Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


શાઉલ અને તેના દીકરાઓનું મૃત્યુ
( ૧ કાળ. ૧૦:૧-૧૨ )

1 હવે પલિસ્તીઓએ ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. ઇઝરાયલના માણસો પલિસ્તીઓની આગળ નાઠા, ને ગિલ્બોઆ પર્વત પર કતલ થઈ પડ્યા.

2 પલિસ્તીઓએ શાઉલ તથા તેના દિકરાઓનો લગોલગ પીછો પકડ્યો; અને પલિસ્તીઓએ શાઉલના દિકરા યોનાથાન, અબિનાદાબ તથા માલ્કીશૂઆને મારી નાખ્યા.

3 અને શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું, ને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો. અને ધનુર્ધારીને લીધે તે ઘણી સંકડામણમાં આવી પડ્યો.

4 ત્યારે શાઉલે પોતાના શસ્‍ત્રવાહકને કહ્યું, “તારી તરવાર તાણીને મને વીંધી નાખ, રખેને આ બેસુન્‍નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરે.” પણ તેના શસ્‍ત્રવાહકે એમ કરવાની ના પાડી. કેમ કે તે ઘણો બીધો, ત્યારે શાઉલે પોતાની તરવાર લઈને તે પર પડ્યો.

5 શાઉલને મૂએલો જોઈને તેનો શસ્‍ત્રવાહક પણ પોતાની તરવાર પર પડીને તેની સાથે મરણ પામ્યો.

6 એ રીતે શાઉલ, તેના ત્રણ દિકરા, તેનો શસ્‍ત્રવાહક, તથા તેના સર્વ માણસો તે જ દિવસે સાથે મરણ પામ્યા.

7 અને તે નીચાણની સામી બાજુના ઇઝરાયલી માણસોએ તથા યર્દનની પેલી પારના લોકોએ જોયું કે, ઇઝરાયલના માણસો નાસે છે, ત્યારે તેઓ નગરો તજી દઈને નાસી ગયા; અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા.

8 બીજે દિવસે એમ બન્યું કે પલિસ્તીઓ લાસો પરથી વસ્‍ત્રાદિ ઉતારી લેવા આવ્યા, ત્યારે શાઉલ તથા તેના ત્રણ દિકરાને તેઓએ ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.

9 તેઓએ તેનું માથું કાપી લીધું, તથા તેનાં શસ્‍ત્રો ઉતારી લઈને તે સમાચાર તેમના મૂર્તિગૃહમાં તથા લોકોમાં પ્રગટ કરવા માટે પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ હલકારા મોકલ્યા.

10 તેઓએ તેનાં શસ્‍ત્રો આશ્તારોથના મંદિરમાં મૂક્યાં. અને તેની લાસ તેઓએ બેથ-શાનના કોટ પર ચોંટાડી.

11 પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તે વિષે યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓએ સાંભળ્યું,

12 ત્યારે બધા બહાદુર પુરુષો ઊઠીને આખી રાત ચાલ્યા, ને બેથ-શાનના કોટ પરથી શાઉલની લાસ તથા તેના દિકરાઓની લાસો તેઓ યાબેશમાં લઈ આવ્યા, ને ત્યાં તેઓએ તે બાળી.

13 તેઓએ તેનાં હાડકાં લઈને યાબેશમાંના એશેલ વૃક્ષ નીચે દાટ્યાં, ને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan