1 પિતર 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)બદલાયેલાં જીવનો 1 હવે ખ્રિસ્તે આપણે માટે દેહમાં દુ:ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને હથિયારબંધ થાઓ. કેમ કે જેણે દેહમાં [દુ:ખ] સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે; 2 કે જેથી તે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ગુજારે. 3 કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવાં કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે. તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં તથા ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં મગ્ન હતા. 4 આ બાબતમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે. 5 જીવતાંઓનો તથા મૂએલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે. 6 કેમ કે મૂએલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી કે જેથી દેહમાં રહેનાર માણસોના જેવો ન્યાય થયા પછી તેઓ ઈશ્વરના જેવા આત્મામાં જીવે. ઈશ્વરનાં દાનોના સારા કારભારીઓ 7 પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો. 8 વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ પાપના પુંજને ઢાંકે છે. 9 જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો. 10 દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું. 11 જો કોઈ બોધ કરે, તો તેણે ઈશ્વરનાં વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે [સેવા] કરવી. જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય. તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન. ખ્રિસ્તને માટે દુ:ખો સહન કરવાં 12 વહાલાંઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુ:ખ પડે છે, તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય, એમ સમજીને આશ્ચર્ય ન પામો. 13 પણ [એને બદલે] ખ્રિસ્તનાં દુ:ખોના તમે ભાગીદાર છો, એને લીધે હરખાઓ. જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. 14 જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે. કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે. 15 પણ ખૂની, દુષ્કર્મી, ચોર, અથવા [બીજા માણસોના કામમાં] ઘાલમેલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય. 16 પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ; પણ તે નામમાં તે ઈશ્વરની સ્તુતિ કરે. 17 કેમ કે ન્યાયકરણનો આરંભ ઈશ્વરની મંડળીમાં થાય, એવો સમય આવ્યો છે; અને જો આપણામાં તેનો આરંભ થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે? 18 અને જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણું ક્યાં પડશે? 19 માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખસહન કરે છે, તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્ન કરનારને સોંપી દે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India