એ વાતો [તેઓને] શીખવ તથા સમજાવ.


જૂઠું શિક્ષણ અને સાચું ધન

3 જે કોઈ જુદો ઉપદેશ કરે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનોને તથા ભક્તિભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરતો નથી,

4 તે અભિમાની તથા અજ્ઞાન છે, અને વાદવિવાદ તથા શબ્દવાદમાં મઝા માને છે. તેઓથી અદેખાઈ, વઢવાડ, નિંદા તથા ખોટા વહેમ [ઉત્પન્‍ન થાય છે] ,

5 તેમ જ ભ્રષ્ટ બુદ્ધિના, સત્ય જ્ઞાનરહિત અને ભક્તિભાવ કમાઈનું સાધન છે એમ માનનારાઓમાં [નિત્ય] કજિયા થાય છે.

6 પણ સંતો સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે.

7 કેમ કે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી.

8 પણ આપણને જે અન્‍નવસ્‍ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.

9 પણ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે કે, જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.

10 કેમ કે દ્રવ્યનો લાભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુ:ખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.


અંગત સૂચનાઓ

11 પણ, હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.

12 વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર. એને માટે તને તેડવામાં આવ્યો છે, અને એને વિષે તેં ઘણા સાક્ષીઓની સમક્ષ સારી કબૂલાત કરી છે.

13 જે ઈશ્વર સર્વને સજીવન કરે છે તેમની આગળ તથા ઈસુ ખ્રિસ્ત, જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે,

14 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થતાં સુધી તું નિષ્કલંક તથા દોષરહિત રહીને આ આજ્ઞા પાળ.

15 જે ધન્ય તથા એકલા સ્વામી છે, તે રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે, તે નિર્મિત સમયે એ [પ્રગટ થવું] બતાવશે.

16 તેમને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં જે રહે છે, જેમને કોઈ માણસે જોયા નથી, ને જોઈ શકતા પણ નથી તેમને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય હો. આમીન.

17 આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.

18 તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે, અને ઉદાર તથા પરોપકારી થાય.

19 ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે [જીવન] તેઓ ધારણ કરે.

20 હે તિમોથી, જે [સત્ય] તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે.

21 એને કેટલાક [સત્ય] માનીને વિશ્વાસ સંબંધી ભ્રાંતિમાં પડયા છે. તારા પર કૃપા થાઓ. ?? ?? ?? ?? 1

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan