Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અભિવાદન

1 કરિંથમાંની ઈશ્વરની મંડળી, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે, તેઓ તથા જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, એટલે તેઓના તથા આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વ જોગ,

2 લખનાર ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ.

3 આપણા પિતા ઈશ્વર તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હોજો.


આભારદર્શન

4 ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે કૃપા તમને આપવામાં આવી છે, તેને માટે હું તમારે વિષે મારા ઈશ્વરનો આભાર નિત્ય માનું છું,

5 કેમ કે જેમ ખ્રિસ્ત વિષેની [અમારી] સાક્ષી તમારામાં દઢ થઈ તેમ,

6 સર્વ બોલવામાં તથા સર્વજ્ઞાનમાં, તમે સર્વ પ્રકારે તેમનામાં સંપત્તિવાન થયા;

7 જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની રાહ જુઓ છો.

8 વળી તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દઢ રાખશે.

9 જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.


કરિંથની મંડળીમાં પક્ષાપક્ષી

10 હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ દરેક વાતમાં એકમત થાઓ, અને તમારામાં પક્ષાપક્ષી ન થવા દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો.

11 કેમ કે, મારા ભાઈઓ, તમારા સંબંધી ક્લોએના ઘરનાં માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં મતભેદ પડયા છે.

12 એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઇ કહે છે, “હું તો પાઉલનો છું”; [કોઈ કહે છે,] “હું તો આપોલસનો”, [કોઈ કહે છે] ”હું તો કેફાનો;” અને [કોઈ કહે છે] “હું તો ખ્રિસ્તનો છું.”

13 શું ખ્રિસ્તના વિભાગ થયા છે? શું પાઉલ તમારે માટે વધસ્તંભે જડાયો? અથવા શું તમે પાઉલને નામે બાપ્તિસ્મા પામ્યા હતા?

14 હું ઈશ્વરની સ્તુતિ કરું છું કે, ક્રિસ્પસ તથા ગાયસ સિવાય મેં તમારામાંના કોઈનું બાપ્તિસ્મા કર્યું નથી,

15 રખેને કોઈ કહે કે તમે મારે નામે બાપ્તિસ્મા પામ્યા હતા.

16 વળી સ્તેફનાસના કટુંબનું પણ મેં બાપ્તિસ્મા કર્યું હતું. એ સિવાય મેં બીજા કોઈનું બાપ્તિસ્મા કર્યું હોય, એ હું જાણતો નથી.

17 કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો. [એ કામ] વિદ્ધતાથી ભરેલા ભાષણથી નહિ, રખેને ખ્રિસ્તનો વધસ્તંભ વ્યર્થ જાય.


ખ્રિસ્ત-ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય

18 કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા [જેવી લાગે] છે; પણ અમો તારણ પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે

19 કેમ કે લખેલું છે, “હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ.”

20 જ્ઞાની ક્યાં છે? શાસ્‍ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?

21 કેમ કે જ્યારે (ઈશ્વરે પોતાના જ્ઞાન પ્રમાણે [નિર્માણ કર્યું હતું તેમ] ) જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યા નહિ, ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા દ્વારા વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું ઈશ્વરને પસંદ પડયું.

22 યહૂદીઓ ચિહ્ન માગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે!

23 પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને ઠોકરરૂપ, અને ગ્રીકોને મુર્ખતારૂપ લાગે છે.

24 પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે.

25 કારણ કે માણસો [ના જ્ઞાન] કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસો [ની શક્તિ] કરતાં ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે.

26 માટે, ભાઈઓ, તમે તમારા તેડાને લક્ષમાં રાખો કે, જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને [તેડવામાં આવ્યા] નથી.

27 પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે.

28 અને જેઓ [મોટા મનાય] છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કંઈ [વિસાતમાં] નથી તેઓને પસંદ કર્યા છે.

29 કે, કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ.

30 પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો ઈશ્વર તરફથી આપણે માટે ન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયા છે.

31 લખેલું છે, “જે કોઈ અભિમાન કરે તે પ્રભુમાં અભિમાન કરે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan