Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને ઇઝરાયલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને માટે શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, યિશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે માટે રાજા નિર્માણ કરી રાખ્યો છે.”

2 શમુએલે કહ્યું, “મારાથી કેમ કરીને જવાય? જો શાઉલ તે સાંભળે તો તે મને મારી નાખશે, ” ત્યારે યહોવાએ કહ્યું, “તારી સાથે એક વાછરડી લે, ને હું યહોવાની આગળ યજ્ઞ કરવા આવ્યો છું. એમ કહેજે.

3 અને તે યજ્ઞમાં યિશાઈને બોલાવજે, પછી તારે શું કરવું તે હું તને બતાવીશ. અને હું જેનું નામ તને કહું તેનો મારે માટે અભિષેક કરજે.”

4 યહોવાએ જેમ કહ્યું હતું તેમ કરીને શમુએલ બેથલેહેમ આવ્યો. નગરના વડીલો ધ્રૂજતા ધ્રૂજતા તેને મળવા આવ્યા. તેઓએ કહ્યું, “શું તમે સલાહશાંતિ સહિત આવ્યા છો?”

5 તેણે કહ્યું, “સલાહશાંતિ સહિત; હું યહોવાને અર્પણ ચઢાવવાને આવ્યો છું. તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞકાર્યમાં આવો.” અને તેણે યિશાઈ તથા તેના દીકરાઓને પાવન કરીને તેઓને યજ્ઞકાર્યમાં બોલાવ્યા.

6 તેઓ આવ્યા ત્યારે એમ બન્યું કે અલિયાબને જોઈને તેણે કહ્યું, “નકકી યહોવાનો અભિષિક્તિ તેની સંમુખ છે.”

7 પણ યહોવાએ શમુએલને કહ્યું, “તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં એને નાપસંદ કર્યો છે; કારણ કે માણસ જેમ જુએ છે તેમ [યહોવા જોતા] નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હ્રદય તરફ જુએ છે.’

8 પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો, ને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને તેણે કહ્યું, “યહોવાએ એને પણ પસંદ કર્યો નથી.”

9 પછી યિશાઈએ શામ્માને ત્યાં આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું, “યહોવાએ એને પણ પસંદ કર્યો નથી.”

10 એ જ પ્રમાએ યિશાઈએ પોતાના દીકરાઓમાંના સાતને શમુએલની આગળ થઈને ચલાવ્યા. અને શમુએલે યિશાઈને કહ્યું, “તેઓને યહોવાએ પસંદ કર્યા નથી.”

11 પછી શમુએલે યિશાઈને પૂછ્યું, “શું તારા સર્વ દીકરા અહીં છે?” તેણે કહ્યું. “નાનો હજી બાકી રહ્યો છે, ને જુઓ, તે ઘેટાં ચારે છે.” અને શમુએલે યિશાઈને કહ્યું, “માણસ મોકલીને તેને તેડી મંગાવ; કેમ કે તે અહીં આવશે ત્યાં સુધી અમે [જમવા] નહિ બેસીએ.”

12 તેણે માણસ મોકલીને તેને તેડી મંગાવ્યો. હવે તે [છોકરો] લાલચોળ તથા સુંદર ચહેરાનો તથા દેખાવમાં ફૂટડો હતો. યહોવાએ કહ્યું, “ઊઠીને એનો અભિષેક કર, કેમ કે એ જ તે છે.”

13 ત્યારે શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો, પછી શમુએલ ઊઠીને રામામાં ગયો.


દાઉદ શાઉલના દરબારમાં

14 હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો, ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો.

15 શાઉલના દાસોએ તેને કહ્યું, “હવે જો, ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તમને હેરાન કરે છે.

16 તો અમારા સ્વામીએ પોતાની હજૂરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે, તેઓ એક પ્રવીણ વીણા વગાડનાર માણસને શોધી કાઢે. અને ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા તમારા પર આવે ત્યારે એમ થશે કે, તે પોતાના હાથથી વાગડશે, એટલે તમે સારા થશો.”

17 શાઉલે પોતાના દાસોને કહ્યું, “એક સારો બજવૈયો શોધી કાઢીને તેને મારી પાસે લાવો.”

18 ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો, “જુઓ, યિશાઈ બેથલેહેમીનો એક દીકરો છે, તેને મેં જોયો છે, તે વગાડવામાં કુશળ છે, ને પરાક્રમી યોદ્ધો તથા લડવૈયો છે, તેમ જ બોલવેચાલવે શાણો તથા સુંદર છે, ને યહોવા તેની સાથે છે.”

19 તેથી શાઉલે યિશાઈ પાસે સંદેશિયા મોકલીને તેને કહેવડાવ્યું, “તારો દીકરો દાઉદ જે ઘેટાં ચારે છે તેને મારી પાસે મોકલ.”

20 ત્યારે યિશાઈએ રોટલી, દ્રાક્ષારસની એક કૂંડી તથા એક લવારું એક ગધેડ પર [લાદીને] પોતાના દીકરા દાઉદની સાથે શાઉલને માટે મોકલાવ્યા.

21 દાઉદ શાઉલ પાસે આવ્યો, ને તેની આગળ ઊભો રહ્યો. તેને [જોતાં જ] તેના પર શાઉલને ઘણું વહાલ ઊપજ્યું, અને તે તેનો શસ્‍ત્રવાહક થયો.

22 અને શાઉલે યિશાઈ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું, “કૃપા કરીને દાઉદને મારો હજૂરિયો થવા દે; કેમ કે તેના પર મારી કૃપાદષ્ટિ થઈ છે.”

23 અને ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો, ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને વગાડતો; તેથી શાઉલ સાજોતાજો થઈ જતો, ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan