૧ શમુએલ 15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અમાલેકીઓ સામે યુદ્ધ 1 શમુએલે શાઉલને કહ્યું “યહોવાએ પોતાના લોક પર એટલે ઇઝરાયલ પર રાજા થવા માટે તને અભિષિક્ત કરવાને મને મોકલ્યો હતો; માટે હવે યહોવાનાં વચન સાંભળ. 2 સૈન્યોના યહોવા એમ કહે છે, કે અમાલેકે ઇઝરાયલને મિસરમાંથી નીકળીને જતાં જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તે તેની સામે થયો, તે મેં ધ્યાનમાં લીધું છે. 3 તો હવે તું જઈને અમાલેકને માર, ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર, તેમના પર દયા લાવીશ નહિ; પણ પુરુષ તથા સ્ત્રી, ને બાળકો તેમ જ ઘાવણાં, બળદ તથા ઘેટાં, ઊંટ તથા ગધેડાં, એ સર્વને મારી નાખ.” 4 શાઉલે લોકોને બોલાવીને ટલાઈમમાં તેઓની ગણતરી કરી, તો બે લાખ પાયદળ, ને યહૂદિયાના દશ હજાર માણસો થયા. 5 અને શાઉલ અમાલેકના નગર પાસે જઈને નીચાણમાં સંતાઈ રહ્યો. 6 પછી શાઉલે કેનીઓને કહ્યું, “અમાલેકીઓની સાથે તમારો નાશ હું ન કરું, માટે તમે તેઓમાંથી નીકળીને જતા રહો; કેમ કે ઇઝરાયલી લોકો મિસરમાંથી આવ્યા ત્યારે તે સર્વની સાથે તમે માયાળુપણે વર્ત્યા હતા.” 7 પછી શાઉલે હવીલાથી તે મિસર સામેના શૂર સુધી અમાલેકીઓને માર્યા. 8 અને અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો, ને સર્વ લોકોનો તેણે તરવારની ધારથી પૂરો નાશ કર્યો. 9 પણ શાઉલે તથા લોકોએ અગાગને, તથા ઘેટાં, બળદો, તથા પુષ્ટ જનાવરોમાંથી ઉત્તમ ઉત્તમને, તથા હલવાનોને, તેમ જ સારી સારી બધી વસ્તુઓને બચાવી. ને તેઓનો પૂરો વિનાશ કર્યો નહિ; પણ નકામી તથા નાખી દેવાની દરેક ચીજનો તેઓએ પૂરો નાશ કર્યો. શાઉલનો રાજા તરીકે નકાર 10 ત્યારે શમુએલ પાસે યહોવાનું એવું વચન આપ્યું, 11 “મેં શાઉલને રાજા ઠરાવ્યો છે એથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે, ને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી.” અને શમુએલને ક્રોધ ચઢ્યો; અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી. 12 સવારે શાઉલને મળવાને શમુએલ પરોઢિયે ઊઠ્યો; અને શમુએલને એવી ખબર મળી કે, શાઉલ કાર્મેલમાં આવ્યો છે, ને જુઓ, તેણે પોતાને માટે એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ને ત્યાંથી પાછો વળીને તે આગળ ચાલીને ગિલ્ગાલમાં ઊતરી પડ્યો છે. 13 અને શમુએલ શાઉલ પાસે આવ્યો; ત્યારે શાઉલે તેને કહ્યું, “યહોવા તને આશિષ આપે. મેં યહોવાની આજ્ઞા પૂરેપૂરી પાળી છે.” 14 શમુએલે કહ્યું, “તો પછી મારે કાને ઘેટાંની જે બેં બેં પડે છે, ને બળદોનું જે બરાડવું હું સાંભળું છું, તેનો અર્થ શો છે?” 15 અને શાઉલે કહ્યું, “અમાલેકીઓ પાસેથી લોકોને તેઓને લાવ્યા છે, કેમ કે તમારા ઈશ્વર યહોવાની આગળ યજ્ઞ કરવા માટે તેઓએ ઘેટાં તથા બળદોમાંથી ઉત્તમ ઉત્તમ બચાવ્યાં છે, અને બાકીનાંનો તો અમે પૂરો નાશ કર્યો છે.” 16 ત્યારે શમુએલે શાઉલને કહ્યું, ઊભો રહે, આજે રાત્રે યહોવાએ મને જે કહ્યું છે તે હું તને કહું.” તેણે તેને કહ્યું, “કહે”. 17 શમુએલે કહ્યું, “તું તારી દષ્ટિમાં તુચ્છ જેવો હતો, તોપણ તને ઇઝરાયલનાં કુળોનો સર્વોપરી બનાવવામાં આવ્યો નહિ શું? અને યહોવાએ તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો, 18 અને યહોવાએ તને સવારીએ મોકલતાં કહ્યું, ‘જા, તે પાપિષ્ઠ અમાલેકીઓનો પૂરેપૂરો નાશ કર, ને તેઓ નાબૂદ થાય ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર.’ 19 તો યહોવાનું કહેવું તેં કેમ માન્યું નહિ, પણ લૂટ કરવા તૂડી પડ્યો, ને યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું?” 20 શાઉલે શમુએલને કહ્યું, “મેં યહોવાની વાણી માની છે, ને જે માર્ગે યહોવાએ મને મોકલ્યો હતો તે [માર્ગે] હું ગયો છું. અમાલેકીઓના રાજા અગાગને હું પકડી લાવ્યો છું, ને અમાલેકીઓનો પૂરો નાશ કર્યો છે. 21 પણ તમારા ઈશ્વર યહોવા આગળ ગિલ્ગાલમાં યજ્ઞ કરવા માટે નાશનિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટાં તથા બળદો લોકોએ લૂટમાંથી રાખી મૂક્યાં.” 22 ત્યારે શમુએલે કહ્યું, “પોતાની વાણી પળાયાથી યહોવા, જેટલા રાજી થાય છે, તેટલા દહનીયાર્પણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો, યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારું છે, અને ઘેટાંની ચરબી કરતાં [વચન] માનવું [સારું] છે. 23 કેમ કે વિરોધ એ જોષ જોવાના પાપ જેવો છે, ને હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. તેં યહોવાનું વચન નકાર્યું છે, માટે યહોવાએ પણ તને રાજા તરીકે નકાર્યો છે.” 24 ત્યારે શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તમારાં વચનનું ઉલ્લંઘન કર્યું છે; કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું, માન્યું. 25 તો હવે કૃપા કરીને મારા પાપની ક્ષમા કરો, ને મારી સાથે પાછા ચાલો, કે હું યહોવાનું ભજન કરું.” 26 શમુએલે શાઉલને કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું; કેમ કે તેં યહોવાનું વચન નકાર્યું છે, અને યહોવાએ તને ઇઝરાયલના રાજા તરીકે નકાર્યો છે.” 27 જ્યારે શમુએલે જતાં રહેવાને પીઠ ફેરવી ત્યારે તેણે તેના ઝભ્ભાની કોર પકડી, એટલે તે ફાટી ગઈ. 28 શમુએલે તેને કહ્યું, “યહોવાએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે, ને તારો જે પડોશી તારા કરતાં સારો છે તેને તે આપ્યું છે. 29 વળી જે ઇઝરાયલનું સામર્થ્ય છે તે જૂઠું બોલશે નહિ, કે અનુતાપ કરશે નહિ; કેમ કેતે માણસ નથી કે તે અનુતાપ કરે.” 30 ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ તો કર્યું છે, તોપણ કૃપા કરીને હાલ મારા લોકોના વડીલોની આગળ તથા ઇઝરાયલની આગળ મારું માન રાખો, ને તમારા ઈશ્વર યહોવાનું હું ભજન કરું, માટે મારી સાથે પાછા આવો.” 31 તેથી શમુએલ ફરીને શાઉલની પાછળ પાછો ગયો; અને શાઉલે યહોવાનું ભજન કર્યું. 32 પછી શમુએલે કહ્યું, “અમાલેકીઓના રાજા અગાગને અહીં મારી પાસે લાવો.” અગાગ તેની પાસે ખુશીથી આવ્યો. અને અગાગે કહ્યું, “નિશ્ચે મરણની વેદના [ની બીક] વીતી ગઈ છે.” 33 શમુએલે કહ્યું, “જેમ તારી તરવારે સ્ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી મા પણ સ્ત્રીઓમાં પુત્રહીન થશે.” પછી શમુએલે ગિલ્ગાલમાં યહોવાની આગળ અગાગને કાપીને ટુકડા કર્યા. 34 ત્યાર પછી શમુએલ રામામાં ગયો; અને શાઉલ પોતાને ઘેર ગિબયામાં ગયો. 35 અને શમુએલ પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી મળવા ગયો નહિ. તો પણ શમુએલ શાઉલને માટે શોક કરતો હતો. અને શાઉલને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યાને લીધે યહોવાને અનુતાપ થયો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India