Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


શાઉલે યાજકોનો કરેલો સંહાર

1 તેથી દાઉદ ત્યાંથી ચાલી નીકળીને અદુલ્લામની ગુફામાં નાસી ગયો. તે સાંભળીને તેના ભાઈઓ તથા તેના પિતાનું આખું કુટુંબ ત્યાં તેની પાસે ગયાં.

2 વળી જે સંકટમાં હતા, ને જે દેવાદાર હતા, તથા જે અસંતોષી હતા, તે સર્વ તેની પાસે એકત્ર થયા. અને તે તેઓનો સરદાર બન્યો. અને ત્યાંથી તેની સાથે આસરે ચારસો માણસો હતા.

3 ત્યાંથી દાઉદ મોઆબના મિસ્પામાં ગયો. અને તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરવાનો છે એ મારા જાણવામાં ન આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને તથા મારી માતાને અહીં આવીને તારી પાસે રહેવા દે.”

4 અને તે તેઓને મોઆબના રાજાની હજૂરમાં લઈ આવ્યો, અને દાઉદ ગઢમાં રહ્યો તે બધો વખત તેઓ તેની સાથે રહ્યા.

5 અને ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું, “ગઢમાં ન રહેતો; અહીંથી નીકળીને યહૂદિયા દેશમાં જા.” ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના વનમાં ગયો.

6 અને શાઉલે સાંભળ્યું, “દાવિદ તથા તેની સાથેના માણસોનો પત્તો મળ્યો છે.” આ સમયે શાઉલ તો ગિબયામાં, રામામાંના આમલીના ઝાડ નીચે, પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો, ને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઊભા હતા.

7 ત્યારે શાઉલે પોતાની આસપાસ ઊભેલા પોતાના ચાકરોને કહ્યું, “હે બિન્યામીનીઓ, સાંભળો, શું યિશાઈનો દીકરો તમ દરેકને ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ આપશે, શું તે તમ સર્વને સહસ્‍ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ બનાવશે કે,

8 જેથી તમ સર્વએ મારી વિરુદ્ધ પ્રપંચ રચ્યો છે? અને મારો દીકરો યિશાઈના દીકરા સાથે કોલકરાર કરે છે તોપણ મને તેની ખબર આપનાર કોઈ નથી, ને મારે માટે તમારામાંથી દિલગીર થનાર કોઈ નથી, અથવા મારી વિરુદ્ધ પ્રંપચ રચ્યો છે? અને મારો દીકરો યિશાઈના દિકરા સાથે કોલકરાર કરે છે તોપણ મને તેની ખબર આપનાર કોઈ નથી, ને મારે માટે તમારામાંથી દિલગીર થનાર કોઈ નથી, અથવા મારી વિરુદ્ધ મારા દિકરાએ મારા ચાકરને આજની જેમ સંતાઈ રહેવાને ઉશ્કેર્યો છે, તેની મને ખબર આપનાર તમારામાંનો કોઈ નથી?”

9 ત્યારે દોએગ અદોમી જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો, તેણે ઉત્તર આપ્યો, “મેં યિશાઈના દીકરાને અહીટૂભના દિકરા અહીમેલેખ પાસે નોબમાં આવતો જોયો હતો.

10 તેણે તેને માટે યહોવાની સલાહ પૂછી, તેને ભાથું આપ્યું, તેમજ તેને ગોલ્યાથ પલિસ્તીની તરવાર આપી.”

11 ત્યારે અહીટૂબનઅ દીકરા અહીમેલેખ યાજકને તથા તેના પિતાના આખા કુટુંબના યાજકો જે નોબમાં હતા તેઓને રાજાએ તેડાવ્યા. અને તે સર્વ રાજા પાસે આવ્યા.

12 શાઉલે કહ્યું, “અહીટૂબના દિકરા, હવે સાંભળ.” તેણે ઉત્તર આપ્યો, “મારા મુરબ્બી, હું હાજર છું.”

13 શાઉલે તેને કહ્યું, “યિશાઈનો દિકરો મારી વિરુદ્ધ બળવો ઉઠાવીને આજની જેમ સંતાઈ રહે, તે માટે તેં તેને રોટલી તથા તરવાર આપીને, તથા તેને માટે ઈશ્વરનિ સલાહ પૂછીને, તમે, એટલે તેં તથા તેણે, મારી વિરુદ્ધ કેમ બંડ રચ્યું છે?”

14 ત્યારે અહીમેલેખે રાજાને ઉત્તર આપ્યો, “દાઉદ કે જે રાજાનો જમાઈ છે, જે તમારી રાજસભામાં દાખલ કરાયેલો છે, ને જે તમારા ઘરમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તમારા બધા ચાકરોમાં કોણ છે?

15 શું મે આજે જ તેને માટે ઈશ્વરની સલાહ પૂછવાનું શરૂ કર્યું છે? એ મારાથી દૂર થાઓ. એવું કંઈ રાજાએ આ પોતાના ચાકરને માથે કે મારા પિતાના કુટુંબના કોઈને માથે મૂકવું નહિ; કેમ કે એ સર્વ બાબતો વિષે તમારો ચાકર કંઈ પણ વત્તું કે ઓછું જાણતો નથી.”

16 ત્યારે રાજાએ કહ્યું, “હે અહીમેલેખ, તું તારા પિતાના આખા કુટુંબ સહિત નિશ્ચે માર્યો જશે.”

17 અને રાજાએ પોતાની આસપાસ ઊભેલા અંગરક્ષકોને કહ્યું, “ફરીને યહોવાના યાજકોને મારી નાખો. કેમ કે તેઓનો હાથ પણ દાઉદની સાથે છે. વળી તે નાસી જાય છે એમ તેઓ જાણતા હતા, છતાં તેઓએ મને તેની ખબર આપી નહિ.” પણ રાજાના ચાકરો યહોવાના યાજકો પર તૂટી પડવા પોતાના હાથ ઉગામવા રાજી નહોતા.

18 ત્યારે રાજાએ દોએગને કહ્યું, “તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ.” ત્યારે દોએગ અદોમી ફર્યો, ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે શણનો એફોદ પહેરેલો પંચાશી પુરુષોને મારી નાખ્યા.

19 અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યું, એટલે પુરુષો તથા સ્‍ત્રીઓનો, મોટાં તથા ધાવણાં બાળકોનો તેમ જ બળદો, ગધેડાં તથા ઘેટાંનો તેણે તરવારની ધારથી [સંહાર કર્યો].

20 અહીટૂબના દીકરા અહીમેલેખનો અબ્યાથાર નામનો એક દીકરો બચી ગયો, તે દાઉદ પાસે નાસી ગયો.

21 અને અબ્યાથારે દાઉદને ખબર આપી, “શાઉલે યહોવાના યાજકોને મારી નાખ્યા છે.”

22 દાઉદે અબ્યાથારને કહ્યું, “તે દિવસે દોએગ અદોમી ત્યાં હતો, ત્યારથી જ હું જાણતો હતો કે તે જરૂર શાઉલને કહી દેશે. તારા પિતાના કુટુંબના સર્વ માણસોના [મોતનું કારણ] હું જ થયો છું.

23 તું મારી સાથે રહે, બીશ નહિ. કેમ કે જે મારો જીવ [લેવા] માગે છે તે તારો પણ જીવ [લેવા] માગે છે. મારી સાથે તું સહીસલામત રહેશે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan