૧ કાળવૃત્તાંત 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)રાબ્બા ઉપર આક્રમણ ( ૨ શમુ. ૧૨:૨૬-૩૧ ) 1 નવું વર્ષ બેસતાં, જ્યારે રાજાઓ યુદ્ધ કરવા નીકળે છે તે વખતે યોઆબ સૈન્ય લઈને નીકળ્યો, ને આમ્મોનીઓના દેશને ખેદાન-મેદાન કરી મૂકીને રાબ્બા જઈને તેણે તેને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં રોકાયો. યોઆબે રાબ્બાને સર કરીને તેને પાયમાલ કર્યું. 2 દાઉદે તેઓના રાજાનો મુગટ તેના માથા પરથી ઉતારી લીધો, તેનું વજન તેને એક તાલંત સોનાનું માલૂમ પડ્યું, તેમાં હીરામાણેક જડેલાં હતાં. તે દાઉદને માથે મૂકવામાં આવ્યો. તે નગરમાંથી પુષ્કળ લૂટ લઈને તે બહાર આવ્યો. 3 તેના લોકોને બહાર લાવીને તેણે તેઓની પાસે કરવતો વડે, લોઢાની પંજેટીઓવડે તથા કુહાડીઓ વડે કામ કરાવ્યું. દાઉદે આમ્મોનીઓના સર્વ નગરોમાં એ પ્રમાણે કર્યું. પછી તે તથા સર્વ લોક યરુશાલેમ પાછા આવ્યા. પલિસ્તીઓ સામેના યુદ્ધો ( ૨ શમુ. ૨૧:૧૫-૨૨ ) 4 પછી પલિસ્તીઓની સામે ગેઝેરમાં વિગ્રહ જાગ્યો. તે પ્રસંગે હુશાથી સિબ્બખાયે રફાઈઓમાંના સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓને વશ કર્યાં. 5 વળી તેમની સાથે ફરીથી વિગ્રહ ચાલ્યો. યાઈરના પુત્ર એલ્હાનાને ગિત્તિ ગોલ્યાથના ભાઈ લાહમીને મારી નાખ્યો, એના ભાલાનો દાંડો વણકરની તોર જેવો હતો. 6 ગાથમાં ફરીથી વિગ્રહ થયો. ત્યાં એક મોટો કદાવર પુરુષ હતો, તેને દરેક હાથે તથા પગે છ છ, એટલે એકંદરે ચોવીસ આંગળાં હતાં. તે પણ રફાઈઓમાંનો હતો. 7 તેણે ઇઝરાયલનો તિરસ્કાર કર્યો હતો, તથી દાઉદના ભાઈ શિમાના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો. 8 એઓ ગાથમાંના રફાઈવંશના હતા. તેઓ દાઉદને હાથે તથા તેના સૈનિકોને હાથે માર્યા ગયા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India