૧ રાજા 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મંદિર બાંધવા સુલેમાનની તૈયારી ( ૨ કાળ. ૨:૧-૧૮ ) 1 અને તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તેઓએ તેને તેના પિતા દાઉદને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો છે; કેમ કે હીરામ હંમેશા દાઉદ પર પ્રેમ રાખતો હતો. 2 સુલેમાને હીરામ પાસે માણસ મોકલીને કહાવ્યું, 3 “તમે જાણો છો કે, મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેઓને જ્યાં સુધી યહોવાએ તેમના પગનાં તળિયાં નીચે નાખ્યાં નહિ, ત્યાં સુધી તેમને લીધે ને પોતાના ઈશ્વર યહોવાના નામને અર્થે તે મંદિર બાંધી શક્યા નહિ. 4 પણ હવે મારા ઈશ્વર યહોવાએ મને ચારે તરફ શાંતિ આપી છે; કોઈ શત્રુ નથી કે, કંઈ આપત્તિ નથી. 5 તેથી જેમ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું હતું, ‘તારા જે પુત્રને હું તારે સ્થાને તારા રાજ્યાસન પર બેસાડીશ તે મારા નામને અર્થે ઘર બાંધશે, ’ તે પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાના નામને અર્થે ઘર બાંધવાનો ઇરાદો રાખું છું. 6 માટે હવે મારે માટે લબાનોન પરથી એરેજવૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. મારા ચાકરો તમારા ચાકરોની સાથે રહેશે. અને તમે જે પ્રમાણે કહેશો તે પ્રમાણે હું તમને તમારા ચાકરોનું વેતન આપીશ; કેમ કે તમે જાણો છો કે, અમારામાં સિદોનીઓના જેવા ચતુર લાકડાં કાપનાર માણસ કોઈ નથી.” 7 હીરામે સુલેમાનની એ વાત સાંભળી ત્યારે એમ થયું કે તે ઘણો હરખાયો. તેણે કહ્યું, “આજે યહોવાને ધન્ય હો જો કે તેમણે આ મહાન પ્રજા પર [રાજ કરવા] દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.” 8 હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું. “જે [સંદેશો] તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી બધી ઇચ્છા પ્રમાણે કરીશ. 9 મારા ચાકરો તે લબાનોન પરથી સમુદ્રકાંઠે ઉતારી લાવશે, અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્ર માર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ, ને ત્યાં [લાવીને] તે છોડી નંખાવીશ, પછી તમે તે ત્યાંથી લઈ જજો, અને તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.” 10 એમ હીરામે સુલેમાનને તેની ઈચ્છા પ્રમાણે એરેજવૃક્ષનાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં. 11 અને સુલેમાને હીરામના ઘરનાંને ખોરાકી બદલ વીસ હજાર માપ ઘઉં ને વીસ માપ ચોખ્ખું તેલ આપ્યું. સુલેમાન વરસોવરસ હીરામને એ પ્રમાણે આપતો. 12 અને યહોવાએ સુલેમાનને વચન આપ્યું હતું, તે પ્રમાણે તેણે તેને જ્ઞાન આપ્યું. અને હીરામ તથા સુલેમાનની વચ્ચે સલાહસંપ હતો. અને તે બંન્નેએ અરસપરસ કરાર કર્યો. 13 સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી વેઠ કરનારું લશ્કર ઊભું કર્યું. તે લશ્કર ત્રીસ હજાર માણસનું હતું. 14 તે તેઓમાંથી વારા પ્રમાણે દર માસે દશ હજારને લબાનોન મોકલતો હતો. તેઓ એક માસ લબાનોનમાં ને બે માસ ઘેર રહેતા; એ વેઠ કરનારા લશ્કરનો ઉપરી અદોનીરામ હતો. 15 સુલેમાનને સિત્તેર હજાર વૈતરા હતા, ને પર્વત પર પથ્થર ખોદનાર એંસી હજાર હતા. 16 એ ઉપરાંત સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનાર તથા કામ કરનાર મજૂરો પર અધિકાર ચલાવનાર ત્રણ હજાર ત્રણસો મુકાદમો હતા. 17 રાજાએ આપેલી આજ્ઞા પ્રમાણે, ઘડેલા પથ્થરથી મંદિરનો પાયો નાખવા માટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતા હતા. 18 અને સુલેમાનના સલાટો ને હીરામના સલાટો તથા ગબાલીઓ તે ઘડતા હતા, ને મંદિર બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India