Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સફાન્યા 2 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુ તરફ વળો!

1-2 ઓ બેશરમ લોકો, એકત્ર થાઓ. પવનથી ઊડી જતાં ફોતરાંની જેમ તમને હાંકી કાઢવામાં આવે તે પહેલાં, પ્રભુનો કોપાગ્નિ તમારા પર આવી પડે તે પહેલાં એટલે પ્રભુના રોષનો દિવસ આવી લાગે તે પહેલાં એકત્ર થાઓ.

3 હે દેશના નમ્રજનો, તથા તેમનો નિયમ પાળનાર લોકો, પ્રભુ તરફ પાછા ફરો. સદાચાર કરો અને પ્રભુ સમક્ષ પોતાને દીન કરો; પ્રભુ પોતાનો રોષ ઠાલવે તે દિવસે તમને કદાચ સંતાવાને આશ્રયસ્થાન મળી રહે.


ઇઝરાયલનાં પડોશી રાજ્યોને સજા

4 કારણ, ગાઝા નગરનો ત્યાગ કરવામાં આવશે, ને આશ્કલોન ઉજ્જડ બની જશે, આશ્દોદમાં ખરે બપોરે ઓચિંતા હુમલાથી તેના લોકોને હાંકી કાઢવામાં આવશે, અને એક્રોનના લોકોને તે શહેરમાંથી હાંકી કાઢવામાં આવશે.

5 હે સમુદ્ર કિનારે વસતા પલિસ્તીઓ, તમારું આવી બન્યું છે. પ્રભુએ તમને સજા ફટકારી દીધી છે. તે તમારો નાશ કરશે, અને તમારામાંથી કોઈ બચી જશે નહિ.

6 સમુદ્રકિનારાનો તમારો પ્રદેશ ખુલ્લા મેદાન જેવો બની જશે અને તેમાં ભરવાડો તંબૂ તાણશે અને ઘેટાંબકરાંના વાડા બાંધશે.

7 યહૂદિયાના બચી જઈને બાકી રહેલા લોક એ ભૂમિનો કબજો લેશે, તેઓ ત્યાં તેમનાં ઘેટાં ચારશે, અને રાત્રે આશ્કલોનનાં ખાલી પડેલાં ઘરોમાં સૂઈ રહેશે; પ્રભુ તેમના ઈશ્વર તેમની સાથે રહેશે. અને તેમને ફરીથી સ્વતંત્ર અને સમૃદ્ધ કરશે.

8 સર્વસમર્થ પ્રભુ કહે છે, “મોઆબના લોકોએ મારા લોકને મહેણાં માર્યાં છે; આમ્મોનના લોકોએ તેમની નિંદા કરી છે, અને બળજબરીપૂર્વક તેમનો મુલક પચાવી પાડીશું એવી બડાશ મારી છે. મેં એ બધું સાંભળ્યું છે.

9 હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ છું, મારા જીવના સમ, સદોમ અને ગમોરાની જેમ જ મોઆબ અને આમ્મોનનો નાશ થશે. એના પ્રદેશો મીઠાના અગરની અને ઝાંખરાવાળી ઉજ્જડ જગ્યા બની રહેશે. મારા બચી ગયેલા લોકો તેમને લૂંટી લેશે અને તેમનો પ્રદેશ પચાવી પાડશે.”

10 સર્વસમર્થ પ્રભુના લોકોનું અપમાન કરવા બદલ અને અભિમાની તથા ઉદ્ધત વર્તન માટે મોઆબ તથા આમ્મોનના લોકોને એવી શિક્ષા થશે.

11 પ્રભુ તેમને ગભરાવી મૂકશે. તે પૃથ્વીના દેવોને નષ્ટ કરશે, અને ત્યારે તો સર્વ પ્રજાઓ પોતપોતાના દેશમાં પ્રભુની ભક્તિ કરશે.

12 પ્રભુ કુશી લોકોનો પણ તલવારથી સંહાર કરશે.

13 તે પોતાની શક્તિથી આશ્શૂરનો પણ નાશ કરશે. તે નિનવે નગરને ઉજ્જડ, ખંડિયેર અને નિર્જળ અરણ્ય બનાવી દેશે.

14 તે ઘેટાંબકરાંનાં ટોળાં, અન્ય ઢોરઢાંક અને સર્વ પ્રકારનાં પ્રાણીઓને પડી રહેવાનું સ્થાન બની જશે. તેનાં ખંડિયેરમાં ધુવડો રહેશે અને બારીઓમાંથી ધુઘવાટા કરશે. પ્રવેશદ્વારનાં પગથિયાં પર કાગડાઓ કાગારોળ કરશે. તેની ઇમારતો પરનું ગંધતરુનું લાકડું ઊખેડી લેવાશે.

15 પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan