1 કરિંથીઓ 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મંડળીમાં વ્યભિચારી સામે પગલાં 1 ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે. 2 એમ છતાં એ બાબતમાં શોક કર્યાને બદલે તમે તો અભિમાની થયા છો! જેણે એ કામ કર્યું તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો. 3 કેમ કે હું તો શરીરે ગેરહાજર છતાં, આત્માએ હાજર હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં તેમ એ કામ કરનારનો ન્યાય કરી ચૂક્યો છું 4 કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત, તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, 5 તમારે એવા માણસને દેહના નાશને માટે શેતાનને સોંપવો કે, જેથી પ્રભુ ઈસુના દિવસમાં [તેનો] આત્મા તારણ પામે. 6 તમે અભિમાન રાખો છો તે શોભતું નથી. થોડું ખમીર આખા લોંદાને ફુલાવે છે, તે શું તમે નથી જાણતા? 7 તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા લોંદારૂપ થઈ જાઓ. કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ [આપણી વતી] આપવામાં આવ્યું છે. 8 એ કારણથી આપણે એ પર્વ જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહિ, પણ નિખાલસપણાની તથા સત્યની બેખમીર રોટલીથી પાળીએ. 9 મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો. 10 આ જગતના વ્યભિચારીઓ, લોભીઓ, જુલમીઓ કે મૂર્તિભક્તોની સોબત તદ્દન ન કરો એમ તો નહિ, કેમ કે એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે. 11 પણ હમણાં હું તમને લખી જણાવું છું કે, જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ અને એવાની સાથે [બેસીને] ખાવું પણ નહિ. 12 કેમ કે બહારનાઓનો ન્યાય કરવાનું મારે શું કામ છે? જેઓ [મંડળી] ની અંદરના છે તેઓનો ન્યાય તમે નથી કરતાં શું? 13 પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે. તો તમે તમારામાંથી તે દુષ્ટને દૂર કરો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India