Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 તિમોથી 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મંડળીમાં આગેવાનો

1 આ વિધાન ખરું છે, “જો કોઈ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉમદા કામની ઇચ્છા રાખે છે.”

2 અધ્યક્ષ તો નિર્દોષ, એક સ્‍ત્રીનો વર, પરહેજગાર, શુદ્ધ હ્રદયનો, સુવ્યવસ્થિત, આતિથ્ય કરનાર, શીખવી શકે એવો,

3 મદ્યપાન કરનાર નહિ, મારનાર નહિ, પણ સહનશીલ; કજિયા કરનાર નહિ, દ્રવ્યલોભી નહિ,

4 પોતાના ઘરનાંને સારી રીતે ચલાવનાર, પોતાનાં છોકરાંને પૂર્ણ ગાંભીર્યથી આધીન રાખનાર, એવો હોવો જોઈએ.

5 (કેમ કે જો કોઈ માણસ પોતાના ઘરનાંને બરાબર રીતે ચલાવી જાણતો નથી, તો તે ઈશ્વરની મંડળીની સંભાળ કેવી રીતે રાખશે?)

6 નવો શિખાઉ નહિ જોઈએ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે.

7 વળી તે નિંદાપાત્ર ન થાય, તથા શેતાનના ફાંદામાં ન ફસાય, માટે બહારના માણસોમાં એની શાખ સારી હોવાની જરૂર છે.


મંડળીમાં સેવકો

8 એ જ પ્રમાણે સેવકો પણ ગંભીર, એકવચની, પીનાર નહિ, નીચ લાભના લોભી નહિ.

9 વિશ્વાસી [ધર્મનો] મર્મ શુદ્ધ અંત:કરણથી માનનાર હોવા જોઈએ.

10 તેઓની પ્રથમ પારખ થવી જોઈએ. પછી જો નિર્દોષ માલૂમ પડે તો તેઓ સેવકનું કામ કરે.

11 એ પ્રમાણે સેવિકાઓ ગંભીર, નિંદાખોર નહિ, પરહેજગાર અને સર્વ વાતે વિશ્વાસુ હોવી જોઈએ.

12 વળી સેવક એક જ સ્‍ત્રીનો પતિ, પોતાનાં છોકરાંને તથા ઘરનાંને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ.

13 કેમ કે જેઓએ સેવકનું કામ સારી રીતે કર્યું હોય, તેઓ સારી પદવી [સંપાદન કરે છે] ; તથા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં ઘણા હિંમતવાન થાય છે.


મહાન રહસ્ય

14 જો કે હું તારી પાસે વહેલો આવવાની આશા રાખું છું, તોપણ હું તને આ વાતો લખું છું.

15 કે જેથી જો મને આવતાં વાર લાગે, તો માણસોએ ઈશ્વરના ઘરમાં [આવતાં] કેવી રીતે વર્તવું, એ તારા જાણવામાં આવે, એ ઘર તો જીવતા ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે.

16 બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan