૧ કાળવૃત્તાંત 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)શાઉલનું કરુણ મોત ( ૧ શમુ. ૩૧:૧-૧૩ ) 1 જ્યારે પલિસ્તીઓએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું ત્યારે ઇઝરાયલના પુરુષો પલિસ્તીઓની અગળથી નાઠા, ને ગિલ્બોઆ પર્વત પર તેઓની કતલ થઈ. 2 પલિસ્તીઓ શાઉલની તથા તેના પુત્રોની પાછળ લગોલગ આવી પહોંચ્યા; અને તેઓએ શાઉલના પુત્ર યોનાથાનને, અબિનાદાબને તથા માલ્કી-શૂઆને મારી નાખ્યા. 3 શાઉલની સાથે દારુણ યુદ્ધ મચ્યું, ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો. 4 ત્યારે શાઉલે પોતાના શાસ્ત્રવાહકને કહ્યું, “તારી તરવાર ખેંચીને મને વીંધી નાખ, રખેને તે બેસુન્નત લોકો આવીને મારું અપમાન કરે.” પણ તેના શાસ્રવાહકે ના પાડી; કેમ કે તે ઘણો બીધો હતો, માટે શાઉલ પોતાની તરવાર લઇને તેના પર પડ્યો. 5 તેના શાસ્ત્રવાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો છે, ત્યારે તે પણ પોતાની તરવાર પર પડીને મરણ પામ્યો. 6 એમ શાઉલ તથા તેના ત્રણ પુત્રો મરણ પામ્યા. તેનું આખું કુટુંબ સાથે મરણ પામ્યું. 7 ખીણમાં ઇઝરાયલના જે માણસો હતા તે સર્વએ જોયું કે તેઓ નાઠા છે, ને શાઉલ તથા તેના પુત્રો માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો તજી દઈને નાસી ગયા. અને પલિસ્તીઓ આવીને તે [નગરો] માં રહ્યા. 8 તેને બીજે દિવસે પલિસ્તીઓ ઘાયલ થયેલાઓને લૂટવા આવ્યા, ત્યારે તેઓએ શાઉલ તથા તેના પુત્રોને ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા. 9 તેની ઉપરથી તેઓએ બધું ઉતારી લીધું, તેનું માથું કાપી નાખ્યું તથા તેનું કવચ પણ લીધું, ને તેઓએ પોતની મૂર્તિઓને તથા લોકોને તેની વધામણી આપવા માટે ચારે તરફ પલિસ્તિઓના દેશમાં સંદેશિયા મોકલ્યા. 10 તેઓએ તેનું કવચ પોતાના દેવળમાં મૂક્યું ને દાગોનના મંદિરમાં તેનું માથું લટકાવ્યું. 11 પલિસ્તિઓએ શાઉલના જે હાલ કર્યા હતા તે યાબેશ-ગિલ્યાદના સર્વ માણસોએ સાંભળ્યું, 12 ત્યારે સર્વ શૂરવીર પુરુષો ઉઠીને શાઉલની તથા તેના પુત્રોની લાશો યાબેશમાં લાવ્યા, ને તેઓએ યાબેશના એલોન ઝાડ નીચે તેઓનાં હાડકાં દાટ્યાં, ને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો. 13 એમ શાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું, ને વળી યહોવાને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો. 14 તેથી યહોવાએ તેને મારી નાખ્યો, ને રાજ્યને યિશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India