Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી શમુએલે તેલની કુપ્‍પી લઈને તેમાંથી શાઉલના માથા પર તેલ રેડ્યું, ને તેને ચુંબન કરીને કહ્યું, “શુમ યહોવાએ પોતાના વતન પર અધિકારી થવા માટે તને અભિષિક્ત કર્યો નથી?

2 આજે મારી પાસેથી ગયા પછી બિન્યામીનની સીમમાં સેલસા પાસે રાહેલની કબર આગળ તને બે માણસ મળશે, તેઓ તને કહેશે કે, જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે તો મળ્યાં છે. અને જો, તારો પિતા ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે તો મળ્યાં છે. અને જો, તારો પિતા ગધેડાંની કાળજી કરવાનું છોડીને તમારે માટે ચિંતા કરતાં કહે છે, ‘મારા દીકરા સંબંધી હું શું કરું?’

3 પછી તું ત્યાંથી આગળ ચાલતાં તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે, ત્યાં એક જણ બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકી જતો, એક જણ ત્રણ રોટલી ઊંચકી જતો, ને એક જણ દ્રાક્ષારસની કૂંડી ઊંચકી જતો, એવા ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે.

4 તેઓ તને પ્રણામ કરીને બે રોટલી આપશે, તે તું તેઓના હાથમાંથી લેશે.

5 ત્યાર પછી ઈશ્વરનો પર્વત જ્યાં પલિસ્તીઓનું થાણું છે, ત્યાં તું આવશે; અને એમ થશે કે તું ત્યાં નગર પાસે પહોંચશે ત્યારે આગળ સિતાર, ડફ, વાંસણી ને વીણા વગાડનારા સહિત, પ્રબોધકોની એક મંડળી, ઉચ્ચસ્થાનેથી ઊતરતી તેની સામી મળશે, અને તેઓ પ્રબોધ કરતા માલૂમ પડશે.

6 એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તારા પર આવશે, ને તેઓની સાથે તું પણ પ્રબોધ કરશે, ને તું બદલાઈને જુદો જ માણસ થઈ જશે.

7 જ્યારે આ ચિહ્ન તને મળે ત્યારે એમ થાય કે તારે પ્રસંગનુસાર વર્તવું; કેમ કે ઈશ્વર તારી સાથે છે.

8 તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે; અને જુઓ, દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને હું તારી પાસે આવીશ. હું તારી પાસે આવીને તારે શું કરવું તે તને બતાવું ત્યાં સુધી, એટલે સાત દિવસ સુધી, તું થોભજે, ”

9 અને એમ થયું કે શમુએલ પાસેથી જવાને તેણે પીઠ ફેરવી કે તરત જ ઈશ્વરે તેને બીજું હ્રદય આપ્યું; અને તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરાં થયાં.

10 જ્યારે તેઓ પર્વત પાસે આવ્યા ત્યારે, જુઓ, પ્રબોધકોની મંડળી તેને મળી. અને ઈશ્વરનો આત્મા પરાક્રમસહિત તેના પર આવ્યો, ને તે તેઓની મધ્યે પ્રબોધ કરવા લાગ્યો.

11 અને એમ થયું કે જેઓ પ્રથમ તેને ઓળખતા હતા તે સઘળા લોકોએ જોયું કે, જુઓ, તે તો પ્રબોધકોની સાથે પ્રબોધ કરે છે, ત્યારે તેઓએ એકમેકને પૂછ્યું, “કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”

12 અને તે જ જગાના એક રહેવાસીએ ઉત્તર આપ્યો, “તેઓનો પિતા કોણ છે?” એ ઉપરથી એવી કહેવત ચાલી કે, “શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”

13 અને તે પ્રબોધ કરી રહ્યો ત્યાર પછી તે ઉચ્ચસ્થાને આવ્યો.

14 શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને પૂછ્યું, “તમે ક્યાં ગયા હતા?” તેણે કહ્યું, “ગધેડાંની શોધ કરવા; અને તે ન મળ્યાં એ જોઈને અમે શમુએલની પાસે ગયા હતા.”

15 શાઉલના કાકાએ કહ્યું, “શમુએલે તમને શું કહ્યું, એ કૃપા કરીને મને કહે.”

16 અને શાઉલે પોતાના કાકાને કહ્યું, “ગધેડાં મળ્યાં છે, એમ તેણે અમને સ્પષ્ટ કહ્યું, ” પણ રાજ્યની જે વાત વિષે શમુએલ બોલ્યો હતો તે સંબંધી તેણે તેને કહ્યું નહિ.


શાઉલનો રાજા તરીકે જાહેર સ્વીકાર

17 શમુએલે લોકોને બોલાવીને મિસ્પામાં યહોવાની સમક્ષ ભેગા કર્યા.

18 અને તેણે ઇઝરાયલી લોકોને કહ્યું, “ઇઝરાયલનો ઈશ્વર યહોવા આમ કહે છે કે, હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, ને મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારાં સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યા.

19 પણ તમારા ઈશ્વર જે પોતે તમારી સર્વ વિપત્તિઓમાંથી તથા તમારાં સંકટોમાંથી તમને છોડાવે છે તેમને આજે તમે નકાર્યા છે, ને તમે તેમને કહ્યું છે કે અમારા ઉપર રાજા ઠરાવી આપો, તો હવે તમારાં કુળો પ્રમાણે ને તમારા હજારો પ્રમાણે યહોવાની સમક્ષ હાજર થાઓ.”

20 એમ શમુએલ ઇઝરાયલનાં સર્વ કુળોને નજીક લાવ્યો, ત્યારે બિન્યામીનનું કુળ માન્ય થયું.

21 પછી બિન્યામીનના કુળને તેઓનાં કુટુંબોવાર તે નજીક લાવ્યો, ત્યારે માટ્રીનું કુટુંબ માન્ય થયું; પછી કીશનો દીકરો શાઉલ માન્ય થયો; પણ તેઓએ તેને શોધ્યો ત્યારે તે મળ્યો નહિ.

22 માટે તેઓએ યહોવાને વળી પૂછ્યું કે, તે માણસ હજી અહીં આવ્યો કે નહિ? ત્યારે યહોવાએ ઉત્તર આપ્યો, “જુઓ, તે સામાનમાં સંતાયેલો છે.”

23 તેઓ દોડતા ગયા, ને તેને ત્યાંથી લઈ આવ્યા; અને જ્યારે લોકોમાં તે ઊભો રહ્યો, ત્યારે તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકો કરતાં તરતો હતો.

24 શમુએલે સર્વ લોકોને કહ્યું, “યહોવાએ જેને પસંદ કર્યો છે તેને તમે જુઓ છો કે તેના જેવો સર્વ લોકોમાં બીજો કોઈ નથી.” ત્યારે સર્વ લોકોએ પોકાર કરીને કહ્યું, “રાજા ઘણું જીવો.”

25 પછી શમુએલે લોકોને રાજનીતિ કહી સંભળાવી. ને તે પુસ્તકમાં લખીને યહોવાની સમક્ષ તે રાખી મૂક્યું. પછી શમુએલે સર્વ લોકોને પોતપોતાને ઘેર વિદાય કર્યા.

26 શાઉલ પણ પોતાને ઘેર ગિબયામાં ગયો; અને જે શૂરવીરોનાં મન પર ઈશ્વરે અસર કરી હતી તેઓ પણ તેની સાથે ગયા.

27 પણ કેટલાએક નકામા માણસોએ કહ્યું, “આ તે અમારો શો બચાવ કરશે?” અને તેઓએ તેને તુચ્છ ગણ્યો, ને તેની પાસે કંઈ ભેટ લાવ્યા નહિ. તો પણ તે શાંત રહ્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan