Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જેમ હું ખ્રિસ્તને [અનુસરનારો છું] , તેમ તમે મને અનુસરનારા થાઓ.


ભક્તિસભામાં માથું ઢાંકવા વિષે

2 વળી તમે સર્વ બાબતોમાં મારું સ્મરણ કરો છો, અને જેમ મેં તમને વિધિઓ સોંપ્યા, તેમ જ તમે તે દઢતાથી પાળ્યા કરો છો, માટે હું તમારાં વખાણ કરું છું.

3 પણ હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, અને સ્‍ત્રીનું શિર પુરુષ છે, અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.

4 જે કોઈ પુરુષ ઢાંકેલે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે તે પોતાના માથાનું અપમાન કરે છે.

5 પણ જે કોઈ સ્‍ત્રી ઉઘાડે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તે પોતાના માથાનું અપમાન કરે છે: કેમ કે તેમ કરવું તે મૂંડેલી હોવા બરાબર છે.

6 કેમ કે જો સ્‍ત્રી માથે ન ઓઢે તો તેણે પોતાના વાળ પણ કપાવી નાખવા જોઈએ. પણ જો કોઈ સ્‍ત્રીને વાળ કપાવી નાખવાથી કે મૂંડાવવાથી શરમ લાગે તો તેણે માથે ઓઢવું.

7 કેમ કે પુરુષને તો માથે ઓઢવું ઘટતું નથી, કેમ કે તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે.

8 પણ સ્‍ત્રી તો પુરુષનો મહિમા છે. કેમ કે પુરુષ સ્‍ત્રીથી [થયો] નથી, પણ‍‍ સ્‍ત્રી પુરુષથી.

9 અને પુરુષને સ્‍ત્રીને માટે સરજાવવામાં આવ્યો નહોતો, પણ‍ સ્‍ત્રીને પુરુષને માટે.

10 આ કારણથી સ્‍ત્રીને ઘટિત છે કે દૂતોને લીધે અધિકારને [આધીનતાની નિશાની] તે પોતાને માથે રાખે.

11 તોપણ પ્રભુમાં સ્‍ત્રી પુરુષ વગર નથી, તેમ જ પુરુષ પણ‍‍ સ્‍ત્રી વગર નથી.

12 કેમ કે જેમ સ્‍ત્રી પુરુષની [થઈ] છે, તેમ પુરુષ સ્‍ત્રીની મારફતે; પણ સર્વ પ્રભુથી છે.

13 સ્‍ત્રી માથે ઓઢયા વગર ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો તમે પોતે નિર્ણય કરો.

14 શું કુદરત પોતે પણ તમને શીખવતી નથી કે, જો પુરુષને લાંબા વાળ હોય તો તેને અપમાનરૂપ છે?

15 પણ જો સ્‍ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભારૂપ છે, કેમ કે તેના વાળ આચ્છાદાનને માટે તેને આપેલા છે.

16 પણ જો કોઈ માણસ [એ બાબત વિષે] તકરારી માલૂમ પડે, તો [જાણવું કે] આપણામાં તથા ઈશ્વરની મંડળીઓમાં પણ એવો રિવાજ નથી.


પ્રભુભોજન
( માથ. ૨૬:૨૬-૨૯ ; માર્ક ૧૪:૨૨-૨૫ ; લૂ. ૨૨:૧૪-૨૦ )

17 પરંતુ આટલું કહીને હું તમારાં વખાણ કરતો નથી, કેમ કે તમે સુધારાને માટે નહિ, પણ બગાડને માટે એકઠા થાઓ છો.

18 કારણ કે પ્રથમ તો એ છે કે, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ભાગલા હોય છે એવું મારા સાંભળવામાં આવે છે, અને એ થોડેઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું.

19 કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલૂમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે.

20 પણ એથી જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે.

21 કેમ કે ખાતી વખતે તમારામાંનો દરેક પોતપોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે, તો કોઈ છાકટો બને છે.

22 તમારે ખાવુંપીવું હોય તો શું તમારે ઘર નથી? કે શું તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો, અને જેઓની પાસે નથી તેઓને શરમમાં નાખો છો? હું તમને શું કહું? શું એ બાબતમાં હું તમને વખાણું? હું તમને વખાણતો નથી.

23 કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું, એટલે, જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, તે રાતે તેમણે રોટલી લીધી;

24 અને સ્તુતિ કરીને ભાંગી, અને કહ્યું, “એ મારું શરીર છે, એને તમારે માટે [ભાંગવામાં આવ્યું] છે. મારી યાદગીરીને માટે એ કરો.”

25 એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો, અને કહ્યું, “આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે; તેમ જેટલી વાર [એમાંનું] પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને માટે તે કરો.”

26 કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો, અને આ પ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મરણ પ્રગટ કરો છો.

27 એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે, તેમનો પ્યાલો પીશે, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.

28 પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી, અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું.

29 કેમ કે [પ્રભુના] શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે.

30 એ જ કારણથી તમારામાં ઘણા દુર્બળ અને રોગી છે, અને ઘણાએક ઊંઘે છે.

31 પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ, તો આપણો ન્યાય કરવામાં નહિ આવે.

32 પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય.

33 તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા માટે એકત્ર થાઓ ત્યારે એકબીજાની રાહ જુઓ.

34 જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાને ઘેર ખાય; રખેને તમારું એકત્ર મળવાનું સજાપાત્ર થાય. બાકીનું હું આવીશ ત્યારે બરાબર કરીશ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan