Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ભાઈની વિરુદ્ધ કોર્ટમાં ન જાઓ

1 તમારામાંના કોઈને બીજા કોઈની સાથે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતાં શું અધર્મીઓની આગળ ન્યાય માગવા જવાની હિંમત ચલાવે?

2 સંતો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? જો તમે જગતનો ન્યાય કરશો, તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને લાયક નથી?

3 આપણે દૂતોનો ન્યાય કરીશું, એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો [ન્યાય કરવાને] શું આપણે [લાયક નથી] છીએ?

4 માટે જો તમારે આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરાવવાનો હોય તો મંડળીમાં જેઓ કંઈ વિસાતમાં નથી તેઓને તે ન્યાય ચૂકવવાને બેસાડો છો?

5 હું તમને શરમાવવાને કહું છું. શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે, એવો તમારામાં એકે ની માણસ નથી?

6 પણ ભાઈ ભાઈ પર ફરિયાદ કરે છે; અને તે વળી અવિશ્વાસીઓની આગળ!

7 હાલ આ તમારામાં ખરેખરી ખોડ છે કે, તમે એકબીજા પર ફરિયાદ કરો છો. એમ [કરવા] કરતાં તમે પોતે કેમ અન્યાય સહન કરતા નથી? અને નુકશાન કેમ વેઠતા નથી?

8 ઊલટું તમે પોતે અન્યાય કરો છો, તથા [બીજાનું] પડાવી લો છો, અને તે વળી [તમારા] ભાઈઓનું!

9 શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ,

10 ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.

11 વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.


ઈશ્વરના મહિમા માટે શરીરનો ઉપયોગ

12 બધી વસ્તુઓની મને છૂટ છે. પણ બધી લાભકારી નથી. બધી વસ્તુઓની મને છૂટ છે, પણ હું કોઈને આધીન થવાનો નથી.

13 અન્‍ન પેટને માટે અને પેટ અન્‍નને માટે છે. પણ ઈશ્વર તે બન્‍નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નથી, પણ પ્રભુને માટે છે; અને પ્રભુ શરીરને માટે.

14 ઈશ્વરે પ્રભુને ઉઠાડયા, તેમ જ પોતાના સામર્થ્યથી તે આપણને પણ ઉઠાડશે.

15 તમારાં શરીર ખ્રિસ્તના અવયવો છે, એ શું તમે નથી જાણતા? વારું ત્યારે, શું હું ખ્રિસ્તના અવયવોને લઈને તેમને વેશ્યાના અવયવો બનાવું? એમ ન થાઓ.

16 શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે [તેની સાથે] એક શરીર થાય છે? કેમ કે [ઈશ્વર] કહે છે, “એ બન્‍ને એક દેહ થશે.”

17 પણ પ્રભુની સાથે જે જોડાય છે તે [તેમની સાથે] એક આત્મા થાય છે.

18 વ્યભિચારથી નાસો. માણસ જે કંઈ [બીજાં] પાપ કરે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.

19 તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી.

20 કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા; તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan