Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 થેસ્સલોનિકીઓ 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


થેસ્સાલોનિકામાંની પાઉલની કામગીરીનાં સંસ્મરણો

1 કેમ કે, હે ભાઈઓ, તમારામાં અમારો પ્રવેશ નિષ્ફળ ગયો નથી તે તમે જાણો છો.

2 વળી તમે જાણો છો કે, અમે પહેલાં ફિલિપીમાં દુ:ખ તથા અપમાન સહન કર્યાં, તોપણ ઘણા કષ્ટથી તમારી આગળ ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવાને આપણા ઈશ્વરથી હિંમતવાન થયા.

3 કેમ કે અમારા બોધમાં છળ કે અશુદ્ધતા કે કપટ નહોતું,

4 પણ જેમ ઈશ્વરે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યાં, તેમ અમે માણસોને પ્રસન્‍ન કરનારાની જેમ નહિ, પણ અમારાં હ્રદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્‍ન કરવાને બોલીએ છીએ.

5 કેમ કે તમે જાણો છો કે, અમે કદી ખુશામતનાં વચનો બોલ્યા નહોતા, તેમ જ ઢોંગ કરીને દ્રવ્યનો લોભ કર્યો નહોતો [તે વિષે] ઈશ્વર સાક્ષી છે.

6 અમે ખ્રિસ્તના પ્રેરિત તરીકે અધિકારી હતા, તોપણ માણસોથી, તમારાથી કે કોઈ બીજાથી, અમે માન માગતા નહોતા.

7 પણ જેમ મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે સાલસપણાથી વર્ત્યા.

8 વળી અમે તમારા પર બહુ મમતા રાખીને, તમને માત્ર ઈશ્વરની સુવાર્તા [પ્રગટ કરવાને જ] નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા, કારણ કે તમે અમને બહુ પ્રિય થઈ પડયા હતા.

9 ભાઈઓ, તમે અમારો શ્રમ તથા કષ્ટ સંભારો છો, કેમ કે તમારામાંના કોઈને ભારરૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.

10 તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, નીતિથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા, તે વિષે તમે સાક્ષી છો, અને ઈશ્વર પણ [સાક્ષી] છે.

11 તેમ જ તમે જાણો છો કે જેમ પિતા પોતાનાં છોકરાંને, તેમ અમે તમારામાંના દરેકને બોધ, ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા,

12 એ માટે કે ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેમને યોગ્ય તમે ચાલો.

13 તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન, એટલે ઈશ્વરનું વચન, સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહિ, પણ જેમ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું. એ કારણ માટે અમે ઈશ્વરની આભારસ્તુતિ નિરંતર કરીએ છીએ; તે જ [વચન] તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે.

14 કેમ કે, ભાઈઓ, ખ્રિસ્ત ઈસુ [પર વિશ્વાસ રાખનારી] ઈશ્વરની જે મંડળીઓ યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનારા તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુ:ખ સહન કર્યાં તેમ તમે પણ તમારા દેશના લોકો તરફથી તેવાં જ દુ:ખો સહન કર્યાં છે.

15 [યહૂદીઓએ] પ્રભુ ઈસુને તથા [પોતાના] પ્રબોધકોને પણ મારી નાખ્યા, અને અમને કાઢી મૂક્યા! તેઓ ઈશ્વરને પ્રસન્‍ન કરતા નથી, અને બધા માણસોના વિરોધી છે.

16 વિદેશીઓને તારણ ન મળે માટે વાત કહેવાને તેઓ અમને મના કરે છે. તેથી તેઓ નિત્ય પોતાનાં પાપનો ઘડો ભરે છે. પણ તેઓ પર અત્યંત કોપ આવી ચૂક્યો છે.


આ મંડળીની ફરીથી મુલાકાત લેવાની પાઉલની ઇચ્છા

17 પણ, ભાઈઓ, અમે મનથી નહિ, પણ દેહથી જ થોડી મુદત સુધી તમારાથી વિયોગી થયાને લીધે, ઘણી આતુરતાથી તમારા મુખનાં દર્શન કરવાને ઘણા પ્રયત્નો કર્યા;

18 કેમ કે, અમે, અને ખાસ મેં પાઉલે એક વાર નહિ, પણ અનેક વાર તમારી પાસે આવવાની ઇચ્છા કરી. પણ શેતાને અમને અટકાવ્યા.

19 કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુગટ શું છે? શું અપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેમની સમક્ષ તમે જ એ [મુગટ] નથી?

20 હા, તમે અમારો મહિમા તથા આનંદ છો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan