Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ખ્રિસ્તના પ્રેરિતો

1 દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા ઈશ્વરના મર્મોના કારભારીઓ ગણવા.

2 વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરનું છે.

3 પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરે, એની મને ખાસ પરવા નથી. વળી હું જાતે પણ મારો પોતાનો ન્યાય કરતો નથી.

4 જો કે હું પોતાને કોઈ પણ વાતમાં દોષિત જાણતો નથી, તોપણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તે પ્રભુ છે.

5 માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ નિર્ણય ન કરો. કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે, અને હ્રદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને તે સમયે દરેકનાં વખાણ ઈશ્વર તરફથી થશે.

6 હવે, ભાઈઓ, તમારે માટે મેં એ વાતો દ્દષ્ટાંતરૂપે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારા દાખલા પરથી શીખો કે જે લખેલું છે તેની હદ ઓળંગીને જવું નહિ, અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ ન મારે

7 કેમ કે તને કોણ જુદાં પાડે છે? અને તને પ્રાપ્ત થયું ન હોય એવું તારી પાસે શું છે? પણ જો તે તને પ્રાપ્ત થયું હોય, તો પ્રાપ્ત ન થયું હોય, એમ તું કેમ અભિમાન કરે છે?

8 તમે કયારનાયે તૃપ્ત થઈ ગયા છો, ‍ શ્રીમંત થયા છો, અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી ઇચ્છા એવી છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ.

9 કેમ કે મને તો એમ લાગે છે કે હવે ઈશ્વરે સહુથી છેલ્લા અમને પ્રેરિતોને મરણદંડ પામનારાના જેવા આગળ ધર્યા છે, કેમ કે અમે જગતની, દૂતોની તથા માણસોની નજરે તમાશા જેવા થયા છીએ.

10 અમે તો ખ્રિસ્તને લીધે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે અબળ, પણ તમે બળવાન; તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા [છીએ].

11 છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા ઉઘાડા છીએ, અને ધકકા ખાઈએ છીએ, અને અમારી પાસે રહેવાને ઘરબાર નથી.

12 વળી અમે અમારે પોતાને હાથે મહેનત કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશીર્વાદ દઈએ છીએ. સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ.

13 તુચ્છકારાયેલા છતાં આજીજી કરીએ છીએ, અમે હજી સુધી જગતના ક્ચરા સરખા તથા સર્વના મેલ જેવા છીએ.

14 હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી, પણ તમને મારાં પ્રિય બાળકો જાણીને બોધ કરું છું.

15 કેમ કે જો કે ખ્રિસ્તમાં તમને દશ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણા પિતા નથી. કેમ કે સુવાર્તાદ્ધારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા થયો છું.

16 એ માટે હું તમને વિનંતી કરું છું કે, મારા અનુયાયી થાઓ.

17 એ કારણથી મેં તમારી પાસે તિમોથીને મોકલ્યો છે. તે પ્રભુમાં મારું પ્રિય તથા વિશ્વાસુ બાળક છે. જેમ હું બધે દરેક મંડળીમાં શીખવું છું તેમ ખ્રિસ્તમાં મારું વર્તન કેવું છે તે તમને તે યાદ દેવડાવશે.

18 જાણે હું તમારી પાસે આવવાનો ન હોઉં, એવું સમજીને કેટલાક અભિમાની થઈ ગયા છે.

19 પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ.

20 કેમ કે ઈશ્વરનું રાજય બોલવામાં નથી, પણ સામર્થ્યમાં છે.

21 તમારી શી ઈચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું કે, પ્રેમથી તથા નમ્રતાથી આવું?

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan