૧ શમુએલ 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)લોકોની રાજા માટે માગણી 1 શમુએલ વૃદ્ધ થયો ત્યારે એમ બન્યું કે તેણે પોતના દીકરાઓને ઇઝરાયલ પર ન્યાયાધીશ ઠરાવ્યા. 2 હવે તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું; અને બીજાનું નામ અબિયા હતું; તેઓ બેર-શેબામાં ન્યાયાધીશ હતા. 3 અને તેના દીકરા તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા, ને તેઓએ લાંચ લઈને ન્યાયાને ઊંધો વાળ્યો. 4 આથી ઇઝરાયલના સર્વ વડીલો એક્ત્ર થઈને રામામાં શમુએલની પાસે આવ્યા. 5 તેઓએ તેને કહ્યું, “જુઓ, તમે વૃદ્ધ થયા છો, ને તમારા દીકરા તમારા માર્ગોમાં ચાલતા નથી; માટે બીજી સર્વ પ્રજાઓની જેમ અમારો ન્યાય કરવા મઅટે અમને રાજા ઠરાવી આપો.” 6 પણ ‘અમારો ન્યાય કરવા માટે અમને રાજા આપો.’ એમ તેઓએ કહ્યું ત્યારે તે વાતથી શમુએલને માઠું લાગ્યું. પછી શમુએલે યહોવાની પ્રાર્થના કરી. 7 અને યહોવાએ શમુએલને કહ્યું, “લોકો જે કહે છે તે સર્વમાં તું તેમનું કહેવું સાંભળ; કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરું માટે મને નકાર્યો છે. 8 હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો, તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, એટલે મને તજીને તેઓએ અન્ય દેવોની ઉપાસના કરી છે, તે જ પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે. 9 તો હવે તેઓનું કહેવું સાંભળ. તથાપિ ગંભીર રીતે તેમની આગળ વાંધો કાઢજે, અને તેઓ પર કેવા પ્રકારનો રાજા ચલાવશે તે તેમને કહી બતાવજે.” 10 પછી શમુએલે, જે લોકો રાજા માગતા હતા તેઓને યહોવાનાં સર્વ વચનો કહી સંભળાવ્યાં. 11 વળી તેણે કહ્યું, “જે રાજા તમારા ઉપર રાજ કરશે તે આવો થશે:તે તમારા પુત્રોને પકડીને તેઓને પોતાના રથોને માટે ને પોતાના સવારો તરીકે રાખશે; અને તેઓ તેના રથની આગળ દોડશે. 12 તે પોતાને માટે તેઓને હજારહજાર ઉપર સરદારો ને પચાસ પચાસ ઉપર સરદારો બનાવશે; તે કેટલાકને પોતાનાં ખેતરો ખેડવા, કાપણી કરવા, તથા યુદ્ધનાં શસ્ત્રોને પોતાના રથોનો સામાન બનાવવા કામે લગાડશે. 13 તે તમારી દીકરીઓને પકડીને તેમને કંદોયણો, રસોયણો ને ભઠિયારણો બનાવશે. 14 વળી તે તમારાં ખેતરો, તમારી દ્રાક્ષાવાડીઓ ને તમારી જૈતવાડીઓમાંથી જે જે ઉત્તમ હશે તે લઈને પોતાના ચાકરોને આપશે. 15 વળી તે તમારા અનાજનો ને તમારી દ્રાક્ષાવાડીઓનો દશમો ભાગ લઈને પોતાના કારભારીઓને તથા પોતાના ચાકરોને આપશે. 16 તે તમારા દાસોને, તમારી દાસીઓને, ને તમારા ઉત્તમ જુવાનોને, તથા તમારાં ગધેડાંને પકડીને પોતાને કામે લગાડશે. 17 તે તમારાં ઘેટાંનો દશાંશ લેશે, અને તમે તેના દાસ થશો. 18 અને તમારા પસંદ કરેલા રાજાને કારણે તે દિવસે તમે પોકાર કરશો; પણ યહોવા તે દિવસે તમને ઉત્તર આપશે નહિ.” 19 એમ છતાં લોકોએ શમુએલની વાણી સાંભળવાની ના પાડી. તેઓએ કહ્યું, “ના, ના; અમારે તો અમારા પર રાજા જોઇએ જ; 20 જેથી અમે પણ બીજી સર્વ પ્રજાઓના જેવા થઈએ. એટલે અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે, ને અમારી લડાઈઓ લડે.” 21 અને શમુએલે લોકોના સર્વ શબ્દો સાંભળ્યા, ને તેણે તે યહોવાના કાનમાં કહી સંભળાવ્યા. 22 ત્યારે યહોવાએ શમુએલને કહ્યું, “તેઓની વાણી સાંભળ, ને તેઓને માટે રાજા ઠરાવી આપ.” પછી શમુએલે ઇઝરાયલી માણસોને કહ્યું, “તમે પ્રત્યેક પોતપોતાના નગરમાં જાઓ.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India