Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


એલિયા અને દુકાળ

1 ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”

2 અને યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું,

3 “તું અહીથી જા, ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરીથ નાળા પાસે સંતાઈ રહે.

4 અને એમ થશે કે, તું નાળામાંથી [પાણી] પીશે, અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે.”

5 એથી તે ગયો, ને યહોવાના કહેવા પ્રમાણે તેણે કર્યું, કેમ કે તે જઈને યર્દન સામેના કરીથ નાળા પાસે રહ્યો.

6 અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા. અને નાળામાંથી તે [પાણી] પીતો.

7 કેટલીક મુદત પછી એમ થયું કે, તે નાળું સુકાઈ ગયું, કેમ કે દેશમાં વરસાદ વરસ્યો ન હતો.


એલિયા અને સારફતની વિધવા

8 પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી,

9 “તું ઊઠ, ને સિદોનના સારફતમાં જઈને ત્યાં રહે; જો, મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે.”

10 તેથી તે ઊઠીને સારફત ગયો. તે નગરના દરવાજા આગળ તે આવ્યો ત્યારે, જુઓ, એક વિધવા સ્ત્રી લાકડાં વીણતી હતી. તેણે એને હાંક મારીને કહ્યું, “કૃપા કરીને મારે પીવા માટે વાસણમાં થોડું પાણી લઈ આવો”

11 અને તે પાણી લાવવા જતી હતી, એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું, “કૃપા કરીને મારે માટે તમારા હાથમાં ટુકડો રોટલી [પણ] લેતા આવજોને.”

12 ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “તમારા ઈશ્વર યહોવાના જીવના સમ કે, મારી પાસે એકે રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેંદો ને કૂંડીમાં થોડું તેલ છે; અને જુઓ, હું થોડાક લાકડાં વીણું છું કે, ઘેર જઈને હું મારે માટે તથા મારા દીકરાને માટે તે પકાવું કે, અમે તે ખાઈને પછીથી મરી જઈએ.”

13 એલિયાએ તેમને કહ્યું, “બીશો નહિ, જઈને તમારા કહેવા પ્રમાણે કરો. તોપણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવો, પછી તમારા માટે તથા તમારા દીકરાને માટે કરજો.

14 કેમ કે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કહે છે, ‘જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ, ત્યાં સુધી માટલીમાંનો મેંદો થઈ રહેશે નહિ ને કૂંડીમાંનું તેલ ખૂટી જશે નહિ.’”

15 અને તેણે જઈને એલિયાના કહેવા પ્રમાણે કર્યું અને એલિયાએ, તે સ્ત્રીએ તથા તેના ઘરનાંએ [ઘણા] દિવસો સુધી ખાધું.

16 યહોવા પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો મેંદો થઈ રહ્યો નહિ, ને કૂંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ.

17 એ બિનાઓ પછી એમ બન્યું કે, તે સ્ત્રીનો, એટલે તે ઘરની માલિકણનો, દીકરો માંદો પડ્યો. અને તેની માંદગી એટલી ભારે હતી કે આખરે તેનો શ્વાસ બંધ પડી ગયો.

18 તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, તમારે મારી વિરુદ્ધ શું છે? શું તમે મારા અપરાધનું સ્મરણ કરાવવા, તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યા છો?”

19 એલિયાએ તેને કહ્યું, “તમારો દીકરો મને આપો.” એલિયાએ છોકરાને સ્ત્રીની ગોદમાંથી લીધો, ને જે ઓરડીમાં પોતે રહેતો હતો ત્યાં તેને [માળ] પર લઈ જઈને પોતાના પલંગ પર સુવાડ્યો.

20 તેણે યહોવાને વિનંતી કરી, “હે મારા ઈશ્વર યહોવા, જે વિધવાને ત્યાં હું ઊતરેલો છું, તેના દીકરાને મારી નાખીને તેના પર પણ તમે આપત્તિ લાવ્યા કે?”

21 પછી તેણે તે છોકરા પર ત્રણ વખત લાંબા થઈને યહોવાને વિનંતી કરી, “હે મારા ઈશ્વર યહોવા, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો અવવા દો.”

22 અને યહોવાએ એલિયાની વિનંતી સાંભળી. અને છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો, ને તે જીવતો થયો.

23 અને એલિયા છોકરાને લઈને [માળ પરની] ઓરડીમાંથી નીચે ઘરમાં લાવ્યો, ને તેને એની માને સોંપ્યો. અને એલિયાએ કહ્યું, “જુઓ, તમારો છોકરો જીવતો છે.”

24 તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હવે હું જાણું છું કે તમે ઈશ્વરભક્ત છો, ને તમારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan