1 થેસ્સલોનિકીઓ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 માટે જ્યારે અમારાથી વધારે સહન થઈ શક્યું નહિ ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમને યોગ્ય લાગ્યું. 2 અને અમે અમારા ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં ઈશ્વરના સેવક તિમોથીને તમને દઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો, 3 જેથી આ વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય; કારણ કે તમે પોતે જાણો છો કે એને માટે આપણે નિર્માણ થયા છીએ. 4 કેમ કે જ્યારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે, આપણા પર વિપત્તિ આવી પડનાર છે; અને તે પ્રમાણે થયું, તે તમે જાણો છો. 5 એ કારણથી જ્યારે હું વધારે વાર ધીરજ રાખી શક્યો નહિ, ત્યારે મેં તમારા વિશ્વાસ વિષે જાણવા માટે [તિમોથીને] મોકલ્યો, રખેને કદાચ પરીક્ષણ કરનાર [શેતાને] કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય, અને અમારી મહેનત નિષ્ફળ ગઈ હોય. 6 પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો, અને તમારા વિશ્વાસ તથા પ્રેમના ખુશકારક સમાચાર અમને જણાવ્યા, ને [કહ્યું] કે જેમ અમે તમને [જોવાની અભિલાષા રાખીએ છીએ] તેમ તમે પણ અમને જોવાને ઘણા આતુર છો, ને સદા અમારું પ્રેમપૂર્વક સ્મરણ કરો છો. 7 એ માટે, ભાઈઓ, અમારાં સર્વ સંકટ તથા વિપત્તિમાં તમારા વિશ્વાસથી તમારા વિષે અમને દિલાસો મળ્યો, 8 કેમ કે હવે જો તમે પ્રભુમાં દઠ રહો, તો અમે જીવતા રહીએ. 9 કેમ કે જે પૂર્ણ આનંદથી અમે અમારા ઈશ્વરની આગળ તમારે લીધે આનંદ કરીએ છીએ, તેને માટે અમે તમારા વિષે ઈશ્વરની કેટલી બધી આભારસ્તુતિ કરી શકીએ! 10 અમે રાત દિવસ અતિશય પ્રાર્થના કરીએ છીએ કે, અમે તમને મોઢામોઢ જોઈએ, અને તમારા વિશ્વાસમાં જે કંઈ ન્યૂનતા હોય તે સંપૂર્ણ કરીએ. 11 હવે ઈશ્વર આપણા પિતા પોતે તથા આપણા પ્રભુ ઈસુ તમારી પાસે આવવાનો અમારો રસ્તો પાધરો કરો. 12 અને જેમ અમારો પ્રેમ તમારા પર [પુષ્કળ છે] , તેમ પ્રભુ એકબીજા પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પુષ્કળ વધારો કરો. 13 એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતના સર્વ સંતોની સાથે આવશે, ત્યારે ઈશ્વર આપણા પિતાની હજૂરમાં, તે તમારાં હ્રદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દઢ કરે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India