Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


દાઉદ શાઉલનથી નાસતો ફરે છે

1 પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે ગયો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને પૂછ્યું, “તું એકલો કેમ છે? અને તારી સાથે કોઈ માણસ [કેમ] નથી?”

2 ત્યારે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, “રાજાએ મને એક કામ ફરમાવીને કહ્યું છે કે, ‘જે કામ માટે હું તને મોકલું છું, ને જે આજ્ઞા મેં તને ફરમાવી છે તેની કોઈને ખબર ન પડે; અને અમુક અમુક જગા પર મેં જુવાનોને નીમ્યા છે.’

3 તો હવે તમારા હવાલામાં શું છે? પાંચ રોટલી, અથવા જે કંઈ તૈયાર હોય તે મને મારા હાથમાં આપો.”

4 અને યાજકે દાઉદને ઉત્તર આપ્યો, “મારા હવાલામાં સાધારણ રોટલી બિલકુલ નથી, પવિત્ર રોટલી છે. પણ જો તે જુવાનો સ્‍ત્રીઓથી દૂર રહેલા હોય તો જ [એ અપાય].”

5 દાઉદે યાજકને ઉત્તર આપીને તેને કહ્યું, “આસરે આ ત્રણ દિવસથી તો સ્‍ત્રીઓ ખરેખર અમારાથી દૂર રખાઈ છે. જ્યારે હું ચાલી નીકળ્યો ત્યારે, જો કે મુસાફરી ફક્ત સાધારણ હતી, તોપણ જુવાનોનાં પાત્રો પવિત્ર હતાં. તો આજે તેમનાં પાત્રો કેટલાં વિશેષ પવિત્ર હશે?”

6 તેથી યાજકે તેને પવિત્ર [રોટલી] આપી, કેમ કે યહોવાની આગળ ગરમ રોટલી મૂકવા માટે તે દિવસે તેમની આગળથી ઉઠાવી લીધેલી અર્પિત રોટલી સિવાય બીજી કોઈ રોટલી ત્યાં નહોતી.

7 હવે યહોવાની આગળ રોકાયેલા શાઉલના ચાકરોમાંનો એક માણસ તે દિવસે ત્યાં હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળિયાઓમાં મુખ્ય હતો.

8 અને દાઉદે અહીમેલેખને કહ્યું, “શું અહીં તમારી પાસે ભાલો કે તરવાર નથી? કેમ કે રાજાનું કામ ઉતાવળનું હતું, તેથી હું મારી તરવાર કે મારાં શસ્‍ત્ર મારી સાથે લાવ્યો નથી.”

9 યાજકે કહ્યું, “જો, પલિસ્તી ગોલ્યાથ જેને તેં એલાની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તરવાર અહીં લૂગડે વીંટાળિને એફોદની પાછળ [મૂકેલી] છે. જો તારી ઇચ્છા હોય તો તે લે; કેમ કે તે સિવાય બીજી એકે અહીં નથી.” ત્યારે દાઉદે કહ્યું, “એના જેવી એકે નથી; એ મને આપો.”

10 દાઉદ ઊઠીને તે દિવસે શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.

11 આખીશને તેના ચાકરોએ કહ્યું, “આ શું તે દેશનો રાજા દાઉદ નથી? શું તેઓએ નાચતાં નાચતાં તેના વિષે સામસામાં એમ ગાયું નથી, શાઉલે સહસ્‍ત્રોને માર્યા છે, અને દાઉદે તો દશ સહસ્‍ત્રોને માર્યા છે?’”

12 દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા; અને ગાથના રાજા આખીશથી તે ઘણો બીધો

13 તેથી તેણે તેઓની આગળ પોતાની વર્તણૂક બદલી નાખી, ને તેઓના હાથમાં [હતો, ત્યારે] ગાંડો હોવાનો ઢોંગ કર્યો, ને દરવાજાનાં કમાડ પર લીટા પાડ્યા, ને પોતાનું થૂંક પોતાની દાઢી પર પડવા દીધું.

14 ત્યારે આખીશે પોતાના ચાકરોને કહ્યું, “જુઓ, તમે જુઓ છો કે એ માણસ ગાંડો છે. તો શા માટે તમે તેને મારી પાસે લાવ્યા છો?

15 શું મને ઘેલા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી હજૂરમાં ગાંડા ચાળા કરવાને લાવ્યા છો? શું આવા માણસને મારા ઘરમાં દાખલ કરાય?”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan