૧ રાજા 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)નાબોથની દ્રાક્ષાવાડી 1 એ બિનાઓ પછી એમ થયું કે યિઝ્એલી નાબોથની એક દ્રાક્ષાવાડી હતી, તે યિઝ્એલમાં સમરુનના રાજા આહાબના મહેલ પાસે હતી. 2 આહાબે નાબોથ પાસે એવી માગણી કરી, “મારે માટે શાકવાડી બનાવવા તારી દ્રાક્ષાવાડી મને આપ, કેમ કે તે મારા ઘરની પાસે છે. અને તેને બદલે હું તને તે કરતાં સારી દ્રાક્ષાવાડી આપીશ. અથવા જો તને ઠીક લાગે તો હું તને તેના મૂલ્યના પૈસા આપીશ.” 3 અને નાબોથે આહાબને કહ્યું, “હું મારા પિતૃઓનું વતન તને આપું એવું યહોવા ન થવા દો.” 4 અને યિઝ્એલી નાબોથે જે વચન આહાબ રાજાને કહ્યું હતું તેને લીધે તે ઉદાસ તથા નારાજ થઈને પોતાના ઘરમાં આવ્યો, કેમ કે નાબોથે કહ્યું હતું, “હું મારા પિતૃઓનું વતન તને નહિ આપું.” અને તેણે પોતાના પલંગ પર સૂઈ જઈને પોતાનું મુખ અવળું ફેરવ્યું, ને રોટલી ન ખાવાની હઠ લીધી. 5 પણ તેની પત્ની ઇઝબેલે તેની પાસે આવીને તેને કહ્યું, “તમારો આત્મા આટલો બધો ઉદાસ કેમ છે કે, તમે રોટલી પણ ખાતા નથી?” 6 અને આહાબે કહ્યું, “કારણ મેં યિઝ્એલી નાબોથને કહ્યું ‘પૈસા લઈને તારી દ્રાક્ષાવાડી તું મને આપ, અથવા જો તારી ઇચ્છા હોય તો હું તને તે બદલ બીજી દ્રાક્ષાવાડી આપું.’ પણ તેણે કહ્યું, ‘હું તને મારી દ્રક્ષાવાડી નહિ આપું.’” 7 અને તેની પત્ની ઇઝબેલે તેને કહ્યું “તમે ઇઝરાયલનું રાજ ચલાવો છો કે નહિ? ઊઠો, ને રોટલી ખાઓ, ને મનમાં મગ્ન થાઓ; હું તમને યિઝ્એલી નાબોથની દ્રાક્ષાવાડી આપીશ.” 8 માટે તેણે આહાબને માટે પત્ર લખ્યા, ને તે પર તેની મુદ્રાથી મુદ્રા કરી ને નાબોથના નગરમાં જે વડીલો તથા આગેવાનો તેની સાથે રહેતા હતા, તેમના પર તે પત્રો મોકલ્યા. 9 તેણે તે પત્રોમાં એવું લખ્યું હતું, “ઉપવાસનો ઢંઢેરો પિટાવીને નાબોથને લોકોની આગળ પ્રમુખસ્થાને બેસાડજો. 10 અને બલિયાલના બે માણસોને તેની આગળ બેસાડજો, ને તેઓ તેની વિરુદ્ધ એવી સાક્ષી પૂરે કે, ’તેં ઈશ્વરને તથા રાજાને શાપ દીધો છે.’ પછી તેને બહાર લઇ જઈને પથ્થરે એવો મારજો કે, તે મરી જાય.” 11 તેના નગરના માણસોએ, એટલે જે વડીલો તથા આગેવાનો તેના નગરમાં રહેતા હતા, તેઓએ જેમ ઇઝબેલે તેઓને સંદેશો મોકલ્યો હતો, એટલે તેણે તેઓ પર મોકલેલા પત્રોમાં લખ્યું હતું, તે પ્રમાણે કર્યું. 12 તેઓએ ઉપવાસનો ઢંઢેરો પિટાવીને નાબોથને લોકોના પ્રમુખ સ્થાને બેસાડ્યો. 13 અને પેલા બે બલિયાલના માણસો અંદર આવીને તેની આગળ બેઠા. અને તે બલિયાલના માણસોએ તેની વિરુદ્ધ, એટલે નાબોથની વિરુદ્ધ, લોકોની આગળ એવી સાક્ષી પૂરી, “નાબોથે ઈશ્વરને તથા રાજાને શાપ દીધો છે.” પછી તેઓએ તેને નગરની બહાર લઈ જઈને તેને પથ્થરે એવો માર્યો કે તે મરી ગયો. 14 પછી તેઓએ ઇઝબેલેને કહાવી મોકલ્યું, ”નાબોથને પથ્થરે મારવામાં આવ્યો છે, ને તે મરી ગયો છે.” 15 જ્યારે ઇઝબેલે સાંભળ્યું કે, નાબોથને પથ્થરે મારવામાં આવ્યો છે ને તે મરી ગયો છે. ત્યારે ઇઝબેલે આહાબને કહ્યું, “ઊઠ, ને યિઝ્એલી નાબોથની દ્રાક્ષાવાડી, જે તે પૈસા લઈને આપવાની ના પડતો હતો તેનો કબજો લે, કેમ કે નાબોથ જીવતો નથી, પણ મરણ પામ્યો છે.” 16 આહાબે સાંભળ્યું કે નાબોથ મારણ પામ્યો છે, ત્યારે એમ થયું કે આહાબ, યિઝ્એલી નાબોથની દ્ક્ષાવાડીનો કબજો લેવા માટે ત્યાં જવા ઊઠ્યો. 17 અને યહોવાનું વચન તિશ્બી એલિયા પાસે આવ્યું, 18 “તું ઊઠીને સમરુનમાં રહેનાર ઇઝરાયલના રાજા આહાબને મળવા જા. જો તે નાબોથની દ્રાક્ષાવાડીમાં છે, જ્યાં તે તેનો કબજો લેવા ગયેલો છે. 19 અને તેને તું આમ કહે જે કે યહોવા કહે છે કે, તેં ખૂન કરીને કબજો પણ લીધો છે?’ વળી તું તેને કહે જે કે, યહોવા એમ કહે છે કે, જ્યાં કૂતરાંએ નાબોથનું રક્ત ચાટ્યું, તે જ જગામાં કૂતરાં તારું, હા, તારું રક્ત ચાટશે.’” 20 અને આહાબે એલિયાને કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો છે?” એલિયાએ ઉત્તર આપ્યો, “હા, મેં તને શોધી કાઢ્યો છે. કારણ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું છે તે કરવા માટે તેં પોતાને વેચ્યો છે. 21 જો, હું તારા પર આપત્તિ લાવીશ, ને તારો છેક વિનાશ કરીશ, અને હું આહાબના દરેક પુત્રનો, ઇઝરાયલમાંના દરેક બંદીવાનનો તેમ જ છૂટા રહેલાનો, નાશ કરીશ. 22 અને તેં મને કોપ ચઢાવ્યો છે તે કોપને લીધે, ને તેં ઇઝરાયલની પાસે પાપ કરાવ્યું છે તેને લીધે હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘરની માફક, ને અહિયાના દીકરા બાશાના ઘરની માફક કરી નાખીશ. 23 ઇઝબેલ વિષે પણ યહોવાએ એમ કહ્યું છે કે, યિઝ્એલના કોટ પાસે કૂતરાં ઇઝબેલને ખાશે. 24 નગરમાં આહાબનું જે કોઈ મરશે તેને કૂતરા ખાશે અને જે કોઈ ખેતરમાં મરશે તેને વયુચર પક્ષીઓ ખાશે.” 25 (પણ આહાબ જેણે પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરવાને માટે પોતાને વેચ્યો હતો, તેના જેવો તો કોઈ જ નહોતો. 26 વળી અમોરીઓ જેઓને યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી હાંકી કાઢ્યા હતા, તેઓનાં સર્વ કૃત્યો પ્રમાણે મૂર્તિઓની ઉપાસના કરવામાં તેણે ઘણું જ ધિક્કારપાત્ર આચરણ કર્યું.) 27 આહાબે એ વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને પોતાના અંગ પર ટાટ પહેર્યું, ને ઉપવાસ કર્યો, ને ટાટ ઓઢીને સૂતો ને મંદ ગતિએ ચાલવા લાગ્યો. 28 અને યહોવાનું વચન તિશ્બી એલિયાની પાસે એવું આવ્યું, 29 “આહાબ મારી આગળ કેવો દીન થઈ ગયો છે, તે તું જુએ છે કે નહિ? તે મારી આગળ દીન થઈ ગયો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહિ લાવું, પણ તેના દીકરાના દિવસોમાં તેના ઘર પર હું એ આપત્તિ લાવીશ.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India