Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પલિસ્તીઓએ દાઉદનો નકાર કર્યો

1 હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યો એફેક આગળ એકત્ર કર્યાં. અને યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે ઇઝરાયલીઓએ છાવણી નાખી.

2 પલિસ્તીઓના સરદારો સોસોની તથા હજારહજારની ટોળીબંધ ચાલી નીકળ્યા. દાઉદ તથા તેના માણસો આખીશ સાથે સૈન્યને પાછલે ભાગે ચાલતા હતા.

3 ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, “આ હિબ્રૂઓ [નું અહીં] શું [કામ છે] ?” આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, “શું એ ઇઝરાયલના રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? તે તો કેટલાક દિવસ બલકે કેટલાંક વર્ષ થયાં મારી સાથે રહે છે, તોપણ તે [મારી પાસે] આવી રહ્યો ત્યારથી તે આજ સુધી મને એનામાં કંઈ પણ વાંક માલૂમ પડ્યો નથી.”

4 પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્‍સે થયા; અને પલિસ્તીઓના સરદારોએ તેને કહ્યું, “આ માણસને પાછો મોકલ કે જે જગા તેં તેને ઠરાવી આપી છે ત્યાં તે જાય, ને એને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો, રખેને યુદ્ધમાં તે આપણો સામાવાળિયો થઈ જાય; કેમ કે પોતાના શેઠનો પ્રેમ પાછો મેળવવા માટે તે શું ન કરે? શું આ માણસોનાં માથાં નહિ આપે?

5 શું એ દાઉદ નથી, કે જેના વિષે તેઓએ નાચતાં નાચતામ સામસામા ગાયું હતું, “શાઉલે સહસ્રોને અને દાઉદે દશ સહસ્રોને માર્યા છે?”

6 ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું, “જીવતા યહોવાના સમ, તું પ્રમાણિકપણે વર્ત્યો છે, સૈન્યમાં મારી સાથે તારું જવું આવવું એ મારી દષ્ટિમાં સારું છે! કેમ કે તું મારી પાસે આવ્યો ત્યારથી તે આજ સુધી તારામાં મને કંઈ જ દુષ્ટતા માલૂમ પડી નથી. પરંતુ સરદારોની કૃપા તારા પર નથી.

7 માટે હવે તું પાછો ફર, ને શાંતિએ જા કે, જેથી પલિસ્તીઓના સરદારો તારાથી નારાજ ન થાય.”

8 ત્યારે દાઉદે આખીષને કહ્યું, “પણ મેં શું કર્યું છે? હું તમારી હજૂરમાં આવ્યો ત્યારથી તે આજ સુધીમાં તમે આ તમારા દાસમાં એવું શું જોયું કે, મારા મુરબ્બી રાજાના શત્રુઓની સામે જઈને લડવાની પરવાનગી મને ન મળે?”

9 આખીશે દાઉદને ઉત્તર આપ્યો, “મારી દષ્ટિમાં તો તું સારો, ઈશ્વરના દૂત જેવો છે, તે હું જાણું છું; પરંતુ પલિસ્તીઓના સરદારોએ કહ્યું છે, ‘તે અમારી સાથે યુદ્ધમાં ન આવે.’

10 તેથી હવે તારા ધણીના જે ચાકરો તારી સાથે આવેલા છે, તેઓની સાથે તું પરોઢિયે ઊઠજે. અને પરોઢિયે ઊઠ્યા પછી સૂર્યોદય થયે તમે વિદાય થજો.”

11 માટે દાઉદ તથા તેના માણસો સવારમાં ચાલી નીકળીને પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે પરોઢિયે ઊઠ્યા. અને પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan