સફાન્યા 1 - પવિત્ર બાઇબલ C.L.1 આમોનના પુત્ર યહૂદિયાના રાજા યોશિયાના અમલમાં, હિઝકિયાના પુત્ર અમાર્યાના પુત્ર ગદાલ્યાના પુત્ર કૂશીના પુત્ર સફાન્યાને પ્રભુ તરફથી મળેલો આ સંદેશો છે. પ્રભુનો ન્યાયનો દિવસ 2 પ્રભુએ કહ્યું, “હું ધરતીના પટ પરથી સર્વસ્વનો સંપૂર્ણ નાશ કરવાનો છું. 3 સમસ્ત માનવજાત અને પશુઓ, પક્ષીઓ અને માછલાંનો નાશ કરીશ. હું દુષ્ટોનું પતન થવા દઇશ. હું સમસ્ત માનવજાતનો નાશ કરીશ અને કોઈ બચી જશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું. 4 “હું યરુશાલેમ તથા આખા યહૂદિયાને શિક્ષા કરીશ. હું ત્યાંની બઆલની પૂજાનું નામનિશાન ભૂંસી નાખીશ અને તેની સેવા કરનારા વિધર્મી યજ્ઞકારોનું કોઈ સ્મરણ પણ નહિ કરે. 5 ઘરની અગાશી ઉપર સૂર્ય, ચંદ્ર અને તારામંડળની ભક્તિ કરવા જનારાઓનો હું નાશ કરીશ. જેઓ મારી ભક્તિ કરે છે અને મને વફાદાર રહેવાના સોગન ખાય છે અને વળી મિલ્કોમ દેવના પણ સોગન ખાય છે તેમનો હું સંહાર કરીશ. 6 જેઓ મારાથી વિમુખ થઈ જઈ હવે મને અનુસરતા નથી, અને મારી પાસે આવતા નથી કે મારું માર્ગદર્શન મેળવવા માગતા નથી એવા લોકોને પણ હું નષ્ટ કરીશ.” 7 પ્રભુ ન્યાય કરશે તે દિવસ પાસે છે; તેથી તેમની સંમુખ ચૂપ રહો. પ્રભુ પોતાના લોકનું બલિદાન કરી દેવા તેમને તૈયાર કરે છે અને યહૂદિયાને લૂંટાવી દેવા શત્રુઓને અલગ કરી તેમને આમંત્રણ આપ્યું છે. 8 સંહારના એ દિવસે રાજપુરુષો, રાજકુમારો અને વિદેશી રીતરિવાજોનું અનુકરણ કરનારા સૌનો હું નાશ કરીશ. 9 પ્રભુ કહે છે, “જેઓ મંદિરના ઉંબરા પર પગ મૂકવાનું ટાળીને વિદેશીઓની જેમ ભક્તિ કરે છે, અને પોતાના માલિકના મહેલ ભરી દેવા જોર-જુલમ અને કપટથી લૂંટ ચલાવે છે તેમનો પણ હું સંહાર કરીશ.” 10 પ્રભુ કહે છે, “તે દિવસે તમે યરુશાલેમના મચ્છી દરવાજે રુદનનો પોકાર સાંભળશો. વળી, નગરના નવીન વિભાગમાં વિલાપનો અવાજ અને ડુંગરોમાંથી કડાકા સાંભળશો. 11 હે નગરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો, તમે એ વિલાપ અને રુદન સાંભળો ત્યારે તમે પણ પોક મૂકો. કારણ, તમામ વેપારીવર્ગ નષ્ટ થયો છે અને રૂપાથી લદાયેલા સૌનો સંહાર થયો છે. 12 “એ સમયે હું દીવો લઈને યરુશાલેમમાં શોધી વળીશ, અને પ્રભુ તો ભલું નહિ કરે, તેમ ભૂંડું યે નહિ એવું મનમાં કહેનારા સંતુષ્ટ અને આત્મવિશ્વાસ ધરાવનાર લોકોને હું શિક્ષા કરીશ. 13 તેમની સંપત્તિ લૂંટી લેવાશે, અને તેમનાં ઘર તોડી પડાશે. પોતે બાંધેલાં ઘરોમાં તેઓ ન તો રહી શકશે, ન તો પોતે રોપેલી દ્રાક્ષવાડીનો દ્રાક્ષાસવ પી શકશે.” 14 પ્રભુનો મહાન દિવસ પાસે છે. તે નજીક છે અને બહુ ઝડપભેર આવી રહ્યો છે. એ દિવસનો સાદ ઘણો કરુણ હશે. કારણ, શૂરવીરો પણ હતાશ થઈ રડી પડશે.! 15 એ તો કોપનો દિવસ, સંકટ અને કષ્ટનો દિવસ, વેરાન તથા વિનાશનો દિવસ, અંધકાર અને ગમગીનીનો દિવસ, ઘોર અંધકારનો અને વાદળાંવાળો દિવસ હશે. 16 કિલ્લેબંધીવાળાં નગરો અને ઊંચા બુરજો પર આક્રમણ કરતા સૈનિકોના લલકાર અને લડાઈનાં ભયસૂચક રણશિંગડાંના નાદનો એ દિવસ હશે. 17 પ્રભુ કહે છે, “હું માનવજાત ઉપર એવો પ્રકોપ ઠાલવીશ કે પ્રત્યેક માણસ આંધળાની જેમ ફંફોસી ફંફોસીને ચાલશે; કારણ, તેમણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું તેમનું રક્ત જમીન પર પાણીની પેઠે વહાવીશ અને તેમનાં શબ પણ ત્યાં સડશે. 18 પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide