Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી દાઉદે કહ્યું, “આ યહોવા ઈશ્વરનું મંદિર છે, ને આ ઇઝરાયલને માટે દહનીયાર્પણની વેદી છે.


મંદિર બાંધવાની તૈયારી

2 ઈઝરાયલના દેશમાં જે પરદેશીઓ હતા તેઓને એકત્ર કરવાની દાઉદે આજ્ઞા આપી, અને ઈશ્વરનું મંદિર બાંધવાને જોઈતા પથ્થર ઘડવા માટે સલાટોને તેણે કામે લગાડ્યા.

3 દરવાજાનાં કમાડોના તથા સાંધાઓના ખીલાઓને માટે દાઉદે પુષ્કળ લોઢું, તથા અણતોલ પિત્તળ ભેગું કર્યું.

4 વળી અસંખ્ય એરેજવૃક્ષો એકઠાં કર્યા; કેમ કે સિદોનીઓ તથા તૂરીઓ દાઉદની પાસે પુષ્કળ એરેજવૃક્ષો લાવ્યા.

5 દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન જુવાન ને બિનનુભવી છે, ને યહોવાને માટે જે મંદિર બાંધવાનું છે તે અતિ ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાંન થવું જોઈએ; તેથી હું તેને માટે આગળથી તૈયારી કરીશ.” આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી.

6 પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને તેડાવ્યો, ને ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવાની તેને સોંપણી કરી.

7 દાઉદે સુલેમાનને કહ્યું, “હે મારા પુત્ર, મારા ઈશ્વર યહોવાના નામને માટે મંદિર બાંધવાનું મારા મનમાં હતું તો ખરું,

8 પણ મારી પાસે યહોવાની વાણી એવી આવી હતી કે, ‘તેં પુષ્કળ લોહી વહેવડાવ્યું છે, માટે તારે મારા નામને માટે મંદિર બાંધવું નહિ.

9 તને પુત્ર થશે, તે શાંતિશીલ પુરુષ થશે; અને તેના ચારે તરફના તમામ શત્રુઓથી હું તેને વિશ્રાંતિ આપીશ. તેનું નામ સુલેમાન થશે, ને હું તેની કારકિર્દીમાં ઇઝરાયલને સુલેહ તથા શાંતિ આપીશ.

10 તે મારા નામને માટે મંદિર બાંધશે, તે મારો પુત્ર થશે, ને હું તેનો પિતા થઈશ, અને ઇઝરાયલ પર તેનું રાજ્ય હું સર્વકાળ કાયમ રાખીશ.’

11 મારા પુત્ર, યહોવા તારી સાથે હો, અને જેમ તારા ઈશ્વર યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે યહોવાનું મંદિર બાંધવામાં તું ફતેહમંદ થા.

12 યહોવાએ તને ઇઝરાયલીઓ ઉપર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને વિવેકબુદ્ધિ તથા ડહાપણ આપો કે, તું તારા ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે ચાલે.

13 જે વિધિઓ તથા હુકમો યહોવાએ ઇઝરાયલ સંબંધી મૂસાને ફરમાવ્યા તે જો તું પાળીને અમલમાં લાવશે તો જ તું ફતેહમંદ થશે; બળવાન તથા ખૂબ હિમ્મતવાન થા. બીશ નહિ, ને ગભરાઈશ પણ નહિ.

14 જો, સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને માટે એક લાખ તાલંત સોનું તથા દશ લાખ તાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે. લાકડાં તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યાં છે. તું ચાહે તો તેમાં વધારો કરી શકે.

15 વળી તારી પાસે પુષ્કળ કારીગરો, એટલે પથ્થર તથા લાકડા ઘડનારા તથા હરકોઈ કામમાં નિપુણ એવા ઘણા પુરુષો છે.

16 સોનારૂપાનો, પિત્તળનો તથા લોઢાનો તો સુમાર જ નથી. હવે ઊઠ, કામે લાગ, યહોવા તારી સાથે હો.”

17 વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા ઇઝરાયલના સર્વ કામદારોને આપી ને કહ્યું,

18 શું તમારા ઈશ્વર યહોવા તમારી સાથે નથી? શું તેમણે તમને ચોતરફ શાંતિ આપી નથી? તેમણે દેશના મૂળ રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે; અને યહોવાએ તથા તેના લોકે દેશ સર કર્યો છે.

19 તો હવે તમારા ઈશ્વર યહોવાની ભક્તિ કરવામાં તમારું અંત:કરણ તથા તમારો જીવ લગાડો. અને યહોવાના નામને માટે જે મંદિર બાંધવાનું છે, તેમાં યહોવાનો કરારકોશ તથા ઈશ્વરનાં પવિત્ર પાત્રો લાવવા માટે તમે યહોવા ઈશ્વરનું પવિત્રસ્થાન બાંધવાને તૈયાર થાઓ.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan