Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વરના સહકાર્યકરો

1 ભાઈઓ, જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરું તેમ તમારી સાથે હું વાત કરી શક્યો નહિ, પણ જેમ સાંસારિકોની સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે તેમ [મેં વાત કરી].

2 મેં તમને દૂધથી પાળ્યા છે, અન્‍નથી નહિ; કેમ કે હજુ સુધી તમે સમર્થ નહોતા, અને હમણાં પણ સમર્થ નથી;

3 કેમ કે તમે હજી સાંસારિક છો, કેમ કે તમારામાં ઈર્ષા તથા કજિયા છે, માટે શું તમે સાંસારિક નથી, અને [સાંસારિક] માણસોની જેમ વર્તતા નથી?

4 કેમ કે જ્યારે એક કહે છે, “હું પાઉલનો છું”; અને બીજો કહે છે, “હું આપોલસનો છું.” ત્યારે તમે માણસ [ની જેમ બોલતા] નથી?

5 તો આપોલાસ કોણ છે? અને પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો; જેમ દરેકને પ્રભુએ [દાન] આપ્યું તેમ [તેઓએ સેવા કરી].

6 મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે વૃદ્ધિ આપી.

7 એ માટે રોપનાર કંઈ નથી, ને પાનાર [પણ] કંઈ નથી; પણ વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ [સર્વસ્વ] છે.

8 હવે રોપનાર તથા પાનાર એક છે; પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે.

9 કેમ કે અમે ઈશ્વર [ના સેવક હોઈને] સાથે કામ કરનારા છીએ. તમે ઈશ્વરની ખેતી, ઈશ્વરની ઈમારત છો.

10 ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્‍ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે, અને તેના પર બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે. તે વિષે દરેકે સાવધ રહેવું.

11 કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી.

12 પણ જો આ પાયા પર કોઈ સોનું, રૂપું, મૂલ્યવાન પાષાણ, કાષ્ટ, ઘાસ કે ખૂંપરા બાંધે,

13 તો દરેકનું કામ [કેવું છે તે] પ્રગટ કરવામાં આવશે. કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે.

14 કોઈએ તે [પાયા] પર જે બાંધકામ કર્યું હશે, તે જો ટકશે તો તેને બદલો મળશે.

15 જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકશાન થશે; પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.

16 તમે ઈશ્વરનું મંદિર છો, અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી?

17 જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે, કેમ કે ઈશ્વરનું મંદિર પવિત્ર છે, અને તે [મંદિર] તમે છો.

18 કોઈ પોતાને ન ભુલાવે, જો આ સમયમાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની ધારતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું.

19 કેમ કે આ જગતનું ન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે, “તે જ્ઞાનીઓને તેઓની પક્કાઈમાં સપડાવે છે;”

20 અને વળી, “જ્ઞાનીઓના વિચાર વ્યર્થ છે, એમ પ્રભુ જાણે છે.”

21 તો કોઈ માણસે માણસો વિષે અભિમાન ન કરવું. કેમ કે સર્વ વાનાં તમારાં છે.

22 પાઉલ કે આપોલસ કે કેફા કે જગત કે જીવન કે મરણ કે વર્તમાનનાં કે ભવિષ્યનાં વાનાં, એ સર્વ તમારાં છે.

23 અને તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત ઈશ્વરના છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan