Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને શાઉલ સાથે તે વાત કરી રહ્યો, ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ કરવા લાગ્યો.

2 તે દિવસે શાઉલે તેને [પોતાની પાસે] રાખ્યો, ને ત્યાર પછી તેને તેના પિતાને ઘેર જવા દીધો નહિ.

3 પછી યોનાથાને તથા દાઉદે કોલકરાર કર્યા, કેમ કે તે તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ રાખતો હતો.

4 અને જે ઝભ્ભો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગ પરથી કાઢીને દાઉદને આપ્યો, તેમ જ તરવાર, ધનુષ્ય તથા કમરબંધ સહિત પોતાનું કવચ પણ, તેને આપ્યું.

5 જ્યાં કહીં શાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે ચાલ્યો જતો, ને ડહાપણથી વર્તતો. શાઉલે તેને લડવૈયા માણસો પર સરદાર નીમ્યો, અને એ સર્વ લોકોની દષ્ટિમાં તેમજ શાઉલના દરબારીઓની દષ્ટિમાં પણ સારું લાગ્યું.


શાઉલ દાઉદની ઈર્ષા કરે છે

6 અને દાઉદ પલિસ્તીઓનો સંહાર કરીને પાછો ફર્યો ત્યાર પછી તેઓ આવતા હતા, ત્યારે એમ બન્યું કે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્‍ત્રીઓ ડફ તથા વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાચતી નાચતી શાઉલને મળવા નીકળી આવી.

7 તે સ્‍ત્રીઓ ગમતમાં ગાતાં ગાતાં એકબીજીને કહેતી, “શાઉલે સહસ્રોને, અને દાઉદે દશ સહસ્રોને સંહાર્યા છે.”

8 એથી શાઉલને ઘણો ક્રોધ ચઢ્યો, ને આ રાસડાથી તેને ખોટું લાગ્યું. અને તેણે કહ્યું, “દાઉદને તેઓએ દશ સહસ્રનું માન આપ્યું છે, ને મને તો તેઓએ માત્ર સહસ્રનુમ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?”

9 તે દિવસથી શાઉલે દાઉદને નજરમાં રાખ્યો.

10 અને બીજા દિવસે એમ થયું કે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોસભેર આવ્યો, અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. અને દાઉદ પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો, અને શાઉલના હાથમાં ભાલો હતો.

11 અને શાઉલે ભાલો ફેંક્યો, કેમ કે તેણે કહ્યું, “હું દાઉદને મારીને ભીંત સાથે ચોંટાડી દઈશ.” અને દાઉદ તેની આગળથી બે વખત બચી ગયો.

12 શાઉલ દાઉદથી બીતો હતો, કેમ કે યહોવા દાઉદની સાથે હતા, પણ શાઉલ પાસેથી જતા રહેલા હતા.

13 માટે શાઉલે તેને પોતાની હજૂરમાંથી ખસેડીને તેને પોતાના [લશ્કરમાં] સહસ્રાધિપતિ બનાવ્યો. અને તે લોકોને બહાર લઈને જતો ને પાછો લાવતો.

14 દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડહાપણથી વર્તતો; અને યહોવા તેની સાથે હતા.

15 તે ઘણા ડાહાપણથી વર્તે છે એ જોઈને શાઉલને તેની બીક લાગતી હતી.

16 પણ સર્વ ઇઝરાયલ તથા યહૂદિયા દાઉદ પર પ્રેમ રાખતા હતા, કેમ કે તે તેઓને બહાર લઈ જતો ને પાછો લાવતો હતો.


શાઉલની દીકરી સાથે દાઉદનાં લગ્ન

17 અને શાઉલે દાઉદને કહ્યું, “જો, મારી મોટી દીકરી મેરાબ [છે] , તેને હું તારી સાથે પરણાવીશ, એટલું જ કે તું મારે માટે બળવાન થા, ને યહોવાની લડાઈઓ લડ.” કેમ કે શાઉલે કહ્યું, “મારો હાથ એના પર ભલે પડે.”

18 અને દાઉદે શાઉલને કહ્યું, “હું કોણ, તથા મારાં સગાવહાલાં તથા ઇઝરાયલમાં મારા પિતાનું કુટુંબ કોણ, કે હું રાજાનો જમાઈ થાઉં?”

19 પણ જ્યારે શાઉલની દીકરી મેરાબ દાઉદને આપવાનો સમય આવ્યો, ત્યારે એમ થયું કે તેને આદ્રિયેલ મહોલાથીની સાથે પરણાવવામાં આવી.

20 અને શાઉલની દીકરી મિખાલને દાઉદ સાથે પ્રેમ થયો. તેઓએ શાઉલને એ વાત કહી, ને તે તેને પસંદ પડી.

21 અને શાઉલે [મનમાં] કહ્યું, “હું તે તને આપીશ કે, તે તેને ફાંદારૂપ થાયને પલિસ્તીઓનો હાથ તેની વિરુદ્ધ થાય.” તેથી શાઉલે દાઉદને કહ્યું, “આજ તું બીજી વાર મારો જમાઈ થશે.”

22 અને શાઉલે પોતાના ચાકરોને આજ્ઞા આપી, “દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને કહો કે, જો, રાજા તારા પર બહુ પ્રસન્‍ન છે, ને તેના સર્વ ચાકરો તને ચાહે છે, માટે હવે રાજાનો જમાઈ થા.”

23 અને શાઉલના ચાકરોએ એ શબ્દો દાઉદના કાનમાં કહ્યા, ત્યારે દાઉદે કહ્યું, “હું કંગાળ અને વિસાત વગરનો માણસ છું, છતાં હું રાજાનો જમાઈ થાઉં, એ વાત શું તેમને નજીવી લાગે છે?”

24 અને ચાકરોએ શાઉલને કહ્યું, “દાઉદ આમ આમ બોલ્યો.”

25 પછી શાઉલે કહ્યું, “તમારે દાઉદને એમ કહેવું કે, રાજાના શત્રુઓ પર વેર વાળવા માટે પલિસ્તીઓના એકસો અગ્રચર્મ [જોઈએ છે].” હવે શાઉલનો ઇરાદો એવો હતો કે પલિસ્તીઓના હાથે દાઉદ માર્યો જાય.

26 અને તેના ચાકરોએ દાઉદને એ વાતો કહી, ત્યારે દાઉદને રાજાનો જમાઈ થવાનું પસંદ પડ્યું. અને તે દિવસો પૂરા થયા નહોતા,

27 એટલામાં દાઉદ ઊઠ્યો, ને પોતાના માણસોને સાથે લઈને તેણે બસો પલિસ્તીઓને મારી નાખ્યા. અને દાઉદ તેમના અગ્રચર્મ લાવ્યો, ને તે રાજાનો જમાઈ થાય માટે રાજાને તેઓએ પૂરેપૂરાં ગણી આપ્યાં. પછી શાઉલે પોતાની દીકરી મિખાલને તેની સાથે પરણાવી.

28 અને શાઉલે જોયું ને જાણ્યું કે યહોવા દાઉદની સાથે છે; અને શાઉલની દીકરી મિખાલને તેની સાથે પ્રેમ થયો હતો.

29 અને હજુએ શાઉલ દાઉદથી અગાઉ કરતાં વધારે બીવા લાગ્યો. અને શાઉલ દાઉદનો હમેશનો વૈરી રહ્યો.

30 ત્યાર પછી પલિસ્તીઓના સરદારો સવારીએ નીકળવા લાગ્યા. તેઓ જેટલી વખત સવારીએ નીકળ્યા તેટલી વખત એમ થયું કે, શાઉલના સર્વ ચાકરો કરતાં દાઉદ ચતુરાઈથી વર્ત્‍યો; તેથી તેનું નામ ઘણું જ લોકપ્રિય થઈ પડ્યું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan