૧ શમુએલ 23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દાઉદ કઈલા શહેરનો બચાવ કરે છે 1 તેઓએ દાઉદને ખબર આપી, “જો, પલિસ્તીઓ કઈલા સાથે લડે છે ને તેઓ ખળીઓ લૂટે છે.” 2 તેથી દાઉદે યહોવાની સલાહ પૂછી, “હું જઈને એ પલિસ્તીઓને મારું?” યહોવાએ દાઉદને કહ્યું, “જા; પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ.” 3 અને દાઉદના માણસોએ તેને કહ્યું, “જો, અમને અહીં યહૂદિયામાં ડર લાગે છે, તો પલિસ્તીઓનાં લશ્કરો વિરુદ્ધ કઈલા જતાં કેટલો વિશેષ ડર લાગશે?” 4 પછી દાઉદે બીજી વાર પણ યહોવાની સલાહ પૂછી. અને યહોવાએ તેને ઉત્તર આપ્યો, “ઊઠીને કઈલા પર ચઢાઈ કર; કેમ કે હું પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ.” 5 અને દાઉદ તથા તેના માણસો કઈલા ગયા, ને પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને તેઓનાં ઢોરઢાંકનું હરણ કરી લાવ્યા, ને તેમની કતલ કરીને તેમનો મોટો સંહાર કર્યો. એમ દાઉદે કઈલાવાસીઓને બચાવ્યા. 6 અને એમ થયું કે અહીમેલેખનો દિકરો અબ્યાથાર દાઉદ પાસે કઈલા નાસી આવ્યો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો. 7 શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાં આવ્યો છે ત્યારે શાઉલે કહ્યું, “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે; કેમ કે દરવાજા તથા ભૂંગળોવાળા નગરમાં પેસવાથી તે અંદર ગોંધાઈ ગયો છે.” 8 પછી શાઉલે કઈલા પર ચઢાઈ કરીને દાઉદ તથા તેના માણસોને ઘેરી લેવા માટે સર્વ લોકોને યુદ્ધ કરવા બોલાવ્યા. 9 દાઉદ જાણતો હતો કે, શાઉલ મને ઉપદ્રવ કરવા યુક્તિઓ રચે છે; તેથી તેણે અબ્યાથાર યાજકને કહ્યું, “એફોદ અહીં લાવ.” 10 પછી દાઉદે કહ્યું, “હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા સેવકે નક્કી સાંભળ્યું છે કે, મારે લીધે નગરનો નાશ કરવા શાઉલ કઈલા આવવાનો લાગ શોધે છે. 11 શું કઈલાના માણસો મને તેના હાથમાં સોંપી દેશે? તમારા સેવકના સાંભળ્યા પ્રમાણે શાઉલ અહીં આવશે શું? હે ઇઝરાયલના ઇશ્વર યહોવા, હું તમને આજીજી કરું છું કે, તમે તમારા સેવકને તે જણાવો.” યહોવાએ કહ્યું, “તે આવશે.” 12 ત્યારે દાઉદે કહ્યું, “શું કઈલાના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?” 13 ત્યારે દાઉદે તથા તેના માણસો, જે આસરે છસો હતા, તે ઊઠીને કઈલામાંથી નીકળી ગયા, ને જ્યાં જવાય ત્યાં જતા રહ્યા. અને શાઉલને સમાચાર મળ્યા કે, “દાઉદ કઈલામાંથી નાસી ગયો છે.” તેથી તેણે ત્યાં જવાનું માંડી વાળ્યું. દાઉદ પહાડી પ્રદેશમાં 14 દાઉદ રાનમાં મજબૂત ગઢોમાં વસ્યો, ને ઝીફના રાનમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ દરરોજ તેના હાથમાં સોંપ્યો નહિ. 15 દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા માટે બહાર નીકળેલો છે. અને દાઉદ ઝીફના રાનમાં આવેલા હોરેશમાં હતો. 16 અને શાઉલનો દિકરો યોનાથાન ઊઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો, ને ઈશ્વરમાં તેનો હાથ મજબૂત કર્યો. 17 યોનાથાને તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે મારા પિતા શાઉલનો હાથ તને ખોળી કાઢી શકશે નહિ. તું ઇઝરાયલનો રાજા થશે, ને હું તારાથી બીજે દરજ્જે હોઈશ. અને એ તો મારા પિતા શાઉલ પણ જાણે છે.” 18 પછી તે બન્નેએ યહોવાની આગળ કરાર કર્યો; અને દાઉદ હોરેશમાં રહ્યો, ને યોનાથાન પોતાને ઘેર ગયો. 19 ત્યાર પછી ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “અરણ્યની દક્ષિણે હખીલા ડુંગરના હોરેશના ગઢોમાં દાઉદ અમારી મધ્યે સંતાઈ રહ્યો નથી શું? 20 માટે હવે, હે રાજા, તમારા મનની ત્યાં આવવાની બધી ઇચ્છા પ્રમાણે ત્યાં આવો; અને તેને રાજાના હાથમાં સોંપી દેવો એ અમારું કામ.” 21 શાઉલે કહ્યું, “તમે યહોવાથી આશીર્વાદિત થાઓ; કેમ કે તમે મારા પર દયા કરી છે. 22 કૃપા કરીને જઈને તે વિષે હજી વધારે ખાતરી કરો, તેના હરવાફરવાની જગા, તથા ત્યાં તેને કોણે જોયો છે, તે જાણો ને જુઓ; કેમ કે મને ખબર મળી છે કે તે ઘણી પક્કાઈથી વર્તે છે. 23 માટે જાઓ, ને તેની સંતાઈ રહેવાની સર્વ જગાઓ જાણી લઈને જરૂર મારી પાસે ફરીથી આવજો, એટલે હું તમારી સાથે આવીશ. અને જો દાઉદ તે દેશમાં હશે તો એમ થશે કે હું તેને યહૂદિયાના હજારો [માણસો] માંથી શોધી કાઢીશ.” 24 પછી તેઓ ઊઠીને શાઉલની પહેલાં ઝીફમાં ગયા; પણ દાઉદ ને તેના માણસો તો માઓન રાનમાં અરણ્યની દક્ષિણે અરાબામાં હતા. 25 અને શાઉલ તથા તેના માણસોન તેને શોધવા ગયા. લોકોએ દાઉદને એ વાતની ખબર આપી; માટે તે ખડક પાસે ઊતરી આવીને માઓન રાનમાં રહ્યો. તે સાંભળીને શાઉલ માઓનના રાનમાં દાઉદની પાછળ પડ્યો. 26 શાઉલ પર્વતની આ બાજુએ ગયો, ને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલની બીકને લીધે છટકી જવા ઉતાવળ કરી; કેમ કે શાઉલે તથા તેના માણસોએ દાઉદને તથા તેના માણસોને પકડવા માટે તેઓને ઘેરી લીધા હતા. 27 એટલામાં એક હલકારાએ શાઉલ પાસે આવીને કહ્યું, “જલદી ચાલો, કેમ કે પલિસ્તીઓએ દેશમાં ધાડ પાડી છે.” 28 આથી શાઉલ દાઉદની પાછળ લાગવાથી પાછો ફરીને પલિસ્તીઓની સામે ગયો; માટે તે જગાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડ્યું. 29 દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના ગઢોમાં રહેવા ગયો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India