1 થેસ્સલોનિકીઓ 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રભુના આગમન માટે તૈયાર રહો 1 પણ, ભાઈઓ, સમયો તથા પ્રસંગો વિષે તમને લખવાની કંઈ પણ અગત્ય નથી. 2 કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે. 3 કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે. 4 પણ, ભાઈઓ, તમે અંધારામાં નથી કે, તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડે. 5 તમે સર્વ અજવાળાના દીકરા તથા દિવસના દીકરા છો. આપણે રાતના તથા અંધકારના નથી. 6 એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગીએ અને સાવધ રહીએ. 7 કેમ કે ઊંઘનારાઓ રાતે ઊંઘે છે, ને દારૂડિયા રાતે છાકટા થાય છે. 8 પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. 9 કેમ કે ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે નિર્માણ કર્યા છે. 10 આપણે જાગીએ કે ઊંઘીએ તો તેમની સાથે જીવીએ, એ માટે તે આપણે માટે મરણ પામ્યા. 11 તેથી તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ સુબોધ કરો, અને એકબીજાને દઢ કરો. આખરી શિખામણો અને સલામી 12 પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો. 13 અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિઘણું માન આપો. તમે એકબીજા સાથે શાંતિમાં રહો. 14 વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, બધાંની સાથે સહનશીલ થાઓ. 15 સાવધ રહો કે, કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે. પણ સદા એકબીજાનું તથા સર્વનું કલ્યાણ કરવાને યત્ન કરો. 16 સદા આનંદ કરો. 17 નિત્ય પ્રાર્થના કરો. 18 દરેક સંજોગમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે. 19 આત્માને ન હોલવો; 20 પ્રબોધને તુચ્છ ન ગણો; 21 બધાંની પારખ કરો; જે સારું છે તે ગ્રહણ કરો; 22 દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. 23 હવે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતાં સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ [તથા] નિર્દોષ રાખવામાં આવો. 24 જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે એમ કરશે. 25 ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો. 26 પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને ક્ષેમકુશળ કહેજો. 27 હું તમને પ્રભુના સમ દઈને કહું છું કે, આ પત્ર સર્વ ભાઈઓને વાંચી સંભળાવજો. 28 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર થાઓ. ?? ?? ?? ?? 1 |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India