Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


કરારકોશના સ્થળાંતરની તૈયારી

1 દાઉદનગરમાં [દાઉદે] પોતાને માટે મહેલો બનાવ્યા. અને તેણે ઈશ્વરના કોશને માટે જગા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.

2 એ વખતે તેણે કહ્યું, “લેવીઓ સિવાય કોઈએ ઈશ્વરનો કોશ ઊંચકવો નહિ; કેમ કે તેમનો કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે યહોવાએ તેમને જ પસંદ કર્યાં છે.”

3 તેણે યહોવાના કોશને માટે તૈયાર કરેલી જગાએ તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.

4 વળી તેણે હારુનના પુત્રોને તથા લેવીઓને પણ એકત્ર કર્યા.

5 કહાથના પુત્રોમાં મુખ્ય ઉરીએલ, તથા તેના ભાઈઓ એકસો વીસ;

6 મરારીના પુત્રોમાં મુખ્ય અસાયા, તથા તેના ભાઈઓ બસો વીસ;

7 ગેર્શોમનાં પુત્રોમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઈઓ એકસો ત્રીસ;

8 અલિસાફાનના પુત્રોમાં મુખ્ય શમાયા, તથા તેના ભાઈઓ બસો;

9 હેબ્રોનના પુત્રોમાં મુખ્ય અલીએલ, તથા તેના ભાઈઓ એંશી;

10 ઉઝ્ઝીએલના પુત્રોમાં મુખ્ય અમિનાદાબ, તથા તેના ભાઈઓ એકસો બાર હતા.

11 દાઉદે સાદોક તથા આબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ, તથા અમિનાદાબ, એ લેવીઓને બોલાવ્યા,

12 અને તેઓને કહ્યું, “એ તમે લેવીઓનાં [કુટુંબોના] મુખ્ય માણસો છો, તમે તથા તમારા ભાઈઓ બન્ને પોતાને શુદ્ધ કરો, અને મેં ઇઝરાયલના ઈશ્વર યહોવાના કોશને માટે જે જગા તૈયાર કરી છે ત્યાં તેને લઈ આવો.

13 તમે પહેલે વખતે તેને ન [ઊંચક્યો] , માટે આપણા ઈશ્વર યહોવા આપણા પર તૂટી પડ્યા, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”

14 આથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાનો કોશ લઈ આવવા માટે પોતાને શુદ્ધ કર્યાં.

15 યહોવાના વચન પ્રમાણે મૂસાએ જેમ આજ્ઞા આપી હતી, તેમ લેવી પુત્રોએ પોતાની ખાંધ પર ઈશ્વરનો કોશ તેની અંદરના દાંડા વડે ઉપાડ્યો.

16 દાઉદે લેવીઓના મુખ્યોને વાજીંત્રોથી, એટલે સિતાર, વીણા તથા ઝાંઝથી મોટો સ્વર કાઢવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગવૈયા ભાઈઓને નીમવાને કહ્યું.

17 માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને; તથા તેમના ભાઈઓને, એટલે મારારીના પુત્રમાંના કૂશાયાના પુત્ર એથાનને;

18 અને તેઓની સાથે તેઓના બીજી પાયરીના ભાઈઓને, એટલે ઝખાર્યા, બની, યઝીએલ, શમિરામોથ, અહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માતિથ્યા, અલિફ્લેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ તેઓને દ્વારપાળો નીમ્યા.

19 એમ હેમાન, આસાફ તથા એથાન, એ ગવૈયાને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા માટે [નીમવામાં આવ્યા] ;

20 અને ટીપના સૂર પર મેળવેલી સિતારો સહિત ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ અહીએલ, ઉન્ની અલિયાબ, માસેયા તથા બનાયાને.

21 તેમ જ પરજના સૂર પર મેળવેલી વીણાઓ સહિત રાગ કાઢવા માટે માતિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઇએલ તથા આઝ્ઝાયાને નીમવામાં આવ્યા.

22 લેવીઓનો મુખ્ય કનાન્યા ગવૈયાનો ઉસ્તાદ હતો. તે પ્રવીણ હતો, માટે તે રાગરાગણીની તાલીમ આપતો હતો.

23 બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.

24 શબાન્યા, યોશાફાટ, નથાનિયેલ, અમાસાઈ, ઝખાર્યા, બનાયા તથા એલીએઃઝેર યાજકો ઈશ્વરના કોશની આગળ રણશિંગડા વગાડનારા હતા. અને ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.


કરારકોશ યરુશાલેમમાં લાવ્યા
( ૨ શમુ. ૬:૧૨-૨૨ )

25 તે પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી યહોવાનો કરારકોશ લઈ આવવા ગયા.

26 જ્યારે ઈશ્વરે યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંનું બલિદાન આપ્યું.

27 દાઉદ, કોશ ઊંચકનારા સર્વ લેવીઓ,.ગવૈયાઓ તથા ગવૈયાઓનો ઉસ્તાદ કનાન્યા પોતાના પૂરા બળથી નાચતા હતા, દાઉદે શણનો એફોદ પહેરેલો હતો.

28 એમ સર્વ ઇઝરાયલીઓ યહોવાના કરારકોશને હર્ષનાદ કરતાં શરણાઈ, રણશિંગડા, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી મોટી ગર્જના કરતા લઈ આવ્યા.

29 જ્યારે યહોવાનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કરીને દાઉદ રાજાને કૂદતો તથા ઉત્સવ કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેનો તિરસ્કાર કર્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan