Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


દાઉદને નાથાનનો સંદેશો
( ૨ શમુ. ૭:૧-૧૭ )

1 દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી નાથાન પ્રબોધકને કહ્યું, “હું એરેજ-કાષ્ટના મહેલમાં રહું છું, પણ યહોવાના કરારનો કોશ પડદામાં રહે છે.”

2 નાથાને તેને કહ્યું, “તમારા અંત:કરણમાં જે કંઈ હોય તે કરો; કેમ કે ઈશ્વર તમારી સાથે છે.”

3 તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી,

4 “તું જઈને મારા સેવક દાઉદને કહે, ‘તારે માટે રહેવાનું મંદિર બાંધવું નહિ;

5 કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું મંદિરમાં રહ્યો નથી. પણ એક તંબુથી બીજા તંબુમાં તથા [એક] મંડપથી [બીજા મંડપમાં] ફરતો રહ્યો છું.

6 જે બધી જગાઓમાં હું સર્વ ઇઝરાયલી લોકોની સાથે ચાલ્યો છું, ત્યાં ઇઝરાયલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી એવું પૂછ્યું કે, મારે માટે તમે એરેજ-કાષ્ટનું મંદિર કેમ બાંધ્યું નથી?’

7 માટે હવે તું મારા સેવક દાઉદને કહે, સૈન્યોના યહોવા એમ કહે છે કે, મેં તને મારા ઇઝરાયલ લોકો ઉપર અધિકારી થવાને રબારીવાડમાંથી, તું ઘેટાની પાછળ રખડતો હતો ત્યાંથી, બોલાવી લીધો.

8 તું જ્યાં કહીં ગયો, ત્યાં હું તારી સાથે રહ્યો છું, તારી આગળથી તારા સર્વ શત્રુઓનો મેં સંહાર કર્યો છે. અને પૃથ્વી પર જે મહાન પુરુષો થયા છે તેઓના જેવી હું તારી કીર્તિ વધારીશ.

9 હું મારા ઇઝરાયલ લોકને માટે જગા ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે, તેઓ પોતાના સ્થળમાં રહે ને ફરીથી તેમને કદી કોઈ ખસેડે નહિ.

10 પહેલાંની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયલ લોકોનું ઉપરીપણું કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ, હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહિ. અને હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે, યહોવા તારું કુટુંબ કાયમ રાખશે.

11 તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની પાસે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા સંતાનને તારી જગાએ સ્થાપિત કરીશ.તારા પુત્રોમાંથી જે રાજા થશે તેનું રાજ હું કાયમ રાખીશ.

12 તે મારે માટે મંદિર બાંધશે, ને હું સદાકાળ તેનું રાજ્યાસન કાયમ રાખીશ.

13 હું તેનો પિતા થઈશ, ને તે મારો પુત્ર થશે. જે તારી અગાઉ હતો તેના ઉપરથી જેમ મેં મારી કૃપા પાછી ખેંચી લીધી, તેમ તેના ઉપરથી હું તે ખેંચી લઈશ નહિ.

14 પણ હું તેને મારા મંદિરમાં તથા મારા રાજ્યમાં સદાકળ કાયમ રાખીશ. તેનું રાજ્યાસન સદાકાળ ટકી રહેશે.’”

15 આ સર્વ વચનો પ્રમાણે તથા આ સર્વ દર્શન પ્રમાણે નાથાને દાઉદને કહ્યું.


દાઉદની આભારસ્તુતિની પ્રાર્થના
( ૨ શમુ. ૭:૧૮-૨૯ )

16 પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમક્ષ બેઠો. તેણે કહ્યું, “હે યહોવા ઈશ્વર, હું કોણ, ને મારું કુટુંબ કોણ કે, તમે મને આટલે સુધી લાવ્યા છો?

17 હે ઈશ્વર એ પણ તમારી ર્દષ્ટિમાં જૂજ જેવું લાગ્યું. હવે તમારા સેવકના કુટુંબ સંબધી લાંબા કાળ વિષે તમે વચન આપ્યું છે. હે યહોવા, ઈશ્વર, તમે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે.

18 તમારા સેવકને આપેલા માન વિષે તે તમને બીજું વધારે શું કહી શકે? કેમ કે તમે તેને ઓળખો છો.

19 હે યહોવા, આ તમારા સેવકની ખાતર, ને તમારા અંત:કરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યા છે.

20 હે યહોવા, અમારા સાંભળવા પ્રમાણે તમારા જેવા બીજા કોઈ નથી, ને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.

21 તમારા ઇઝરાયલ લોકના જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેઓને પોતાની પ્રજા [કરવા] માટે ખંડી લેવાને [તેઓનો] દેવ ગયો હોય, અને તમારા લોક જેઓને તમે મિસરમાંથી ખંડી લાવ્યા તેઓની આગળથી [બીજી] પ્રજાઓને હાંકી કાઢીને તથા મહાન ને ભયંકર કૃત્યો કરીને તે પોતાના નામનો [મહિમા] વધારે?

22 તમે તમારા ઇઝરાયલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે. અને તમે, યહોવા, જે વચન તમે તમારા સેવક સંબંધી તથા તેના કુટુંબ સંબંધી બોલ્યા છે તે સર્વકાળ માટે કાયમ કરો, ને તમે જે બોલ્યા છો તે પૂરું કરો.

23 હે યહોવા, જે વચન તમે તમારા સેવક સંબંધી તથા તેના કુટુંબ સંબંધી બોલ્યા છો તે સર્વકાળને માટે કાયમ કરો, ને તમે જે બોલ્યા છો તે પૂરું કરો.

24 તમારું નામ સર્વકાળ કાયમ રહો, ને મોટું મનાઓ, જેથી લોકો કહે કે, સૈન્યોના ઈશ્વર યહોવા ઇઝરાયલના ઈશ્વર છે, હા, ઇઝરાયલના હકમાં તે ઈશ્વર છે. તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ કાયમ થયું છે.

25 કેમ કે, હે મારા ઈશ્વર તમે તમારા સેવકને સ્પષ્ટ કહ્યું છે કે, તમે તેનું કટુંબ કાયમ રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિમ્મત કરી.

26 હે યહોવા, તમે ઈશ્વર છો, ને તમે તમારા સેવકને શુભ વચન આપ્યું છે.

27 તમારા સેવકનું કુટુંબ તમારી આગળ સર્વકાળ કાયમ રહે, તે માટે તેને આશીર્વાદ આપવાનું તમને સારું લાગ્યું. હે યહોવા, તમે તેને આશીર્વાદ આપ્યો છે, ને તે સદાને માટે આશીર્વાદિત થયું છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan