ઝખાર્યા 9 - પવિત્ર બાઇબલ C.L.પડોશના દેશો પર ન્યાયશાસન 1 આ પ્રભુનો સંદેશ છે: તેમણે હાદ્રાખના દેશ માટે અને દમાસ્ક્સ શહેર માટે શિક્ષાનો આદેશ બહાર પાડયો છે. માત્ર ઇઝરાયલના કુળપ્રદેશો જ નહિ પણ સિરિયાની રાજધાની પણ પ્રભુની છે. 2 હાદ્રાખની સરહદ પરનું હમાથ પણ તેમનું છે. એ જ રીતે તૂર અને સિદોનનાં શહેરો તેમની સઘળી કારીગરી સહિત પ્રભુનાં છે. 3 તૂરે પોતાની કિલ્લેબંધી કરી છે અને સોનારૂપાનો એટલો સંગ્રહ કર્યો છે કે તે ધૂળ સમાન થઈ પડયું છે! 4 પણ પ્રભુ તેનું સઘળું લઈ લેશે. તે તેની સંપત્તિને સમુદ્રમાં ફેંકી દેશે, અને શહેરને બાળીને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. 5 એ જોઈને આશ્કલોન શહેર પણ ભયભીત થશે. એ જોઈને ગાઝા નગર અત્યંત દુ:ખી થશે. એક્રોનની પણ એ જ દશા થશે અને તેની આશાનો ભાંગીને ભુકો થઈ જશે. ગાઝા પોતાનો રાજા ગુમાવશે અને આશ્કલોનનો ત્યાગ કરાશે. 6 આશ્દોદમાં મિશ્ર જાતિના લોકો વસશે. પ્રભુ કહે છે, “આ બધા ઘમંડી પલિસ્તીઓને હું નીચા નમાવીશ. 7 તે પછી તેઓ રક્તમિશ્રિત માંસ કે અન્ય મના કરેલો ખોરાક ખાશે નહિ. બચી ગયેલા સૌ કોઈ મારા લોકના ભાગરૂપ અને જાણે યહૂદિયાના કુળના કોઈ ગોત્રના હોય એવા બની જશે. યબૂસીઓની માફક એક્રોન પણ મારા લોકનો ભાગ બની રહેશે. 8 હું મારા દેશનું રક્ષણ કરીશ અને તેમાં થઈને બહારનાં સૈન્યોને પસાર થવા દઈશ નહિ. હું જુલમીઓને મારા લોક પર ત્રાસ વરસાવા દઈશ નહિ. મારા લોક પર વીતેલાં દુ:ખ મેં જોયાં છે.” ભાવિ રાજા 9 હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે. 10 પ્રભુ કહે છે, “હું ઇઝરાયલમાંથી યુદ્ધ માટેના રથો દૂર કરીશ અને યરુશાલેમમાંથી ઘોડા હટાવી દઈશ; લડાઈમાં વપરાતાં ધનુષ્યો ભાંગી નાખવામાં આવશે. તમારો રાજા પ્રજાઓ મધ્યે શાંતિ સ્થાપશે. એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી યુફ્રેટિસ નદીથી પૃથ્વીના છેડાઓ સુધી તે રાજ કરશે.” પ્રભુના લોકોની સંસ્થાપના 11 પ્રભુ કહે છે, “બલિદાનના રક્તથી મુદ્રિત કરેલા તમારી સાથેના મારા કરારને લીધે હું તમને, મારા લોકને, દેશનિકાલીના નિર્જળ ખાડામાંથી મુક્ત કરીશ. 12 હે દેશનિકાલ પામેલા લોકો, તમારે માટે હવે આશા છે, તમારી સલામતીની જગ્યાએ પાછા ફરો. હું તમને કહું છું કે, તમારા પર જે વીત્યું છે તેના બદલામાં હું તમને બમણી આશિષ આપીશ. 13 હું યહૂદિયાના સૈનિકનો ધનુષ્યની જેમ અને ઇઝરાયલનો તીરોની જેમ ઉપયોગ કરીશ. ગ્રીસના લોકો સામેની લડાઈમાં હું સિયોનના માણસોનો તલવારની જેમ ઉપયોગ કરીશ. 14 પ્રભુ પોતાના સર્વ લોકો ઉપર પ્રગટ થશે. તે વીજળીની માફક બાણ મારશે. પ્રભુ પરમેશ્વર રણશિંગડું વગાડશે. દક્ષિણના તોફાનમાં તે કૂચ કરશે. 15 સર્વસમર્થ પ્રભુ પોતાના લોકોનું રક્ષણ કરશે. તે તેમના શત્રુઓનો નાશ કરશે. તે પીધેલા માણસોની જેમ યુદ્ધમાં હોંકારા મારશે, અને તેમના શત્રુઓનું રક્ત વહેવડાવશે; પ્યાલામાંથી વેદી પર રેડાતા રક્તની જેમ તેમનું રક્ત વહી નીકળશે. 16 એ દિવસ આવશે ત્યારે જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંનું જોખમથી રક્ષણ કરે છે, તેમ પ્રભુ પોતાના લોકોને બચાવશે. પ્રભુના પ્રદેશમાં તેઓ મુગટમાંના હીરાઓની જેમ પ્રકાશશે. 17 તેઓ કેવા ચિત્તાકર્ષક અને સુંદર બનશે! ધાન્ય યુવાનોને અને નવો દ્રાક્ષાસવ યુવતીઓને અલમસ્ત બનાવશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide