1 કરિંથીઓ 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રેમનો સર્વોત્તમ માર્ગ 1 જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. 2 જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી. 3 જો કે હું [દરિદ્રીઓનું] પોષણ કરવા માટે, મારી સર્વ સંપત્તિ આપી દૂઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોપું, પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશો લાભ નથી. 4 પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે. પ્રેમ અદેખાઈ કરતો નથી, પ્રેમ આપવડાઈ કરતો નથી, ફુલાઈ જતો નથી, 5 અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ [હિત] જોતો નથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી; 6 અન્યાયમાં હરખાતો નથી, પણ સત્યમાં હરખાય છે. 7 બધું ખમે છે, બધું ખરું માને છે, બધાની આશા રાખે છે, બધું સહન કરે છે. 8 પ્રેમ કદી ખૂટતો નથી. પણ ભવિષ્ય [ભાખવાનું] દાન હોય તો તે લોપ થશે; ભાષાઓ હોય, તો તેઓનો અંત આવશે; વિદ્યા હોય તો તે જતી રહેશે. 9 કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે, અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ. 10 પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. 11 જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની જેમ બોલતો હતો, બાળકની જેમ વિચારતો હતો, બાળકની જેમ સમજતો હતો. પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે. 12 કેમ કે હમણાં આપણે [જાણે કે] દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર જોઈશું. હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ મને [ઈશ્વર પૂર્ણ રીતે] જાણે છે તેમ [હું પૂર્ણ રીતે] જાણીશ. 13 હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે; પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India