૧ કાળવૃત્તાંત 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તેઓએ ઈશ્વરના કોશને અંદર બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં. 2 જ્યારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાને નામે લોકોને આશીર્વાદ આપ્યો. 3 તેણે ઇઝઃરાયલના દરેક માણસને, પુરુષને તથા સ્ત્રીને, અકેક ભાખરો, [માંસનો] કટકો તથા સૂકી દ્રક્ષાનો અકેક ઝૂમખો વહેંચી આપ્યાં. 4 યહોવાના કોશની આગળ સેવા કરવા માટે તથા ઈઝરાયલના ઈશ્વર યહોવાના સંભારણાના ગીત ગાવા, તેમનો આભાર માનવા તથા તેમની સ્તુતી કરવા માટે કેટલાક લેવીઓને તેણે નીચે પ્રમાણે નીમ્યા. 5 એટલે મુખ્ય આસાફ તથા તેની ઊતરતે દરજ્જે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માતિથ્યા, એલિયાબ બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર તથા વીણા વગાડતા, આસાફ ઝાંઝ લઈને મોટેથી વગાડતો હતો. 6 બનાયા તથા યાહઝીએલ યાજકો રણશિંગડાં લઈને ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત [રહેતા હતા.] 7 પછી યહોવાનું સ્તવન કરવાનો વિધિ તે દિવસે પહેલવહેલાં આસાફ તથા તેના ભાઈઓની મારફતે દાઉદે શરૂ કર્યો. સ્તુતિગાન 8 યહોવાનો આભાર માનો, તેમનો મહિમા ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો. 9 તેમનાં ગુણગાન કરો, તેમની સ્તુતિનાં ગીત ગાઓ; તેમનાં સર્વ અદ્ભુત કામોનું મનન કરો. 10 તમે તેમના પવિત્ર નામનું અભિમાન રાખો; યહોવાના ભક્તોનાં હ્રદયો આનંદમાં રહો. 11 યહોવાને તથા તેમના સામર્થ્યને તમે શોધો; સદાસર્વદા તેમના મુખને શોધો. 12 જે અદ્ભુત કામો તેમણે કર્યા છે તે યાદ રાખો; તેમના ચમત્કાર તથા તેમના મુખનાં ન્યાયવચનો [યાદ રાખો] ; 13 હે તેમના સેવક ઇઝરાયલનાં સંતાન, હે યાકૂબના પુત્રો, તેમના પસંદ કરેલા, [તેમને તમે યાદ રાખો]. 14 તે આપણા ઈશ્વર યહોવા છે. તેમની સત્તા આખી પૃથ્વી પર છે. 15 તેમનો કરાર તમે સદાકાળ યાદ રાખો, એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું; 16 ઈબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો, અને ઇસહાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે લીધી; 17 એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે, અને ઇઝરાયલને માટે સદાકાળના કરાર તરીકે સ્થાપ્યું: 18 તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તને આપીશ, તે તારા વારસાનો ભાગ થશે.” 19 તે વખતે તમે સંખ્યામાં થોડાં જ, હા, છેક થોડાં જ, ને વળી તેમાં મુસાફર હતાં; 20 તેઓ એક દેશથી બીજે દેશ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફર્યા કરતાં હતાં. 21 તમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; હા, તેમને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી; 22 [એમ કહીને કે] “મારા અભિષિક્તોને આડશો નહિ, અને મારા પ્રબોધકોને ઉપદ્રવ કરશો નહિ.” 23 હે સર્વ પૃથ્વી [વાસીઓ] યહોવાના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમનો વિજય પ્રગટ કરો. 24 વિદેશીઓમાં તેમનો મહિમા, સર્વ લોકોમાં તેમના ચમત્કારો જાહેર કરો. 25 કેમ કે યહોવા મોટા તથા ઘણા સ્તુત્ય છે; વળી સર્વ દેવો કરતાં તે ભય યોગ્ય છે. 26 કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તીઓ જ છે; પણ યહોવાએ તો આકાશો બનાવ્યાં. 27 તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે; તેમના મંદિરમાં સામર્થ્ય તથા આનંદ છે. 28 હે લોકોનાં કુળો, તમે યહોવાને, હા, યહોવાને જ, ગૌરવ તથા સામર્થ્ય [નું માન] આપો. 29 યહોવાના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો; પવિત્ર વસ્ત્ર પહેરીને યહોવાની આગળ નમો. 30 આખી પૃથ્વી તેમની આગળ ધ્રૂજે; જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય નહિ. 31 આકાશો આનંદ કરે, ને પૃથ્વી હરખાય; અને વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, “યહોવા રાજ કરે છે.” 32 સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્જના કરે; ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે; 33 ત્યારે વનનાં વૃક્ષો યહોવાની આગળ હર્ષનાદ કરશે, કેમ કે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. 34 યહોવાનો આભાર માનો, કેમ કે તે કૃપાળુ છે; કેમ કે તેમની દયા સદાકાળ ટકે છે. 35 બોલો, “હે અમને તારણ આપનાર ઈશ્વર તમારો ઉદ્ધાર કરો, તમારા પવિત્ર નામનો આભાર માનવાને, તથા તમારી સ્તુતિનો જયજયકાર કરવાને અમને એકત્ર કરો, ને વિદેશીઓના હાથમાંથી અમને છોડાવો. 36 ઇઝરાયલના ઈશ્વર યહોવા અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ.” સર્વ લોકે ‘આમેન’ કહીને યહોવાની સ્તુતિ કરી. યરુશાલેમ અને ગિબ્યોનમાં ભજનભક્તિ 37 ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાના કરારકોશની આગળ આસાફને તથા તેના ભાઈઓને, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા કરવા માટે રહેવા દીધા. 38 તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા ને તેઓના અડસઠ ભાઈઓને દ્વારપાળો તરીકે [નીમ્યા]. 39 અને સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઉચ્ચસ્થાનમાં યહોવાના મંડપ આગળ 40 યહોવાએ ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાને દહનીયાર્પણો ચઢાવવા માટે [નીમ્યા.] 41 તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા કે, જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાએ જેમની કૃપા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે [નીમ્યા] ; 42 તેઓને મોટેથી વગાડવા માટે રણશીંગડા, ઝાંઝ તથા ઈશ્વરનાં ગીતોને માટે વાજિંત્રો આપવામાં આવ્યાં; અને યદૂથૂનના પુત્રોને દ્વારપાળો [નીમ્યા]. 43 પછી સર્વ લોક વિદાય થઈને પોતપોતાને ઘેર ગયા, અને દાઉદ પોતાના કુટુંબના માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India