૧ કાળવૃત્તાંત 18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દાઉદના લશ્કરી વિજયો ( ૨ શમુ. ૮:૧-૧૮ ) 1 દાઉદે પલિસ્તીઓને મારીને તેઓને વશ કર્યા, ને તેમના હાથમાંથી ગાથ તથા તેના કસબાઓ લઈ લીધાં. 2 વળી તેણે મોઆબને હરાવ્યો. મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને તેને ખંડણી ભરવા લાગ્યા. 3 સોબાનો રાજા હદારએઝેર ફ્રાત નદી ઉપર પોતાનો જયસ્તંભ ઊભો કરવા માટે જતો હતો, તે વખતે દાઉદે તેને હમાથ આગળ હરાવ્યો. 4 દાઉદે તેની પાસેથી એક હજાર રથ, સાત હજાર સવારો તથા વીસ હજાર પાયદળ સિપાઈઓ લઈ લીધા. તેણે રથોના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેઓમાંથી એકસો રથોને માટે જોઈતા ઘોડા રાખ્યા. 5 દમસ્કસના અરામીઓ સોબાના રાજા હદારએઝેરની મદદે આવ્યા, ત્યારે દાઉદે અરામાના બાવીસ હજાર પુરુષોને કતલ કર્યા. 6 પછી તેણે દમસ્કસના અરામીઓમાં થાણાં બેસાડ્યાં; અને અરામીઓ દાઉદના તાબેદાર થઈને ભેટો લાવ્યા. જ્યાં કહીં દાઉદ જતો ત્યાં યહોવા તેને જય અપાવતા. 7 હદારએઝેરના સેવકોએ સોનાની ઢાલો સજેલી હતી, તે લઈને દાઉદ યરુશાલેમમાં આવ્યો. 8 હદારએઝેરના ટિબ્હાથ તથા કૂન નગરોમાંથી તેણે પુષ્કળ પિત્તળ મેળવ્યું. સુલેમાને તે વડે પિત્તળનો હોજ, સ્તંભો તથા પિત્તળનાં વાસણો બનાવ્યાં. 9 જ્યારે હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાના રાજા હદારએઝેરની સાથે યુદ્ધ કરીને તેને હરાવ્યો છે અને તેના સર્વ સૈન્યનો નાશ કર્યો છે, 10 ત્યારે તેણે પોતાના પુત્ર હદોરામને સોનારૂપા તથા પિત્તળનાં સર્વ જાતનાં વાસણો લઈને દાઉદ રાજાની પાસે તેને પ્રણામ કરવા તથા તેને ધન્યવાદ આપવા માટે મોકલ્યો; કેમ કે હદારએઝેરને તોઉની સાથે વિગ્રહ ચાલતો હતો. 11 વળી જે સોનુંરૂપું સર્વ પ્રજાઓ પાસેથી એટલે અદોમ પાસેથી, પલિસ્તીઓ પાસેથી તથા અમાલેક પાસેથી તે લાવ્યો હતો તેની સાથે એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યું. 12 વળી સરુયાના પુત્ર અબીશાયે મીઠાના નીચાણમાં અઢાર હજાર અદોમીઓને મારી નાખ્યા. 13 તેણે અદોમમાં થાણાં બેસાડ્યાં, અને સર્વ અદોમીઓ દાઉદના તબેદાર થયા. અને દાઉદ જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં યહોવા તેને જય અપાવતા. 14 દાઉદ આખા ઇઝરાયલ પર રાજ કરતો હતો. તે પોતાના સર્વ લોકનો ન્યાય કરીને તેમને ઇનસાફ આપતો હતો. 15 સરુયાનો પુત્ર યોઆબ સેનાપતિ હતો. અહિલુદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. 16 અહીટૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અબિમેલેખ યાજકો હતા.શાવ્શા ચિટનીસ હતો. 17 યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓ ને પલેથીઓનો ઉપરી હતો. અને દાઉદના દીકરાઓ રાજાની હજૂરમાં મુખ્ય [અમલદારો] હતા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India