Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 પિતર 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


જીવંત પથ્થર અને પવિત્ર પ્રજા

1 એ માટે સર્વ દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ તથા બધા પ્રકારની નિંદા દૂર કરીને,

2 નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો.

3 જેથી ( જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો) તે વડે તમે તારણ મેળવતાં સુધી વધો.

4 જે જીવંત પથ્થર છે, જેમને માણસોએ નકાર્યા હતા ખરા, પણ જે ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે,

5 તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.

6 કારણ કે શાસ્‍ત્રમાં લખેલું છે, “જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું. જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.”

7 માટે તમો વિશ્વાસ કરનારાઓને સારુ તે મૂલ્યવાન છે. પણ અવિશ્વાસીઓને માટે તો “જે પથ્થરને બાંધનારાઓએ નકાર્યો હતો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.”

8 અને “ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” તેઓ આજ્ઞા માનતા નથી, તેથી તેઓ વચન વિષે ઠોકર ખાય છે; એને માટે પણ તેઓ નિર્માણ થયા હતા.

9 પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.

10 તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હવે તમે ઈશ્વરની પ્રજા છો, તમે દયા પામેલા નહોતા, પણ હવે તમે દયા પામ્યા છો.


ઈશ્વરના ગુલામ

11 વહાલાઓ, હું તમને વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા, દૂર રહો.

12 અને વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં સારાં કામ જોઈને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.

13 તમે માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો:રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો.

14 વળી ભૂંડું કરનારાઓને દંડ કરવાને તથા સારું કરનારાઓનાં વખાણ કરવાને તેણે નીમેલા અધિકારીઓને તમે આધીન થાઓ.

15 કેમ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારું કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનતા [ની વાતો] ને તમે બંધ પાડો.

16 સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવાને માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ ઈશ્વરના સેવકોને શોભે તેમ વર્તો.

17 તમે સર્વને માન આપો. બંધુમંડળ પર પ્રેમ રાખો. ઈશ્વરનું ભય રાખો. રાજાનું સન્માન કરો.


ઈશ્વરના દુ:ખનો નમૂનો

18 ચાકરો, તમે પુરું ભય રાખીને તમારા માલિકોને આધીન થાઓ. માત્ર જેઓ ભલા તથા માયાળુ છે તેઓને જ નહિ, પણ વળી જેઓ કડક છે તેમને પણ આધીન થાઓ.

19 કેમ કે જો કોઈ માણસ ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુ:ખ સહે છે, તો તે [ઈશ્વરની નજરમાં] પ્રશંસાપાત્ર છે.

20 કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો સહન કરો છો, તેઓ તેમાં પ્રશંસાપાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુ:ખ ભોગવો છો, ત્યારે જો તે સહન કરો છો, તો એ ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે.

21 કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે; કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેમને પગલે ચાલો, માટે તેમણે તમોને નમૂનો આપ્યો છે.

22 તેમણે કંઈ પાપ કર્યું નહિ, અને તેમના મોંમાં કદી કંઈ કપટ માલૂમ પડયું નહિ.

23 તેમણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ. દુ:ખો સહન કરીને ધમકી આપી નહિ, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા.

24 લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયીપણા સંબંધી જીવીએ; તેમના ઘાથી તમે સાજા થયા.

25 કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા; પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan