Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 તિમોથી 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


વિશ્વાસીઓ પ્રત્યેની જવાબદારી

1 વૃદ્ધને ઠપકો ન આપ, પણ જેમ પિતાને તેમ તેને સમજાવ. જેમ ભાઈઓને તેમ જુવાનોને;

2 જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્‍ત્રીઓને; જેમ બહેનોને તેમ જુવાન સ્‍ત્રીઓને પૂર્ણ પવિત્રતાથી સમજાવ.

3 જે વિધવાઓ નિરાધાર છે તેઓને મદદ કર.

4 પણ જો કોઈ વિધવાને છોકરાં કે છોકરાંના છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતાં તથા પોતાનાં માતપિતાના આભારનો બદલો વાળતાં શીખે; કેમ કે એ ઈશ્વરને પ્રિય છે.

5 જે વિધવા ખરેખર નિરાધાર છે, તે ઈશ્વર પર આસ્થા રાખે છે, અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.

6 પણ જે [વિધવા] વિલાસમાં નિમગ્ન રહે છે તે તો જીવતી જ મૂએલી છે.

7 આ વાતો આગ્રહપૂર્વક કહે કે, જેથી તેઓ નિર્દોષ રહે.

8 પણ જે માણસ પોતાની ને વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું. તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.

9 સાઠ વરસની ઉપરની, પુનર્લગ્ન કર્યું નહિ હોય એવી,

10 સત્કર્મ માટે ખ્યાતિ પામેલી, પોતાનાં છોકરાંનું પ્રતિપાલન કર્યું હોય, પરોણાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય, દુ:ખીઓને સહાય કરી હોય, અને દરેક સત્કર્મમાં ખંતીલી હોય એવી વિધવાનું નામ ટીપમાં દાખલ કરવું.

11 પણ જુવાન વિધવાઓનાં નામ ટીપમાં દાખલ કરવાં નહિ, કેમ કે તેઓમાં વિષયવાસના ઉત્પન્‍ન થયાથી તેઓ ખ્રિસ્તથી અલગ થઈને પરણવા ચાહે છે.

12 અને એમ તેઓએ પ્રથમ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કર્યાને લીધે તેઓ દંડપાત્ર ઠરે છે.

13 વળી તે ઉપરાંત ઘેરઘેર ભટકીને તેઓ આળસુ થતાં શીખે છે. અને માત્ર આળસુ જ નહિ, પણ જે બોલવું ઘટારત નથી તે બોલે છે, અને કૂથલી કરે છે, અને બીજાઓના કામમાં માથાં મારે છે.

14 માટે જુવાન [વિધવાઓ] પરણે, બાળકોને જન્મ આપે, ઘર ચલાવે, અને વિરોધીઓને નિંદા કરવાનું નિમિત્ત ન આપે, એવી મારી ઇચ્છા છે.

15 કેમ કે અત્યાર સુધીમાં કેટલીક શેતાનના ભમાવ્યાથી વંઠી ગઈ છે.

16 જો કોઈ વિશ્વાસી બાઈ ઉપર વિધવઓનો આધાર હોય, તો તેણે તેઓનો નિભાવ કરવો, અને મંડળી ઉપર તેમનો ભાર ન નાખવો. જેથી [મંડળી] જે વિધવાઓ નિરાધાર હોય તેઓનો નિભાવ કરે.

17 જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે, અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને બમણા માનપાત્ર ગણવા.

18 કેમ કે શાસ્‍ત્ર કહે છે, “પગરે ફરનાર બળદને મોઢે શીંકી ન બાંધ” અને “મજૂરને પોતાની મજૂરી મળવી જોઈએ.”

19 બે કે ત્રણ સાક્ષી વગર વડીલ ઉપરનું તહોમત ન સંભાળ.

20 પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ, જેથી બીજાઓને પણ ડર રહે.

21 ઈશ્વર તથા ખ્રિસ્ત ઈસુ તથા પસંદ કરેલા દૂતોની સમક્ષ હું તને આજ્ઞા કરું છું. કે, મારુંતારું ન કરતાં નિષ્પક્ષપાતપણે આ આજ્ઞાઓનો અમલ કરજે.

22 કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર, બીજાઓનાં પાપમાં ભાગિયો ન થા. તું જાતે શુદ્ધ રહેજે.

23 હવેથી [એકલું] પાણી ન પીતો, પણ તારા કોઠાને લીધે તથા તારા વારંવારના મંદવાડને લીધે થોડો દ્રાક્ષારસ પણ પીજે.

24 કેટલાક માણસોનાં પાપ પ્રત્યક્ષ હોવાથી તેઓનો ન્યાય આગળથી થાય છે. અને કેટલાકનાં [પાપ] પાછળથી પ્રગટ થાય છે.

25 તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. અને જેઓ [પ્રત્યક્ષ] નથી તેઓ [હંમેશાં] ગુપ્ત રહી શકતાં નથી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan