૧ કાળવૃત્તાંત 14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યરુશાલેમમાં દાઉદની પ્રવૃત્તિ ( ૨ શમુ. ૫:૧૧-૧૬ ) 1 જ્યારે સૂરના રાજા હીરામે દાઉદને માટે મહેલ બાંધવાને તેની પાસે સંદેશિયા સાથે એરેજકાષ્ટ તથા કડિયા ને સુતારો મોકલ્યાં, 2 ત્યારે તેણે જાણ્યું કે યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થપિત કર્યો છે, અને તેના ઇઝરાયલી લોકોની ખાતર મારા રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે. 3 દાઉદ યરુશાલેમમાં બીજી સ્ત્રીઓ પરણ્યો; ત્યાં તેને બીજા પુત્રો તથા પુત્રીઓ થયા. યરુશાલેમમાં દાઉદને થયેલા સંતાનો 4 યરુશાલેમમાં તેને થયેલા પુત્રોનાં નામ આ છે: શામ્મુઆ, શોઆબ, નાથાન, સુલેમાન; 5 ઈબ્હાર, અલિશુઆ, એલ્પેલેટ; 6 નોગા, નેફેગ, યાફીઆ; 7 આલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ. પલિસ્તીઓ ઉપર વિજય ( ૨ શમુ. ૫:૧૭-૨૫ ) 8 જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે સર્વ પલિસ્તીઓ દાઉદની શોધ કરવા ચઢી આવ્યા. તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો. 9 પલિસ્તીઓએ રફાઈમનાં નીચાણના પ્રદેશમાં ધાડ પાડી. 10 એ વખતે દાઉદે ઈશ્વરની સલાહ પૂછી, “શું હું પલિસ્તીઓની વિરુદ્ધ ચઢાઈ કરું? તમે તેઓને મારા હાથમાં સોંપશો?” યહોવાએ તેને કહ્યું, “ચઢાઈ કર; હું તેઓને તારા હાથમાં સોપીશ.” 11 આ પ્રમાણે તેઓની સવારી “બાલ-પરાસીમ સુધી આવી પહોંચી, એટલે દાઉદે ત્યાં તેઓને હરાવીને નસાડ્યા. દાઉદે કહ્યું, “જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ યહોવાએ મારી આગળ મારા શત્રુઓનો સંહાર કર્યો છે.” એ માટે તેઓએ તે જગાનું નામ બાલ-પરાસીમ પાડ્યું. 12 [પલિસ્તીઓએ] પોતાના દેવોને ત્યાં પડતા મૂક્યા. દાઉદના હુકમથી તેઓને બાળી નાખવામાં આવ્યા. 13 પલિસ્તીઓએ ફરીથી બીજી વાર નીચાણના પ્રદેશમાં ધાડ પાડી. 14 દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ પૂછી. ઈશ્વરે તેને કહ્યું, “તું તેઓના ઉપર ચઢાઈ કરીશ નહિ; પણ ચકરાવો ખાઇ તેમની પાછળ જઈને શેતૂરવૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર. 15 જ્યારે શેતૂરવૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડખડાટ સંભળાય, ત્યારે તું બહાર નીકળી આવીને હુમલો કરજે, કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે.” 16 જેમ ઈશ્વરે તેને આજ્ઞા કરી હતી તેમ દાઉદે કર્યું, તેઓએ ગિબ્યોનથી છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો. 17 ત્યાર પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં ફેલાઈ ગઈ, અને યહોવાએ સર્વ પ્રજાઓ પર તેનો દાબ બેસાડ્યો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India