૧ શમુએલ 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પલિસ્તીઓ સામે યુદ્ધ 1 શાઉલે રાજ કરવા માંડ્યું ત્યારે તે [ત્રીસ] વર્ષની વયનો હતો. અને તેણે બે વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ કર્યું. 2 પછી શાઉલે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને ચૂંટી કાઢ્યા; તેમાંના બે હજાર શાઉલની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, ને એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા. અને બાકીના લોકોને તેણે પોતપોતાના તંબુએ મોકલી દીધા. 3 પછી યોનાથાને પલિસ્તીઓનું જે થાણું ગેબામાં હતું તેને માર્યું, ને પલિસ્તીઓએ તે વિષે સાંભળ્યું. પછી શાઉલે આખા દેશમાં રણશિંગડું વગડાવીને કહાવ્યું, “હિબ્રૂઓ, સાંભળો.” 4 અને શાઉલે પલિસ્તીઓના થાણાને માર્યું છે. વળી ઇઝરાયલ પણ પલિસ્તીઓની દષ્ટિમાં ધિક્કાર પાત્ર ગણાય છે એ સર્વ ઇઝરાયલીઓએ સાંભળ્યું; એટલે લોકો શાઉલ પાછળ ગિલ્ગાલમાં એકત્ર થયાં. 5 અને ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતીની જેમ લોકોને લઈને પલિસ્તીઓ ઇઝરાયલ સાથે લડવાને એકત્ર થયા. તેઓએ આવીને બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી નાખી. 6 ઇઝરાયલી માણસોએ જોયું કે અમે સંકટમાં આવી પડ્યા છીએ, [કેમ કે લોકો દુ:ખી હતા,] ત્યારે ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કોતરોમાં ને ખાડાઓમાં તે લોકો સંતાઈ ગયા. 7 હવે કેટલાક હિબ્રૂઓ યર્દન ઊતરીને ગાદ તથા ગિલ્યાદ દેશમાં ગયા હતા; પણ શાઉલ તો હજી સુધી ગિલ્ગાલમાં હતો, ને સર્વ લોક કાંપતા કાંપતા તેની પાછળ જતા હતા. 8 અને શમુએલે કરેલા વાયદા પ્રમાણે શાઉલે સાત દિવસ સુધી રાહ જોઈ, પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ. અને લોકો તો શાઉલની પાસેથી વિખેરાઈ જતા હતા. 9 ત્યારે શાઉલે કહ્યું, “દહનીયાર્પણ તથા શાંત્યાર્પણો અહીં મારી પાસે લાવો.” પછી તેણે દહનીયાર્પણ ચઢાવ્યું. 10 અને એમ બન્યું કે તે દહનીયાર્પણ કરી રહ્યો કે તરત શમુએલ આવ્યો. અને શાઉલ તેને મળીને સલામ કરવા માટે સામે ગયો. 11 શમુએલે પૂછ્યું, “તેં શું કર્યું છે?” શાઉલે કહ્યું, “મેં જોયું કે લોકો મારી પાસેથી વિખેરાઈ રહ્યા છે, વળી ઠરાવેલી મુદતની અંદર તમે આવ્યા નહિ, વળી પલિસ્તીઓ તો મિખ્માશ પાસે એક્ત્ર થયા છે. 12 માટે મેં કહ્યું કે, હવે પલિસ્તીઓ મારા પર ગિલ્ગાલમાં ધસી આવશે, ને મેં યહોવાને કૃપા કરવા માટે વિનંતી કરી નથી; તેથી મેં મારું મન મારીને દહનીયાર્પણ ચઢાવ્યું છે.” 13 ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તેં મૂર્ખાઈ કરી છે; તારા ઈશ્વર યહોવાએ તને જે આજ્ઞા આપી, તે તેં પાળી નથી, નહિ તો હમણાં યહોવાએ ઇઝરાયલ પર તારું રાજ્ય સદાને માટે સ્થાપી આપ્યું હોત. 14 પણ હવે તારું રાજ્ય કાયમ રહેશે નહિ; યહોવાએ પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે, ને યહોવાએ પોતાના લોક પર અધિકારી તરીકે તેની નિમણૂક કરી છે; કેમ કે યહોવાએ તને જે આજ્ઞા આપી તે તેં પાળી નથી.” 15 પછી શમુએલ ગિલ્ગાલ છોડીને બિન્યામીનના ગિબયામાં ગયો. શાઉલે પોતાની સાથે જે લોક હતા તેઓની ગણતરી કરી, તેઓ આસરે છસો માણસ હતા. 16 શાઉલ તથા તેનો દીકરો યોનાથાન તથા તેઓની સાથે જે લોકો હતા, તેઓ બિન્યામીનના ગેબામાં રહ્યા; પણ પલિસ્તીઓએ મિખ્માશમાં છાવણી નાખી. 17 અને પલિસ્તીઓની છાવણીમાંથી લૂટારાની ત્રણ ટોળી બહાર નીકળી:એક ટોળી ઓફ્રાને માર્ગે શૂઆલ દેશ તરફ વળી; 18 બીજી ટોળી બેથ-હોરોન તરફ વળી, અને ત્રીજી ટોળી, સબોઈમના નીચાણની સામે અરણ્ય તરફ જે સીમા છે, તે તરફ વળી. 19 હવે ઇઝરાયલના આખા દેશમાં એકે લુહાર મળતો નહોતો, કેમ કે પલિસ્તીઓ કહેતા હતા, “હિબ્રૂઓને પોતાને માટે તરવાર કે ભાલા બનાવવા ન દેવા.” 20 પણ સર્વ ઇઝરાયલી પોતાનાં ચવડાં, હળપૂણી, કુહાડીઓ તથા કોદાળીઓ ટીપાવવા પલિસ્તીઓ પાસે જતા; 21 તોપણ કોદાળીઓ, હળપૂળી, સેંતલા ને કુહાડીઓને માટે તથા આરો બેસાડવાને માટે તેઓની પાસે કાનસ તો હતી. 22 તેથી લડાઈને દિવસે એમ થયું કે જે સર્વ લોક શાઉલ તથા યોનાથાનની સાથે હતા, તેઓના હાથમાં તરવાર કે ભાલો કંઈ દેખાતું નહોતું. પણ શાઉલ તથા તેના દીકરા યોનાથાનના હાથમાં હતું. 23 પછી પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખ્માશના ઘાટ આગળ આવી પહોંચ્યું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India