Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 તિમોથી 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


જૂઠા શિક્ષકો

1 પણ [પવિત્ર] આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયમાં કેટલાક માણસો ભુલાવનાર આત્માઓ પર તથા અશુદ્ધ આત્માઓના ઉપદેશ પર ધ્યાન આપીને,

2 જૂઠું બોલનારા તથા જેઓનાં અંત:કરણ ડમાયેલાં છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે.

3 તેઓ પરણવાની મના કરશે, અને વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાઓને માટે જે ખોરાક આભારસ્તુતિ કરીને આહાર કરવા માટે ઈશ્વરે ઉત્પન્‍ન કર્યો, તેથી દૂર રહેવાનું કહેશે.

4 કેમ કે જો આભારસ્તુતિની સાથે તેનો ઉપયોગ થાય તો ઈશ્વરનું સર્વ ઉત્પન્‍ન કરેલું સારું છે, કંઈ નાખી દેવાનું નથી.

5 કેમ કે ઈશ્વરના વચનથી તથા પ્રાર્થનાથી તેને પાવન કરવામાં આવે છે.


ઈસુ ખ્રિસ્તનો ઉત્તમ સેવક

6 આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે, તેઓથી તારું પોષણ થશે.

7 પણ અધર્મી અને કપોળકલ્પિત કહાણીઓથી અલગ રહે, અને ઈશ્વરપરાયણતાની કસરત કર.

8 કેમ કે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે; પણ ઈશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે, કેમ કે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાયેલું છે.

9 આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ રીતે સ્વીકાર કરવા યોગ્ય છે.

10 એ હેતુથી આપણે એને માટે મહેનત તથા શ્રમ કરીએ છીએ, કેમ કે સર્વ માણસોને અને વિશેષે કરીને વિશ્વાસીઓને તારનાર જીવતા ઈશ્વર ઉપર આપણે આશા રાખેલી છે.

11 આ વાતો ફરમાવજે તથા શીખવજે.

12 તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.

13 હું આવું ત્યાં સુધી શાસ્‍ત્રવાચન પર, બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ રાખજે.

14 જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધદ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું હતું, તે વિષે તારે બેદરકાર રહેવું નહિ.

15 એ વાતોની ખંત રાખજે. તેઓમાં તલ્‍લીન રહેજે કે, તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે.

16 તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતને તેમ જ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan