Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


શીલોમાં એલ્કાના અને તેનું કુટુંબ

1 એફ્રાઈમના પહાડી પ્રદેશના રામાથાઈમ સોફીમનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું; તે એફ્રાઈમી સૂફના દીકરા તોહૂના દીકરા અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.

2 તેને બે પત્નીઓ હતી; એકનું નામ હાન્‍ના, ને બીજીનું નામ પનિન્‍ના. પનિન્‍નાને બાળકો હતાં; પણ હાન્‍નાને બાળકો નહોતાં.

3 આ માણસ વરસોવરસ પોતાના નગરમાંથી શીલોમાં સૈન્યના ઈશ્વર યહોવાનું ભજન કરવા માટે તથા યજ્ઞ કરવા માટે જતો હતો. અને એલીના બે દીકરા હોફની તથા ફીનહાસ યહોવાના યાજક હતા.

4 એલ્કાનાને યજ્ઞ કરવાનો દિવસ આવતો ત્યારે તે પોતાની પત્ની પનિન્‍નાને તથા તેનાં સર્વ દીકરાદીકરીઓને ભાગ વહેંચી આપતો;

5 પણ હાન્‍નાને તે બમણો ભાગ આપતો; કેમ કે તે હાન્‍ના પર [વધારે] પ્રેમ રાખતો હતો. પણ યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું.

6 યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું માટે તેને ખીજવવા માટે તેની શોક તેની બહુ ચીડવતી હતી.

7 જ્યારે તે યહોવાના મંદિરમાં જતી, ત્યારે વરસોવરસ તે [નો પતિ] એમ કરતો, માટે તે તેને ચીડવતી હતી; તેથી તે રડતી, ને ખાતી નહિ.

8 તેના પતિ એલ્કાનાએ તેને કહ્યું, “હાન્‍ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મન કેમ ઉદાસ રહે છે? દશ દીકરા કરતાં શું હું તને અધિક નથી?”


હાન્‍ના અને યાજક એલી

9 શીલોમાં તેઓ ખાઈપી રહ્યા પછી હાન્‍ના ઊઠી, હવે એલી યાજક યહોવાના મંદિરની બારસાખ પાસે પોતાના આસન પર બેઠેલો હતો.

10 હાન્‍નાનું દિલ બહુ દુખાતું હતું, ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી.

11 તેણે માનતા માનીને કહ્યું, “હે સૈન્યોના ઈશ્વર યહોવા, જો તમે આ તમારી દાસીના દુ:ખ સામું નક્‍કી જોશો, મને સંભારશો, ને તમારી દાસીને વીસરશો નહિ, પણ તમારી દાસીને દીકરો આપશો, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ, ને તેના માથા પર અસ્‍ત્રો કદી ફરશે નહિ.”

12 અને એમ થયું કે તે યહોવાની આગળ પ્રાર્થના કરવામાં તલ્‍લીન હતી, ત્યારે એલી તેના મોં તરફ તાકીને જોતો હતો.

13 હવે હાન્‍ના તો પોતાના મનમાં જ બોલતી હતી; માત્ર તેના હોઠ હાલતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. એથી એલીને એવું લાગ્યું, તે પીધેલી છે.

14 એલીએ તેને કહ્યું, “તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષારસ પીવાનું છોડી દે.”

15 હાન્‍નાએ ઉત્તર આપ્યો, “ના, મારા મુરબ્‍બી, હું દુ:ખી મનની સ્‍ત્રી છું. મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી, હું તો યહોવા આગળ મારું દિલ ઠાલવતી હતી.

16 તારી દાસીને બલિયાલ પુત્રી તરીકે ગણીશ નહિ, કેમ કે અતિશય દુ:ખ તથા કલેશને લીધે હું અત્યાર સુધી બોલી છું.”

17 ત્યારે એલીએ ઉત્તર આપ્યો, “શાંતિએ જા; તે ઇઝરાયલના ઈશ્વરની આગળ વિનંતી કરી છે, તે તે સાર્થક કરો.”

18 હાન્‍નાએ કહ્યું, “તારી દાસી પર તારી કૃપાદષ્ટિ થાઓ.” એમ તે સ્‍ત્રી પોતાના માર્ગે ચાલી ગઈ, અને તેણે ખાધું, ને ત્યાર પછી તેનું મુખ [ઉદાસ] રહ્યું નહિ.


શમુએલનો જન્મ અને તેનું અર્પણ

19 મોટી પરોઢે ઊઠીને તેઓએ યહોવાનું ભજન કર્યું, ને પાછાં વળીને તેઓ રામામાં પોતાને ઘેર આવ્યાં; અને એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો અનુભવ કર્યો; અને યહોવાએ તેને સંભારી.

20 દિવસો વીતતાં એમ થયું કે હાન્‍નાને ગર્ભ રહ્યો, ને તેને પુત્રનો પ્રસવ થયો. અને તેનું નામ તેણે શમુએલ પાડ્યું, કેમ કે [તેણે કહ્યું,] “મેં તેને યહોવા પાસેથી માગી લીધો છે.”

21 તે પછી એલ્કાના પોતાના આખા કુટુંબસહિત યહોવાની આગળ વાર્ષિક યજ્ઞ તથા પોતાની માનતા ચઢાવવા ગયો.

22 પણ હાન્‍ના ગઈ નહિ; કેમ કે તેણે પોતાના પતિને કહ્યું, “છોકરાને ધાવણ છોડાવ્યા પછી હું તેને લઈ જઈશ કે, તે યહોવાની સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે.”

23 અને તેનો પતિ એલ્કાનાએ તેને કહ્યું, “તને જે સારું લાગે તે કર; તું તેને ધાવણ છોડાવે ત્યાં સુધી અહીં રહે; એટલું જ કે યહોવા પોતાનું વચન પૂર્ણ કરો.” માટે તે સ્‍ત્રી ત્યાં રહી, ને તેણે પોતાના દીકરાનું ધાવણ છોડાવ્યું ત્યાં સુધી તેને ધવાડ્યો.

24 તેનું ધાવણ છોડાવ્યા પછી તેણે તેને પોતાની સાથે લીધો, અને ત્રણ વર્ષનો એક ગોધો, એક એફાહ આટો, ને એક કૂંડી દ્રાક્ષારસ પણ લીધો, ને શીલોમાં યહોવાના મંદિરમાં તે તેને લાવી. અને તે છોકરો નાનો હતો.

25 તેઓએ ગોધો કાપ્યો, પછી છોકરાને એલી પાસે લાવ્યા,

26 હાન્‍નાએ કહ્યું, “ઓ મારા મુરબ્‍બી, તારા જીવના સમ, મારા મુરબ્‍બી, જે સ્‍ત્રી યહોવાની પ્રાર્થના કરતી અહીં તારી પાસે ઊભી રહેલી તે હું છું.

27 આ છોકરા માટે હું પ્રાર્થના કરતી હતી. અને યહોવાને વિનંતી કરી તે તેમણે ફળીભૂત કરી છે:

28 માટે મેં પણ એને યહોવાને આપ્યો છે; તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે.” અને શમુએલ યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan