Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે દિવસોમાં એમ બન્યું કે, ઇઝરાયલ સાથે લડવાને પલિસ્તીઓએ પોતાનાં સૈન્ય એક્ત્ર કર્યાં. અને આખીશે દાઉદને કહ્યું, “તારે તથા તારા માણસોએ મારી સાથે સૈન્યમાં આવવું પડશે એમ તારે નિશ્ચે જાણવું.”

2 દાઉદે આખીશને કહ્યું, “ [સારું;] તે પરથી તમારો સેવક શું કરવાનો છે તે તમને માલૂમ પડશે.” પછી આખીશે દાઉદને કહ્યું, “એમ હોય તો હમેશને માટે હું તને મારો શિરરક્ષક બનાવીશ.”


મૃત આત્માની સંપર્ક શાધનાર સ્‍ત્રી

3 હવે શમુએલ મરણ પામ્યો હતો, ને સર્વ ઇઝરાયલે તેને માટે શોક કરીને તેને રામામાં, એટલે તેના પોતાના નગરમાં દાટ્યો હતો. શાઉલે ભૂવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા.

4 અને પલિસ્તીઓ એકત્ર થયા, ને આવીને શૂનેમમાં છાવણી નાખી. શાઉલે સર્વ ઇઝરાયલને ભેગા કર્યા, ને તેઓએ ગિલ્બોઆમાં છાવણી નાખી.

5 શાઉલે પલિસ્તીઓનું સૈન્ય જોયું ત્યારે તે બીધો, તેનું હૈયું બહુ થરથરવા લાગ્યું.

6 અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી, કે ઉરીમથી, કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહિ.

7 ત્યારે શાઉલે પોતાના ચાકરોને કહ્યું, “મેલી વિદ્યા જાણનાર કોઈ સ્‍ત્રીને મારે માટે શોધી કાઢો, ને હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં.” તેના ચાકરોએ તેને કહ્યું, “જો, એન-દોરમાં મેલી વિદ્યા જાણનાર એક સ્‍ત્રી છે.”

8 શાઉલે વેષ બદલવાને જુદાં વસ્‍ત્રો પહેર્યાં, ને તે તથા તેની સાથે બે માણસો ચાલીને રાત્રે તે સ્‍ત્રી પાસે ગયા. તેણે તે સ્‍ત્રીને કહ્યું, “કૃપા કરીને તારા સાધેલા ભૂતની મદદથી મારું ભવિષ્ય જો, ને જેનું નામ હું તને કહું તેને મારે માટે હાજર કર.”

9 તે સ્‍ત્રીએ તેને કહ્યું, “જો શાઉલે શું કર્યું છે તે તું જાણે છે, એટલે કે તેણે ભૂવાઓને તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે. તો મને મારી નંખાવવા માટે તું મને ફાંદામાં પાડવા કેમ માગે છે?”

10 ત્યારે શાઉલે તેની આગળ યહોવાના સોગન ખાઈને કહ્યું, “જીવતા યહોવાના સોગન ખાઈને કહ્યું, “જીવતા યહોવાના સોગન ખાઈને કહ્યું, કંઈ પણ નુકસાન થશે નહિ.”

11 ત્યારે તે સ્‍ત્રીએ પૂછ્યું, “તારા માટે હું કોને ઉઠાડી લાવું?” તેણે કહ્યું, “મારે માટે શમુએલને ઉઠાડી લાવ.”

12 તે સ્‍ત્રીએ શમુએલને જોઈને મોટી બૂમ પાડી; અને તે સ્‍ત્રીએ શાઉલને કહ્યું, “તેં મને કેમ ઠગી છે? કેમ કે તું તો શાઉલ છે.”

13 રાજાએ તેને કહ્યું, “બીશ નહિ. તું શું જુએ છે?” તે સ્‍ત્રીએ શાઉલને કહ્યું, “હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું.”

14 તેણે તેને પૂછ્યું, “તેનો દેખાવ કેવો છે?” તેણે કહ્યું, “એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે; અને તેણે જામો પહેરેલો છે.” શાઉલ જાણી ગયો કે એ શમુએલ છે, તેથી તેણે પોતાનું મુખ ભૂમિ સુધી નમાવીને તેને પ્રણામ કર્યા.

15 શમુએલે શાઉલને પૂછ્યું, તેં શા માટે મને ઉઠાડી લાવીને હેરાન કર્યો છે?” શાઉલે ઉત્તર આપ્યો, “ હું ઘણા સંકટમાં આવી પડ્યો છું. કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ને ઈશ્વર મારી પાસેથી જતા રહ્યા છે, ને પ્રબોધકો મારફતે કે સ્વપ્ન મારફતે મને હવે ઉત્તર આપતા નથી. એ કારણથી મેં તમને બોલાવ્યા છે, જેથી મારે શું કરવું તે તમે મને કહો.”

16 શમુએલે કહ્યું, “યહોવા તારી પાસેથી જતા રહ્યા છે ને તારો શત્રુ થયા છે, તો તું મને કેમ પૂછે છે?

17 જેમ યહોવા મારી મારફતે બોલ્યા હતા તેમ તેમણે તને કર્યું છે. યહોવાએ તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તે તારા પડોશીને, એટલે દાઉદને આપ્યું છે.

18 કેમ કે તેં યહોવાની વાણી માની નહિ, ને અમાલેક પર તેમના સખત ક્રોધનો અમલ કર્યો નહિ, તેથી યહોવાએ આજે તને આ પ્રમાણે કર્યું છે.

19 વળી યહોવા તારી સાથે ઇઝરાયલને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે. અને કાલે તું તથા તારા દિકરા મારી સાથે હશો. યહોવા ઇઝરાયલના સૈન્યને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે.”

20 ત્યારે શાઉલ તરત ભૂમિ પર ઊંધો પડી ગયો, ને શમુએલના વચનોથી બહુ ભયભીત થયો. તેનામાં કંઈ શક્તિ રહી નહોતી કેમ કે તેણે તે આખો દિવસ તથા આખી રાત કંઈ અન્‍ન ખાધું નહોતું.

21 તે સ્‍ત્રી શાઉલ પાસે આવી, ને તેને ઘણો ગભરાયેલો જોઈને તેણે તેને કહ્યું, “જો, તારી દાસીએ તારા કહ્યા પ્રમાણે કર્યું છે, ને મારો જીવ મારી મુઠ્ઠીમાં લઈને, જે વચનો તેં મને કહ્યાં તે મેં સાંભળ્યાં છે,

22 તો હવે કૃપા કરીને તું પણ તારી દાસીની વાણી સાંભળ, ને મને એક કોળિયો અન્‍ન તારી આગળ મૂકવા દે. અને ખા, કે જેથી તારામાં રસ્‍તે ચાલવાની શક્તિ આવે.”

23 પણ તેણે ના પાડીને કહ્યું, “હું નહિ ખાઉં.” પણ તેના ચાકરોએ તથા તે સ્‍ત્રીએ મળીને તેને આગ્રહ કર્યો. તેથી તેણે તેઓનું કહેવું માન્યું. પછી જમીન પરથી ઊઠીને તે પલંગ પર બેઠો.

24 અને તે સ્‍ત્રીને ત્યાં એક માતેલું વાછરડું હતું. તે તેણે ઉતાવળ કરીને કાપ્યું; વળી તેણે આટો લઈને મસળ્યો, ને તેની બેખમીર રોટલી પકાવી.

25 અને તે તેણે શાઉલનીતથા તેના ચાકરોની આગળ મૂકી. અને તેઓ જમ્યા. પછી ઊઠીને તેઓ તે જ રાતે વિદાય થયા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan