Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સફાન્યા 3 - પવિત્ર બાઇબલ C.L.


યરુશાલેમનું પાપ અને છુટકારો

1 હે બંડખોર, ભ્રષ્ટાચારી અને જુલમી નગરી, તારી તો કેવી દુર્દશા થશે.

2 તેણે પ્રભુનું કહેવું માન્યું નથી અને તેમની શિખામણ સ્વીકારી નથી. તેણે પ્રભુ પર પોતાનો વિશ્વાસ મૂક્યો નથી અને તે મદદને માટે પ્રભુ પાસે ગઈ નથી.

3 તેના સેનાનાયકો ગરજતા સિંહ જેવા છે; મળેલું હાડકું ખાવાનું સવાર સુધી છોડે નહિ એવા ભૂખ્યા વરુઓ જેવા લોભી તેના ન્યાયાધીશો છે.

4 સંદેશવાહકો બેજવાબદાર અને કપટી છે. યજ્ઞકારોએ પવિત્ર વસ્તુઓને ભ્રષ્ટ કરી છે અને પોતાના હિતમાં તેઓએ નિયમશાસ્ત્રનો મારી મચરડીને ભંગ કર્યો છે.

5 છતાં પ્રભુ હજી પણ એ નગરીમાં છે. તે હંમેશાં જે વાજબી અને ઘટારત છે તે જ કરે છે, અને ખોટું કદી કરતા નથી. દર સવારે તે અચૂકપણે પોતાનું ન્યાયીપણું જાહેર કરે છે. તેમ છતાં ત્યાંના દુષ્ટો ખોટાં ક્મ કરતાં શરમાતા નથી.

6 પ્રભુ કહે છે, “મેં આખી ને આખી પ્રજાઓને નાબૂદ કરી નાખીને તેમનાં શહેરોનો મેં નાશ કર્યો છે અને એ શહેરોના કોટ અને બુરજો ખંડિયેર હાલતમાં પડયા છે. એ શહેરો છોડીને લોકો ચાલ્યા ગયા છે. શેરીઓ ખાલી થઈ ગઈ છે અને ત્યાં કોઈ કહેતાં કોઈ રહ્યું નથી.

7 તે પરથી મને લાગ્યું કે હવે મારા લોકો મારો આદર રાખશે, અને મારી શિખામણ ગ્રહણ કરશે અને મેં તેમને શિખવેલો પાઠ ભૂલી જશે નહિ. પણ તેઓ બહુ વહેલા ભૂંડાં કામો કરવા તરફ વળી ગયા.”

8 પ્રભુ કહે છે, “થોભો અને હું પ્રજાઓને દોષિત ઠરાવવાનો છું એ દિવસની રાહ જુઓ. મારા કોપની ભયંકરતાનો અનુભવ કરાવવા માટે મેં પ્રજાઓ અને રાજ્યોને એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. સમસ્ત પૃથ્વી મારા કોપાગ્નિથી બળીને ભસ્મ થઈ જશે.”

9 “ત્યારે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, તેઓ બીજા કોઈ દેવોને નહિ, પણ માત્ર મને જ પ્રાર્થના કરશે. તેઓ બધા મને આધીન થશે.

10 છેક કુશ દેશમાંથી મારા વિખેરાઈ ગયેલા લોકો આવીને મને અર્પણો ચઢાવશે.

11 તે સમયે તમે, મારા લોકોએ મારી વિરુદ્ધ કરેલા બંડને લીધે તમારે શરમાવું નહિ પડે. હું ઘમંડી અને ઉદ્ધત માણસોને દૂર કરીશ અને તમે મારા પવિત્ર પર્વત પર ક્યારેય મારી વિરુદ્ધ બંડ કરશો નહિ.

12 ત્યાં હું નમ્ર અને દીનજનોને રહેવા દઈશ અને તેઓ મદદ માટે મારા પર આધાર રાખશે.

13 ઇઝરાયલના બચી ગયેલા લોકો કોઈનું ભૂંડું કરશે નહિ, જૂઠું બોલશે નહિ, તેમજ કપટી વાતોથી છેતરાશે નહિ. તેઓ સમૃદ્ધ અને સલામત રહેશે અને કોઈથી બીશે નહિ.”


આનંદનું ગીત

14 હે સિયોનના લોકો, હે ઇઝરાયલના લોકો, હર્ષનાદ કરો; હે યરુશાલેમના લોકો, તમારા પૂરા દયથી આનંદ કરો!

15 પ્રભુએ તારા પરની શિક્ષા અટકાવી દીધી છે; તેણે તારા સર્વ શત્રુઓને દૂર કર્યા છે. ઇઝરાયલનો રાજા, યાહવે તારી સાથે છે. હવે ગભરાવાનું કોઈ કારણ નથી.

16 એવો સમય આવે છે જ્યારે તેઓ યરુશાલેમને કહેશે, “હે સિયોન નગરી, ગભરાઈશ નહિ, તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ!

17 તારા ઈશ્વર પ્રભુ તારી મધ્યે છે. તે પોતાના સામર્થ્યથી તારો બચાવ કરનાર છે. પ્રભુ તારામાં હર્ષ પામશે અને તેમના પ્રેમમાં તે તને નવજીવન બક્ષશે.

18 તે ગાયન કરશે અને તારે લીધે પર્વોત્સવના આનંદ જેવા આનંદથી હરખાશે.” પ્રભુ કહે છે, “મેં આવી પડનાર દુર્દશાની ધાકનો અંત આણ્યો છે અને તારું લાંછન દૂર કર્યું છે.

19 એવો સમય આવે છે, જ્યારે હું તારા પર જુલમ ગુજારનારાને શિક્ષા કરીશ. હું સર્વ અપંગોને છોડાવીશ અને તેમને દેશનિકાલીમાંથી વતનમાં લાવીશ. હું તેમની શરમને કીર્તિમાં ફેરવી દઈશ અને આખી દુનિયા તેમની પ્રશંસા કરશે.

20 એવો સમય આવે છે જ્યારે હું તારા વેરવિખેર થઈ ગયેલા લોકોને વતનમાં પાછા લાવીશ. આખી દુનિયામાં હું તમને નામીચા કરીશ અને તમને ફરીથી સમૃદ્ધ કરીશ.” પ્રભુ પોતે એ બોલ્યા છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan